મોઝામ્બિકમાં મોટી દુર્ઘટના, દરિયામાં બોટ પલટી જતાં 3 ભારતીયોના મોત, 5 લોકો હજુ ગુમ

(AI IMAGE) |
Mozambique Boat accident: મોઝામ્બિકમાં થયેલા કરુણ અકસ્માતમાં ભારતીય નાગરિકોના મોતના દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. બેઇરા બંદરગાહના કિનારેથી ટેન્કર ચાલકોના એક જૂથને જહાજ તરફ લઈ જતી વખતે આ બોટ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી, જેમાં 3 ભારતીયોનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે અને અન્ય 5 લોકો ગુમ છે. શુક્રવારે બનેલી આ ઘટનામાં હોડીમાં ભારતીય મૂળના કુલ 14 નાગરિકો સવાર હતા. મોઝામ્બિક સ્થિત ભારતીય હાઈ કમિશન દ્વારા આ દુર્ઘટનાની પુષ્ટિ કરવામાં આવી છે.
બંદરગાહ નજીક થયો અકસ્માત
ભારતીય હાઈ કમિશન દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ, સેન્ટ્રલ મોઝામ્બિકના બેઇરા બંદરગાહની નજીક ક્રૂને શિફ્ટ કરવાના ઓપરેશન દરમિયાન 14 ભારતીય નાગરિકોને લઈ જતી એક બોટ પલટી ગઈ. આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે, 'અકસ્માતમાં સામેલ કેટલાક ભારતીય નાગરિકોનો બચાવ થયો છે. જોકે, દુર્ભાગ્યપૂર્ણ રીતે કેટલાક ભારતીય નાગરિકોનાં મૃત્યુ થયાં છે અને અન્યનો હજી સુધી કોઈ પત્તો લાગ્યો નથી.'
આ પણ વાંચો: લાચાર પાકિસ્તાને ભારતનું નામ લઈ તાલિબાન માટે વાપર્યા વાંધાજનક શબ્દો, તમામ સંબંધ તોડ્યા
હાઈ કમિશને મદદ પૂરી પાડવાની ખાતરી આપી
હાઈ કમિશને સોશિયલ મીડિયા 'X' પર આ દુર્ઘટના સંબંધિત અનેક પોસ્ટ કરી છે. આ પોસ્ટ્સ દ્વારા તેમણે જાનમાલના નુકસાન અંગે શોક વ્યક્ત કર્યો અને સાથે જ જણાવ્યું કે તેઓ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના પરિવારો સાથે સંપર્કમાં છે. આ ઉપરાંત, અકસ્માતમાં મૃત્યુ પામેલા ભારતીય નાગરિકોના પરિવારને દરેક સંભવ મદદ પૂરી પાડવાની પણ તેમણે ખાતરી આપી છે.