માતા હિન્દુ અને પિતા મુસ્લિમ... જાણો કોણ છે ન્યૂયોર્કના પહેલા ભારતીય મૂળના મેયર મમદાની

Zohran Mamdani: અમેરિકાના ન્યૂયોર્ક શહેરની મેયરપદની ચૂંટણીમાં ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ પાર્ટીના ઉમેદવાર ભારતીય મૂળના ઝોહરાન મમદાનીએ ઐતિહાસિક જીત મેળવી છે. ચૂંટણી દરમિયાન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ તેમનો વિરોધ કર્યો હતો. ટ્રમ્પે તો મમદાનીના ચૂંટણી જીતવા પર ન્યૂયોર્ક શહેરને કેન્દ્રીય ફંડ નહીં આપવાની ધમકી પણ આપી દીધી હતી. તેમ છતાં તેમણે બે મુખ્ય દાવેદારોમાં પૂર્વ ગવર્નર અને અપક્ષ ઉમેદવાર એન્ડ્ર્યુ કુઓમો તથા રિપબ્લિકન ઉમેદવાર કર્ટિસ સ્લીવાને હરાવીને અમેરિકાના સૌથી મોટા શહેરનું નેતૃત્વ પોતાના હાથમાં લઈ લીધું છે.
ન્યૂયોર્ક શહેરના પ્રથમ ભારતીય મૂળના મેયર મમદાની
આ સાથે મમદાની ન્યૂયોર્કના પ્રથમ ભારતીય અમેરિકન મુસ્લિમ મેયર બની ગયા છે. ઝોહરાન મમદાની ભારતીય મૂળના પ્રથમ મુસ્લિમ મેયર બનશે. તેઓ ફિલ્મ મેકર મીરા નાયરના પુત્ર છે. આ ચૂંટણીમાં તેમને 50%થી વધુ વોટ મળ્યા હતા. જ્યારે ન્યૂયોર્કના પૂર્વ ગવર્નર અને અપક્ષ ઉમેદવાર એન્ડ્રુ કુઓમોને 41% તથા રિપબ્લિકન નેતા કર્ટિસ સ્લિવાને 7.3% જ વોટ મળ્યા હતા.
કોણ છે ઝોહરાન મમદાની?
ઝોહરાન મમદાનીનો જન્મ 1991માં યુગાન્ડાની રાજધાની કમ્પાલામાં થયો હતો. તેમના પિતા કોલંબિયા યુનિવર્સિટીના જાણીતા પ્રોફેસર રહી ચૂક્યા છે. ઝોહરાનના પિતાનું નામ મહમૂદ મમદાની છે, જ્યારે તેમના માતા ભારતીય-અમેરિકન ફિલ્મ નિર્દેશક મીરા નાયર છે. ઝોહરાનના પિતા કેપટાઉન યુનિવર્સિટીમાં પણ પ્રોફેસર હતા. વર્ષ 2018માં ઝોહરાન મમદાનીને અમેરિકી નાગરિકતા મળી.
2020માં મમદાનીએ લડી પહેલી ચૂંટણી
રાજકારણમાં આવતા પહેલાં ઝોહરાન સામાજિક કાર્યકર તરીકે કામ કરતા હતા. તેઓ ન્યૂયોર્કમાં ફોરક્લોઝર કાઉન્સિલર તરીકે કામ કરતા હતા અને આ દરમિયાન ઓછી આવક ધરાવતા પરિવારોને મદદ કરતા હતા. તેમણે જોયું કે અહીં માત્ર આર્થિક જ નહીં, પણ નીતિઓમાં પણ સમસ્યાઓ છે. આ પછી તેમણે રાજકારણમાં આવવાનું મન બનાવ્યું.
વર્ષ 2020માં તેમણે પોતાની પહેલી ચૂંટણી લડી અને ન્યૂયોર્ક એસેમ્બલીના 36મા ડિસ્ટ્રિક્ટમાંથી ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ પાર્ટીની ટિકિટ પર જીત મેળવી. હવે, ન્યૂયોર્ક મેયરની પ્રાઇમરી ચૂંટણીમાં તેમણે પૂર્વ ગવર્નર એન્ડ્રુ કુઓમોને પાછળ છોડીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે.
માતા હિન્દુ અને પિતા મુસ્લિમ
જણાવી દઈએ કે મમદાની 34 વર્ષના છે અને ન્યૂયોર્ક સ્ટેટ એસેમ્બલીના સભ્ય તરીકે કાર્યરત છે. તેમનો જન્મ યુગાન્ડામાં થયો હતો અને તેમનો ઉછેર ન્યૂયોર્ક શહેરમાં થયો હતો. તેઓ ભારતીય મૂળના છે. ઉપલબ્ધ માહિતી મુજબ, તેમના માતા પ્રખ્યાત ફિલ્મ નિર્માતા મીરા નાયર છે અને તેમના પિતા મહમૂદ મમદાની છે. તેમના પિતા મુસ્લિમ હતા.
આ પણ વાંચો: આખરે કેમ કેનેડા ભારતીય વિદ્યાર્થીઓના વિઝા રિજેક્ટ કરે છે? જાણો શું છે કારણ
કોણ છે મીરા નાયર?
જાણીતા ફિલ્મમેકર મીરા નાયરનો જન્મ 1957માં રાઉરકેલામાં થયો હતો. તેઓ તેમની ફિલ્મોમાં ઓળખ, માઇગ્રેશન અને સાંસ્કૃતિક આંતરછેદ દર્શાવવા માટે પ્રખ્યાત છે. હાર્વર્ડમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ, તેમની પ્રથમ ફિલ્મ સલામ બોમ્બે! (1988)ને કાન્સમાં કેમેરા ડી'ઓર અને ઓસ્કર નોમિનેશન પ્રાપ્ત થયું હતું. ત્યારબાદ, મિસિસિપી મસાલા (1991), મોન્સૂન વેડિંગ (2001) અને ધ નેમ્સકેક (2006) જેવી તેમની ફિલ્મોએ સામાજિક સમજ સાથે વાર્તા કહેવાની તેમની પ્રતિષ્ઠાને વધુ મજબૂત બનાવી છે.
પિતા મહમૂદ મમદાની છે વિદ્વાન
ઝોહરાનના પિતા મહમૂદ મમદાનીનો જન્મ 1946માં મુંબઈમાં થયો હતો અને તેમનો ઉછેર કમ્પાલામાં થયો હતો. તેઓ આફ્રિકામાં સંસ્થાનવાદ અને રાજકીય હિંસાના સૌથી આદરણીય વિદ્વાનોમાંના એક ગણાય છે. 1972માં ઇદી અમીનના શાસન દરમિયાન તેમને યુગાન્ડામાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમણે 1974માં હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. હાલમાં તેઓ કોલંબિયા યુનિવર્સિટીમાં ગવર્નમેન્ટ અને એન્થ્રોપોલોજીના પ્રોફેસર તરીકે કાર્યરત છે. મહમૂદ, ખાસ કરીને તેમના 1996ના પુસ્તક 'સિટિઝન એન્ડ સબ્જેક્ટ' માટે જાણીતા છે, જેમાં 'બાઇફર્કેટેડ સ્ટેટ'નો પ્રભાવશાળી ખ્યાલ રજૂ કરવામાં આવ્યો હતો, જે આફ્રિકામાં પોસ્ટકોલોનિયલ ગવર્નન્સને સમજવા માટેનું એક માળખું છે.

