For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વિશ્વમાં કોરોનાથી 33,000થી વધુનાં મોત : યુએસમાં મૃત્યુઆંક 1 લાખને પાર જવાની શંકા

- વિશ્વમાં કેસોની સંખ્યા 7 લાખ નજીક, દોઢ લાખ લોકો સાજા થયા

- યુરોપમાં કોરોનાથી સંક્રમિત સંખ્યા 3,63,766થી વધુ થઈ : સ્પેનમાં 24 કલાકમાં 838નાં મોત, ઈટાલીમાં 10779નાં મોત

Updated: Mar 29th, 2020

વિશ્વમાં કોરોનાથી 33,000થી વધુનાં મોત : યુએસમાં મૃત્યુઆંક 1 લાખને પાર જવાની શંકા

વોશિંગ્ટન/રોમ, તા.29 માર્ચ 2020, રવિવાર

વિશ્વમાં કોરોના વાઈરસથી મરનારા લોકોની સંખ્યા ૩૩,૦૦૦ને પાર થઈ ગઈ છે અને કુલ કેસોની સંખ્યા સાત લાખની નજીક પહોંચી ગઈ છે. ડિસેમ્બરમાં ચીનમાં કોરોના વાઈરસના પહેલી વખત સમાચાર આવ્યા બાદથી અત્યાર સુધીમાં ૧૮૩ દેશોમાં ૬,૯૧,૪૯૪ લોકો કોરોના વાઈરસની ઝપેટમાં આવી ગયા છે. અમેરિકામાં કોરોનાથી કુલ મૃત્યુઆંક ૨,૨૩૭થી વધુ થઈ ગયો છે જ્યારે કુલ કેસની સંખ્યા ૧,૨૫,૦૦૦ને પાર થઈ ગઈ છે. અમેરિકામાં સ્વાસ્થ્ય નિષ્ણાતોએ આશંકા વ્યક્ત કરી છે કે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક ૧,૦૦,૦૦૦ને પાર જઈ શકે છે અને કરોડો લોકો કોરોનાની ઝપટમાં આવી શકે છે. બીજીબાજુ યુરોપમાં કોરોનાથી સંક્રમિત સંખ્યા ૩,૬૩,૭૬૬થી વધુ થઈ ગઈ છે.    

વિશ્વમાં કોરોનાના વધતા કેસોની વચ્ચે રાહતની વાત એ છે કે તેમાંથી ૧,૪૭,૬૦૦ લોકો સાજા થયા છે. જોકે, માનવામાં આવે છે કે કોરોનાથી સંક્રમિત લોકોની વાસ્તવિક સંખ્યા હજી ઘણી મોટી છે, કારણ કે અનેક દેશોમાં માત્ર એ જ દર્દીઓની તપાસ કરાઈ રહી છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી છે. નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ એલર્જી એન્ડ ઈન્ફેક્શન્સ ડીસીસના ડિરેક્ટર ડો. એન્થોની ફૌસીએ જણાવ્યું હતું કે હાલમં હું જે જોઈ રહ્યો છું તે મુજબ અમેરિકામાં ૧,૦૦,૦૦૦થી ૨,૦૦,૦૦૦ લોકોનાં મોત થઈ શકે છે. દેશમાં કોરોનાના કરોડો કેસો નોંધાઈ શકે છે. જોકે, વ્હાઈટ હાઉસમાં કોરોના વાઈરસ ટાસ્ક ફોર્સના વડા ડો. ડેબોરા બિર્ક્સે જણાવ્યું હતું કે દેશોમાં કોરોનાના કેસોનું પ્રમાણ ઘટયું છે. 

સ્પેનમાં 24 કલાકમાં 838નાં મોત

ચીન પછી કોરોનાનું એપી સેન્ટર બનનારા ઈટાલી અને સ્પેનમાં કોરોનાનો પ્રકોપ યથાવત્ છે. ઈટાલીમાં ૧૦,૦૨૩ લોકોના મોતની પુષ્ટી થઈ છે જ્યારે ૯૨,૪૭૨ લોકો કોરોનાનો ભોગ બની ચૂક્યા છે, જેમાંથી ૧૨,૩૮૪ લોકો સાજા થઈ ગયા છે. મોતના મામલામાં ઈટાલી પછી સ્પેને પણ ચીનને ઘણું પાછળ છોડી દીધું છે. સ્પેનમાં અત્યાર સુધીમાં ૬,૬૦૬ લોકોના મોત થયા છે અને ૭૮,૭૯૯ લોકો સંક્રમિત થયા છે. સ્પેનમાં છેલ્લા ૨૪ કલાકમાં ૮૩૮ લોકોના મોત થયા છે, જેમાં રાજકુમારીનો પણ સમાવેશ થાય છે. આ પહેલાં ઈટાલીમાં શનિવારે સૌથી વધુ ૯૭૦ મોત થયાં હતાં, જે એક દિવસમાં મોતનો સૌથી મોટો આંકડો છે.

સારવાર માટે યુએસમાં જૂની પદ્ધતિનો પ્રયોગ

અમેરિકામાં કોરોનાની સારવાર માટે પ્રયોગ કરાઈ રહ્યો છે. હ્યુસ્ટનની એક અગ્રણી હોસ્પિટલે કોવિડ-૧૯થી સાજા થયેલા એક દર્દીનું લોહી આ બીમારીથી ગંભીર રૂપે પીડિત એક દર્દીને ચઢાવ્યું છે. જીવલેણ કોરોના વાઈરસથી પીડિત એક દર્દીએ સાજા થયાના બે સપ્તાહ કરતાં વધુ સમય પછી તેનું બ્લડ પ્લાઝમા દાન કર્યું છે. આ બ્લડ પ્લાઝમા હ્યુસ્ટન મેથોડિસ્ટ હોસ્પિટલમાં 'કોનવાલેસ્સેંટ સીરમ થેરપી' માટે અપાયું છે. સારવારની આ જૂની રીત ૧૯૧૮ના 'સ્પેનિશ ફ્લુ'ની મહામારી સમયે અપનાવાઈ હતી.

દક્ષિણ આફ્રિકામાં ભારતયી મૂળના લોકો દ્વારા રાહત કાર્ય

દક્ષિણ આફ્રિકામાં પણ કોરોના વાઈરસનો પ્રકોપ વધી રહ્યો છે. પરીણામે ત્યાં પણ ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કરાયું છે. આવા સમયમાં ભારતીય મૂળના લોકો જરૂરિયાતમંદોની સહાય માટે આગળ આવ્યા છે. ભારતીય મૂળના ઈમ્તિયાઝ સુલેમાન હોય કે ડરબનમાં ૯૨ વર્ષના ડોક્ટર નલીન ગોવેંદ્ર કે ફિલ્મ નિર્માતા અનંત સિંહ તેમણે સ્થાનિક લોકોની મદદ માટે હાથ લંબાવ્યો છે. તેઓ લોકોને મેડિકલ સેવાઓ તેમજ જરૂરી ચીજવસ્તુઓ પૂરી પાડે છે.

રશિયામાં એક દિવસમાં વિક્રમી મોત, સરહદો સીલ, ટ્રેનો બંધ

રશિયામાં કોરોના વાઈરસથી સંક્રમિત લોકોની સંખ્યા ૧૨૬૪ થઈ છે અને એક જ દિવસમાં ૨૨૮ નવા કેસ સામે આવ્યા છે. ત્યાર બાદ રશિયાએ તેની બધી જ સરહદો સીલ કરવાનો નિર્ણય કર્યો છે. સોમવારથી રેલવે સહિત દરેક પ્રકારના વાહનો પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. રશિયાએ સમુદ્રી સરહદોને પણ સીલ કરી દીધી છે. રશિયામાં અગાઉથી જ આંતરરાષ્ટ્રીય વિમાની સેવાઓ બંધ કરી દેવાઈ છે અને આગામી સપ્તાહને નોન-વર્કિંગ સપ્તાહ જાહેર કરાયું છે. 

મહાદ્વિપોમાં યુરોપમાં સૌથી વધુ ગંભીર સ્થિતિ

યુરોપમાં કોરોનાથી સંક્રમિત સંખ્યા ૩,૬૩,૭૬૬થી વધુ થઈ ગઈ છે. એશિયામાં પશ્ચિમ એશિયા સિવાયના દેશોમાં ૧,૦૪,૫૯૬ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને ૩,૭૬૧ લોકોનાં મોત નીપજ્યાં છે. ઈરાન સહિત પશ્ચિમ એશિયામં કોરોનાના ૪૬,૫૯૬ કેસ સામે આવ્યા છે જ્યારે ૨,૭૧૮ લોકોનાં મોત થયા છે. લેટિન અમેરિકા અને કેરેબિયન દેશોમાં કોરોનાના ૧૩,૫૪૪ કેસ નોંધાયા છે અને ૨૭૪નાં મોત નીપજ્યાં છે. આફ્રિકામાં ૪,૨૬૭ કેસ અને ૧૩૪ મોત થયા છે.

Gujarat