Get The App

તહેવારની ઉજવણી વચ્ચે ગાઝા પર ઈઝરાયલના હુમલામાં 100થી વધુ નિર્દોષોનાં મોત

Updated: Jun 9th, 2025

GS TEAM

Google News
Google News
તહેવારની ઉજવણી વચ્ચે ગાઝા પર ઈઝરાયલના હુમલામાં 100થી વધુ નિર્દોષોનાં મોત 1 - image


ઈઝરાયેલ હમાસે અપહરણ કરેલ થાઈ નાગરિકનો મૃતદેહ પાછો લાવ્યા

હમાસની મુજાહિદ્દીન બ્રિગેડનો વડો માર્યો ગયો હોવાનો ઈઝરાયેલના સૈન્યનો દાવો : ગાઝાના લોકો સુધી ભોજન પહોંચતું બંધ થવા પાછળ ઇઝરાયેલે હમાસની ધમકીઓને જવાબદાર ઠેરવી

ISRAEL VS HAMAS WAR UPDATE: ઈઝરાયેલે હમાસ સામે યુદ્ધમાં ગાઝા પટ્ટીને કાટમાળમાં ફેરવી દીધી હોવા છતાં તેના હુમલા હજુ બંધ થઈ રહ્યા નથી. ઈઝરાયેલે છેલ્લા 24 કલાકમાં ગાઝા પર વિનાશક હવાઈ હુમલા કરતા 100થી વધુ નિર્દોષ લોકોનાં મોત નીપજ્યાં હતા. બીજીબાજુ હમાસે 7 ઑક્ટોબર 2023માં ઈઝરાયેલ પર આતંકી હુમલો કરી બંધક બનાવેલા લોકોમાંથી થાઈલેન્ડના એક નાગરિકનો મૃતદેહ ઈઝરાયેલનું સૈન્ય પરત લાવ્યું હતું.


ઈઝરાયેલના સૈન્યે ગાઝા પર તેનું આક્રમણ ચાલુ રાખ્યું છે. ઈઝરાયેલની સેનાએ કહ્યું કે, તેના હુમલામાં હમાસની મુજાહિદ્દીન બ્રિગેડનો નેતા અસદ અબી શરૈયા માર્યો ગયો છે. ગાઝાની શિફા અને અલ-અહલી હોસ્પિટલો મુજબ ગાઝા શહેરમાં ઈઝરાયેલના હુમલામાં એક જ પરિવારના છ સભ્યોના મોત થઈ ગયા છે, જેમાં બે બાળકો પણ સામેલ છે. જોકે, ગાઝામાં નિર્દોષ નાગરિકો પર ઈઝરાયેલના હુમલા ચાલુ રહ્યા છે. રાફા અને ખાન યુનિસ વચ્ચે દક્ષિણ ગાઝામાં મુવાસી ક્ષેત્રમાં ઈઝરાયેલે ચાર હુમલા કર્યા હતા, જેમાં બાળકો સહિત અનેક લોકોનાં મોત થયા હતા.

ઈઝરાયેલના સૈનિકો હવે નિરાશ્રિત છાવણીમાં રહેતા લોકો અને હોસ્પિટલો પર પણ હુમલા કરી રહ્યા છે. ગાઝા હોસ્પિટલના અધિકારીઓ મુજબ ઈઝરાયેલ સૈનિકોના ગોળીબારમાં પેલેસ્ટાઈનના 80થી વધુ લોકો માર્યા ગયા છે. જોકે, ઈઝરાયેલના સૈન્યે દાવો કર્યો કે તેણે ચેતવણી માટે હવામાં ગોળીબાર કર્યો હતો. ઈઝરાયેલે પેલેસ્ટાઈનના લોકોને રાહત મળતી બંધ કરવા નાકાબંધી કરી દીધી છે ત્યારે 20 લાખ લોકો યુએનની રાહત પર નિર્ભર છે. ગાઝા માનવીય ફાઉન્ડેશનના એક અધિકારીએ કહ્યું કે, શનિવારે ઈઝરાયેલે ગાઝાના લોકો સુધી ભોજન પહોંચવા દીધું નહીં અને તેના માટે હમાસની ધમકીઓને જવાબદાર ઠેરવી હતી.

ઈઝરાયેલના સંરક્ષણ મંત્રીએ કહ્યું કે પિન્ટાનો મૃતદેહ દક્ષિણ ગાઝાના રાફા ક્ષેત્રમાંથી પાછો મેળવાયો હતો. થાઈલેન્ડનો નાગરિક નટ્ટાપોંગ પિંટા કૃષિમાં કામ કરવા માટે ઈઝરાયેલ આવ્યો હતો. ઈઝરાયેલ સરકારે કહ્યું કે તેને કિબુત્ઝ નીર ઓઝથી પકડવામાં આવ્યો હતો અને યુદ્ધની શરૂઆતમાં જ તેની હત્યા કરી દેવાઈ હતી. ગાઝામાં હજુ પણ પંચાવન બંધકો હોવાનો અને તેમાંથી અડધાથી વધુ માર્યા ગયા હોવાનો ઈઝરાયેલના સૈન્યનો દાવો છે. બીજીબાજુ ઈઝરાયેલમાં બંધકોના પરિવારજનોએ ફરીથી રેલી કાઢી હતી અને બધા જ લોકોને ઘરે પાછા લાવવા માટે સંઘર્ષ વિરામની સમજૂતીની માગ કરી હતી.

થાઈલેન્ડના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, તેના અન્ય બે નાગરિકોના મૃતદેહ હજુ પણ મળ્યા નથી. થાઈલેન્ડના લોકો બંધક બનાવાયેલા વિદેશીનું સૌથી મોટું જૂથ હતું. થાઈલેન્ડના અનેક નાગરિકો દક્ષિણ ઈઝરાયેલના કિબુત્ઝિ અને શહેરોના બહારના વિસ્તારોમાં રહેતા હતા, જેઓ 7 ઑક્ટોબર 2023ના રોજ હમાસના હુમલાનો સૌથી પહેલા ભોગ બન્યા હતા. થાઈલેન્ડના વિદેશ મંત્રાલય મુજબ હમાસ અને ઈઝરાયેલના યુદ્ધમાં 46 થાઈ નાગરિકોનાં મોત થયા છે.

હમાસે અન્ય એક બંધક મતન જાંગૌકર અંગે અસામાન્ય ચેતવણી આપી હતી, જેમાં કહેવાયું હતું કે ઈઝરાયેલના સૈન્યે તેને રાખવામાં આવ્યો છે તે ક્ષેત્રને ઘેરી લીધું છે અને ઈઝરાયેલના હુમલામાં તેનું મોત પણ થઈ શકે છે. તેને જે પણ નુકસાન થશે તેના માટે ઈઝરાયેલનું સૈન્ય જવાબદાર હશે.

Tags :