'PM મોદી સાથે ફોન પર વાતચીત થઈ જ નથી...', ટ્રમ્પના દાવા અંગે ભારતના વિદેશ મંત્રાલયનો જવાબ

PM Modi and Donald trump news : મધ્ય-પૂર્વમાં ગાઝામાં યુદ્ધ રોકી શાંતિ કરાવવામાં સફળ થયા પછી હવે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા-યુક્રેન યુદ્ધ તરફ નજર દોડાવી છે. પ્રમુખ ટ્રમ્પે ભારત અંગે મોટો દોવા કરતા કહ્યું કે, 'મારા મિત્ર' વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાતરી આપી છે કે ભારત હવે રશિયા પાસેથી ક્રુડ ઓઈલ નહીં ખરીદે, જે યુક્રેન યુદ્ધ રોકવા રશિયા પર દબાણ લાવવા માટેનું એક મોટું પગલું છે. ટ્રમ્પના આ દાવા સાથે જ વૈશ્વિક સ્તરે ખળભળાટ મચી ગયો હતો. જોકે, ભારતીય વિદેશ મંત્રાલયે ટ્રમ્પના આ દાવાને ધરાર ફગાવી દીધો હતો. મંત્રાલયે કહ્યું કે, વડાપ્રધાન મોદી અને ટ્રમ્પની હાલમાં કોઈ વાતચીત થઈ નથી અને કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય હિતોને પ્રાથમિક્તા આપે છે. રશિયાએ પણ ટ્રમ્પના દાવાને નકારી કાઢ્યો હતો.
ભારતે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના તે દાવાને સખત રીતે નકારી કાઢ્યો છે, જેમાં તેમણે મંગળવારે કહ્યું હતું કે ભારત હવે રશિયા પાસેથી તેલની ખરીદી કરશે નહીં. ટ્રમ્પે તાજેતરમાં પ્રધાનમંત્રી મોદી સાથે ફોન પર થયેલી વાતચીતનો ઉલ્લેખ કરીને દાવો કર્યો હતો કે PM મોદીએ તેમને ખાતરી આપી છે કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરી દેશે. હવે ભારતે ટ્રમ્પના આ દાવાનું સશક્ત રીતે ખંડન કર્યું છે. કેન્દ્ર સરકારે ટ્રમ્પના આ દાવા પર સ્પષ્ટતા કરી છે કે આવી કોઈ વાતચીત થઈ જ નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલએ આ અંગે માહિતી આપતાં કહ્યું કે "ભારતે ઊર્જા (Energy)ના મુદ્દા પર અમેરિકાની ટિપ્પણી વિશે અગાઉથી જ એક નિવેદન બહાર પાડી દીધું છે, જેનો સંદર્ભ લઈ શકાય છે. જ્યાં સુધી ફોન પર વાતચીતનો સવાલ છે, તો હું કહી શકું છું કે PM મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે આવી કોઈ ચર્ચા થઈ જ નથી."
ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે વાત કરતા બુધવારે અમેરિકન પ્રમુખ ડોલાન્ડ ટ્રમ્પે કહ્યું કે, તેમણે વડાપ્રધાન મોદી સમક્ષ ભારત દ્વારા રશિયન ક્રુડ ઓઈલની સતત ખરીદી અંગે ચિંતા વ્યક્ત કરી છે. વોશિંગ્ટનનું માનવું છે કે તેનાથી પ્રમુખ વ્લાદિમિર પુતિનને યુદ્ધ માટે ફન્ડિંગમાં મદદ મળે છે. ભારતની આ ખરીદીથી અમે ખુશ નથી. પશ્ચિમી દેશોના પ્રતિબંધો છતાં ભારતે રશિયા પાસેથી ક્રુડ ઓઈલની ખરીદી ચાલુ રાખતા ભારત અને રશિયાના સંબંધો કથળ્યા છે.
પ્રમુખ ટ્રમ્પે કહ્યું કે, 'વડાપ્રધાન મોદીએ આજે ફોન કોલ પર થયેલી વાતચીતમાં મને આશ્વાસન આપ્યું છે કે તેઓ રશિયા પાસેથી ક્રુડ ઓઈલ નહીં ખરીદે. આ એક મોટું પગલું છે. આ યુદ્ધ પહેલા સપ્તાહમાં જ બંધ થઈ જવું જોઈતું હતું, પરંતુ તે હવે ચોથા વર્ષમાં પ્રવેશવા તરફ આગળ વધી રહ્યું છે. આ યુદ્ધમાં લાખો લોકો માર્યા ગયા છે. હવે અમે રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવા મુદ્દે ચીન પર પણ દબાણ લાવીશું.' અમેરિકન પ્રમુખે કહ્યું કે, ઊર્જા નીતિ પર મતભેદો છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાન વ્યક્તિ છે અને અમેરિકાના ગાઢ સહયોગી છે. તેઓ મારા મિત્ર છે અને અમારી વચ્ચે ખૂબ જ સારા સંબંધો છે.
અમેરિકાના ભારત ખાતેના રાજદૂત સર્જિયો ગોર અને વડાપ્રધાન મોદી વચ્ચેની બેઠક અંગે પૂછવામાં આવતા ટ્રમ્પે કહ્યું કે, અમેરિકન રાજદૂત સર્જિયો ગોર અને પીએમ મોદીની મુલાકાત ખૂબ જ સારી રહી. સર્જિયોએ મને કહ્યું કે, પીએમ મોદી ટ્રમ્પને પસંદ કરે છે. તેમણે ભારતને અનેક વર્ષોથી જોયું છે અને દર વર્ષે નવા નેતા આપતા હતા, પરંતુ મોદી ઘણા લાંબા સમયથી વડાપ્રધાન છે.
દરમિયાન આ નિવેદનના કલાકોમાં જ ભારતીય વિદેશ મંત્રાલયે ગુરુવારે નવી દિલ્હીમાં પ્રમુખ ટ્રમ્પના દાવાઓને ધરાર નકારી કાઢ્યા હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, પીએમ મોદીને પ્રમુખ ટ્રમ્પ સાથે ફોન પર કોઈ વાતચીત થઈ નથી. અસ્થિર ઊર્જા પરિદૃશ્યમાં સરકારે પોતાના લોકોના હિતોની રક્ષા કરવાને અગ્રતા આપી છે. ભારત ક્રુડ ઓઈલ અને ગેસનો મહત્વપૂર્ણ આયાતકાર દેશ છે. અમારી આયાત નીતિઓ સંપૂર્ણપણે સ્થિર ઊર્જા મૂલ્ય અને સુરક્ષિત પુરવઠો સુનિશ્ચિત કરવા પર કેન્દ્રીત છે.
રશિયાએ પણ ટ્રમ્પના દાવાઓનો જડબાતોડ જવાબ આપ્યો છે. રશિયાના નાયબ વડાપ્રધાન એલેક્ઝાન્ડર નોવાકે ગુરુવારે કહ્યું કે રશિયાને વિશ્વાસ છે કે ભારત સાથે ઊર્જા સહયોગ યથાવત્ છે અને રહેશે. અમારી મૈત્રીપૂર્ણ ભાગીદારી ચાલુ રહેશે. અમારા ઊર્જા સ્રોતોની માગ છે. તે આર્થિક રીતે પોષાય તેવા છે. ભારત અને રશિયાની ભાગીદારી રણનીતિક રીતે વ્યૂહાત્મક છે.
હવે જાપાન પર પણ રશિયન ક્રુડની ખરીદી બંધ કરવા અમેરિકાનું દબાણ
વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ લાંબા સમયથી ભારત અને ચીન પર રશિયા પાસેથી ક્રુડ ઓઈલની ખરીદી બંધ કરવા દબાણ કરી રહ્યા છે. ટ્રમ્પે બુધવારે ફરી એક વખત દાવો કર્યો કે પીએમ મોદીએ રશિયન ક્રુડ ઓઈલની ખરીદી બંધ કરવાનું આશ્વાસન આપ્યું છે. આવા સમયે હવે અમેરિકન નાણામંત્રી સ્કોટ બેસેન્ટે જાપાન પર પણ રશિયન પાસેથી ક્રુડ ઓઈલની ખરીદી બંધ કરવા દબાણ શરૂ કર્યું છે. બેસન્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં લખ્યું કે, તેમણે રશિયા પાસેથી ક્રુડની ખરીદી રોકવા માટે જાપાનના વડાપ્રધાન સાથે વાત કરી છે. જાપાનના નાણામંત્રી કાત્સુનોબુ કામોટ સાથે ચર્ચા કરી. અમને આશા છે કે જાપાન પણ રશિયા પાસેથી ઊર્જા આયાત બંધ કરશે. તાજા આંકડા મુજબ જાપાન તેની એલએનજી આયાતોના ૯ ટકા જેટલી આયાત રશિયામાંથી કરે છે.
ટ્રમ્પના દાવાથી વિપરિત રશિયા પાસેથી ભારતની ક્રુડ ખરીદી વધી
નવ દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના દબાણના પગલે હવે રશિયા પાસેથી ક્રુડ ઓઈલની ખરીદી નહીં કરવાનું આશ્વાસન આપ્યું હોવાનો અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ઓવલ ઓફિસમાં દાવો કર્યો હતો. જોકે, ટ્રમ્પના આ દાવાથી વિપરિત ભારતે રશિયા પાસેથી ક્રુડ ઓઈલની ખરીદી વધારી હોવાનું આંકડાઓ બતાવી રહ્યા છે. દુનિયામાં ત્રીજા ક્રમના સૌથી મોટા ક્રુડ ઓઈલ આયાતકાર દેશ ભારતે સપ્ટેમ્બરમાં રશિયા પાસેથી ૨.૫ અબજ યુરોના મૂલ્યના ક્રુડ ઓઈલની ખરીદી કરી હતી. સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એર (સીઆરઈએ)ના રિપોર્ટ મુજબ ભારત સપ્ટેમ્બરમાં રશિયન ઈંધણનંર બીજું સૌથી મોટું ખરીદદાર ગ્રાહક રહ્યું. ભારતની રશિયા પાસેથી કુલ ખરીદીમાં ક્રુડ ઓઈલ ૭૭ ટકા અંદાજે ૨.૫ અબજ યુરો, કોલસો ૧૩ ટકા (૪૫.૨ કરોડ યુરો) અને ક્રુડ ઉત્પાદનો ૧૦ ટકા (૩૪.૪ કરોડ યુરો)નો સમાવેશ થાય છે.