ઘરમાં ઝઘડો થયો તો બાળકે 911 પર ફોન કરીને માંગી મદદ, જવાને બાળકને જ મારી દીધી ગોળી
Image Courtesy: Freepik
નવી દિલ્હી,તા. 26 મે 2023, શુક્રવાર
અમેરિકી રાજ્ય મિસિસિપીમાં એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં એક 11 વર્ષના છોકરાને પોલીસકર્મીએ ગોળી મારી દીધી હતી. ગોળી વાગવાથી સગીર ગંભીર રીતે ઘાયલ થયો હતો.
શું છે સમગ્ર ઘટના?
ઘરમાં ઝઘડો થતા સગીરે 911 પર ફોન કરીને પોલીસની મદદ માંગી હતી. આ પછી પોલીસ અધિકારી આપેલા સરનામે પહોંચ્યા હતા પરતૂ બાળકને જ પોલીસે ગોળી મારી દીધી હતી. ગોળી વાગવાથી સગીર ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ પછી તેને ઉતાવળે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
એડ્રિયન લિવિંગ રૂમમાં પહોંચતા જ પોલીસ અધિકારીએ તેને ગોળી મારી દીધી હતી. આ દરમિયાન તેને શું થયું તે સમજાયું નહીં. સગીર લોહીથી લથપથ હાલતમાં હતો અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પીડિતાના પરિજનોએ સીસીટીવી ફૂટેજ જાહેર કરવાની માંગ કરી છે.
છોકરાની ઓળખ એડ્રિયન મુરી તરીકે થઈ છે. પીડિત છોકરાના પરિજનોએ આરોપી પોલીસ અધિકારીને બરતરફ કરવાની માંગ કરી છે.
બાળકની માતા, નકાલા મુરીએ જણાવ્યું હતું,કે બાળકે ઘરેલુ ઘટના માટે પોલીસને બોલાવ્યા બાદ ઈન્ડિયોલા પોલીસ વિભાગના એક અધિકારી ઘરે આવ્યા હતા.
મહિલાએ જણાવ્યું કે તેનો પતિ સવારે 4 વાગ્યાની આસપાસ ઘરમાં ગુસ્સે થઈ ગયો અને ઝઘડો કરવા લાગ્યો હતો. આ દરમિયાન તેમનો પુત્ર અને ભત્રીજો સૂઈ ગયા હતા. ત્યારબાદ તેણે મોબાઈલ ફોન તેના પુત્રને આપ્યો અને દાદી અને પોલીસને ફોન કરવા કહ્યું હતુ.
આ દરમિયાન એડ્રિને પહેલા પોલીસને ફોન કર્યો અને ઘરેલુ વિવાદની જાણકારી આપી હતી. આ પછી પોલીસ ઓફિસર ઘરની બહાર પહોંચી ગયો. તેણે પહેલા દરવાજો ખખડાવ્યો અને પછી લાત મારીને દરવાજો તોડી નાખ્યો હતો.