‘ટ્રમ્પ, આ બાળકોની આંખોમાં જુઓ...’ મિનાબની સ્કૂલ પરના હુમલા મુદ્દે તહેરાન ટાઇમ્સનો આક્રોશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Middle East War: ઈરાનના દક્ષિણ શહેર મિનાબમાં અમેરિકા દ્વારા કરાયેલા કથિત મિસાઇલ હુમલાએ સમગ્ર વિશ્વમાં ચર્ચા જગાવી છે. આ હુમલામાં પ્રાયમરી સ્કૂલમાં અભ્યાસ કરતાં 150થી 165 જેટલા બાળકોના કરુણ મોત થયા હોવાના અહેવાલ છે. ઈરાનના અખબાર 'તહેરાન ટાઇમ્સ'એ આ ઘટનાના વિરોધમાં ફ્રન્ટ પેજ પર મૃતક બાળકોની તસવીરો છાપી છે, જેનું શીર્ષક છે- ‘ટ્રમ્પ, આ બાળકોની આંખોમાં જુઓ.’ આ ફોટો સાથેના અહેવાલમાં તહેરાન ટાઇમ્સે અમેરિકાની આકરી ટીકા કરી છે.
ટ્રમ્પની નીતિઓનો વિરોધ કરતું ‘ટાઇમ’નું કવર
બીજી તરફ, અમેરિકાના પ્રતિષ્ઠિત મેગેઝિન ટાઇમ મેગેઝિનના તાજા અંકના કવરમાં મેક અમેરિકા ગ્રેટ અગેઇન (MAGA) લખેલી લાલ રંગની 8 કેપ દર્શાવાઈ છે, જેના પર 8 અલગ-અલગ દેશના નામ વ્યંગાત્મક રીતે લખેલા છે. જેમ કે, મેક અમેરિકા ગ્રેટ અગેઇનની જેમ, મેક ઈરાન ગ્રેટ અગેઇન. જાણે ટ્રમ્પનું આ સૂત્ર આ બધા દેશો સુધી પહોંચી ગયું હોય. આ એ છે દેશો છે, જેની સામે ટ્રમ્પે લશ્કરી કાર્યવાહી કરી છે. આ અહેવાલ મુજબ, 2025માં જ ટ્રમ્પે એટલા હવાઈ હુમલાનો આદેશ આપ્યો જેટલા અગાઉના કેટલાક પ્રમુખોએ તેમના સમગ્ર કાર્યકાળમાં પણ આપ્યા નહોતા.
ઈરાનનો દાવો અને અમેરિકાનો ઇન્કાર
ઈરાનના જણાવ્યાનુસાર, મિનાબમાં સ્કૂલ પર કરાયેલા હુમલામાં અત્યાર સુધીમાં 150થી 165 લોકોના મોત થયા છે, જે તમામ નિર્દોષ બાળકો હતા. બીજી તરફ, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ હુમલાની જવાબદારી સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે. તેમણે વળતો આક્ષેપ કરતાં જણાવ્યું કે, આ હુમલો ઈરાનના જ ખામીયુક્ત શસ્ત્રોને કારણે થયો હોઈ શકે છે.
![]() |
| મિનાબ શાળા પર હુમલો થયા બાદનું દ્રશ્ય |
તો પછી તપાસ અને પુરાવા શું કહે છે?
આ મામલે આંતરરાષ્ટ્રીય સ્તરે થયેલી તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. દુનિયાભરમાં વિવિધ સંઘર્ષને લગતી બાબતોનું સંશોધન કરીને પ્રકાશિત કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા બેલિંગકેટના નિષ્ણાત ટ્રેવર બોલના વિશ્લેષણ મુજબ, આ હુમલાના ફૂટેજ દર્શાવે છે કે, તેમાં 'ટોમાહોક' ક્રૂઝ મિસાઇલનો ઉપયોગ થયો છે. સંરક્ષણ નિષ્ણાતોના મતે, ટોમાહોક મિસાઇલ સિસ્ટમ મુખ્યત્વે અમેરિકા પાસે છે, જ્યારે ઈઝરાયલ પાસે આવી સિસ્ટમ નથી. એટલું જ નહીં, ન્યૂયોર્ક ટાઇમ્સની તપાસમાં પણ એવું તારણ નીકળ્યું છે કે આ હુમલો મોટા ભાગે અમેરિકન સૈન્ય દ્વારા જ કરાયો છે.
નોંધનીય છે કે, ટ્રમ્પે પ્રેસિડેન્શિયલ ઈલેક્શન કેમ્પેનમાં 'કોઈ નવું યુદ્ધ નહીં' (No New Wars) નું વચન આપ્યું હતું. તેઓ પોતાની જાતને ‘પ્રેસિડેન્ટ ઓફ પીસ’ તરીકે રજૂ કરતા અને દાવો કરતા કે તેમની સરકાર અમેરિકાને વિદેશી યુદ્ધો અને ઝઘડાથી દૂર રાખશે. પરંતુ તેમના કાર્યકાળના માત્ર 2 વર્ષમાં જ આ દાવા પર પ્રશ્નચિહ્નો સર્જાયા છે. દુનિયાભરમાં પ્રતિષ્ઠિત ટાઇમ મેગેઝિને તેના આગામી અંકમાં ‘Trump’s War’ નામે કવર સ્ટોરી પ્રકાશિત કરી છે, જેમાં ટ્રમ્પના ‘No New Wars’ વચન અને વાસ્તવિક લશ્કરી કાર્યવાહી વચ્ચેનો તફાવત દર્શાવાયો છે.









