'હવે હુમલો કર્યો તો પરમાણુ..', ઈરાને પત્તા ખોલ્યા, અમેરિકાને આપી સૌથી મોટી ધમકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Middle East War: અમેરિકા ઈરાન વચ્ચે હવે યુદ્ધ વિરામ નામ પૂરતો રહ્યો છે. ગમે ત્યારે ફરી યુદ્ધ શરૂ થઈ શકે છે ત્યારે હવે ઈરાની સંસદના પ્રવક્તાએ અમેરિકાને ગર્ભિત ધમકી આપી છે. ઈરાની સંસદના પ્રવક્તા ઇબ્રાહિમ રેઝાઈએ આજે મંગળવારે જણાવ્યું હતું કે જો ઈરાન પર ફરીથી હુમલો થશે, તો દેશ યુરેનિયમને 90% સુધી શુદ્ધ કરી શકે છે. 90% સ્તરના સંવર્ધિત યુરેનિયમને પરમાણુ હથિયાર માટે યોગ્ય માનવામાં આવે છે.
પરમાણુ હુમલો કરવાની ફિરાકમાં ઈરાન?
બીજી તરફ સંસદની રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિ આયોગના પ્રવક્તા રેઝાઈએ સોશિયલ મીડિયા પર લખ્યું, 'જો ફરીથી હુમલો થાય છે, તો ઈરાન 90% સંવર્ધન પણ કરી શકે છે. આ અંગે સંસદમાં સમીક્ષા કરવામાં આવશે.'
400 કિલોગ્રામ યુરેનિયમનું શું થયું?
ગયા જૂનમાં અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે 12 દિવસ સુધી ચાલેલા યુદ્ધ દરમિયાન અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં ઈરાનના પરમાણુ મથકો 'સંપૂર્ણપણે તબાહ' થઈ ગયા હતા, જેનાથી યુરેનિયમ સંવર્ધનની તેની ક્ષમતાને મોટું નુકસાન પહોંચ્યું હતું. જો કે, 60% સુધી સંવર્ધિત લગભગ 400 કિલોગ્રામ યુરેનિયમ, જે ઈરાન પાસે છે, તેનું શું થયું તે હજુ પણ સ્પષ્ટ નથી.
ઈરાનના પરમાણુ પ્રોગ્રામને લઈને જ હુમલો કરાયો હતો
અમેરિકન ગુપ્તચર એજન્સીઓના અનુમાન મુજબ, જ્યાં સુધી આ હાઈલી એનરીચ્ડ યુરેનિયમ (HEU) ભંડારને હટાવવામાં કે નષ્ટ કરવામાં નથી આવતો, ત્યાં સુધી ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર મોટી અસર નહીં પડે. ઈરાનના પરમાણુ પ્રોગ્રામને લઈને જ 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર હુમલો કર્યો હતો. યુદ્ધ પર હાલ પૂરતું હંગામી સીઝફાયર લાગુ છે, પરંતુ બંને પક્ષો યુદ્ધ ખતમ કરવા બાબતે સહમત થતા જણાતા નથી.
અમેરિકા માગ પર અડગ
પરમાણુ મુદ્દો બંને પક્ષો વચ્ચે સૌથી મોટો વિવાદ બનેલો છે. ઈરાન ઈચ્છે છે કે પરમાણુ મુદ્દાઓ પર પછીથી ચર્ચા થાય, જ્યારે અમેરિકા માંગ કરી રહ્યું છે કે ઈરાન પોતાના ઉચ્ચ સંવર્ધિત યુરેનિયમ ભંડારને દેશની બહાર મોકલે અને સ્થાનિક સ્તરે યુરેનિયમ સંવર્ધન છોડી દે.
'પ્રસ્તાવ માનવા સિવાય અમેરિકા પાસે કોઈ વિકલ્પ નથી'
ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાકર ગાલિબાફે કહ્યું કે અમેરિકા પાસે '14 મુદ્દાના પ્રસ્તાવમાં જણાવવામાં આવેલા ઈરાની જનતાના અધિકારોને સ્વીકારવા' સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. તેમણે કહ્યું, 'તેઓ જેટલો વિલંબ કરશે, અમેરિકી ટેક્સપેયર્સને તેટલી મોટી કિંમત ચૂકવવી પડશે.' આ પહેલા ગાલિબાફે કહ્યું હતું કે ઈરાની સશસ્ત્ર દળો 'કોઈપણ આક્રમણનો જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર છે. અમે દરેક વિકલ્પ માટે તૈયાર છીએ. અમારો જવાબ એવો હશે કે અમેરિકાને નવાઈ લાગશે.'









