મેક્સિકોએ ભારત પર 50 ટકા સુધીનો ટેરિફ નાંખ્યો

- અમેરિકાએ શરૂ કરેલી ટેરિફ વોર હવે વધુ વકરે તેવી ભીતિ
- ટેરિફનો જાન્યુ. 2026થી અમલ : ભારતના 1 અબજ ડોલરના ઉત્પાદનો પર અસરની આશંકા, કાર ઉત્પાદકોને મોટો ફટકો
મેક્સિકો સિટી : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયામાં ટેરિફ વોર શરૂ કર્યા પછી હવે તેના પડોશી દેશ મેક્સિકોએ પણ ટેરિફ વોરમાં ઝુકાવ્યું છે. મેક્સિકોએ દુનિયાના દેશોમાંથી આયાત થતી ૧૪૬૩થી વધુ વસ્તુઓ પર પાંચ ટકાથી ૫૦ ટકા સુધીનો જંગી ટેરિફ નાંખવાની જાહેરાત કરી છે. આ પગલાંથી ભારત સહિતના મુખ્ય નિકાસકાર દેશો પર અસર થશે. મેક્સિકોની સેનેટે નવી ટેરિફ વ્યવસ્થાને મંજૂરી આપી છે, જેનો અમલ જાન્યુઆરી ૨૦૨૬થી થશે. સૂચિત ટેરિફથી મેક્સિકોને વાર્ષિક ૩.૮ અબજ ડોલરની વધારાની આવક થવાની આશા છે.
મીડિયા રિપોર્ટ મુજબ મેક્સિકોએ ભારત, ચીન સહિત અનેક એશિયન દેશોમાંથી આવતા સામાન પર ૫૦ ટકા સુધીના ટેરિફ નાંખવાનો નિર્ણય કર્યો છે. મેક્સિકોની આ જાહેરાત તેના લાંબા સમયથી ચાલતા ફ્રી-ટ્રેડ વલણમાં મોટું નીતિગત પરિવર્તન દર્શાવે છે. મેક્સિકોના આ ટેરિફથી વિશેષરૂપે એવા દેશોને ફટકો પડશે, જેમનો મેક્સિકો સાથે વેપાર કરાર નથી. મેક્સિકોના સૂચિત ટેરિફની સૌથી વધુ અસર ચીન ઉપરાંત ભારત, દક્ષિણ કોરિયા, થાઈલેન્ડ, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા, યુએઈ અને ઈન્ડોનેશિયા પર થશે.
મેક્સિકોની સેનેટમાં પ્રમુખ શિનબામ ક્લાઉડિયાએ સપ્ટેમ્બરમાં રજૂ કરેલા બિલની તરફેણમાં ૭૬ વોટ પડયા જ્યારે વિરોધમાં માત્ર પાંચ વોટ પડયા હતા. આ સિવાય ૩૫ સભ્યો ગેરહાજર રહ્યા હતા. અમેરિકાના માર્ગે મેક્સિકોએ પણ ટેરિફ વધારવાનું પગલું સ્થાનિક ઉદ્યોગોને વધારવાના આશયથી ઉઠાવ્યું છે. જોકે, તેની અસર કેટલી થશે તે આગામી સમયમાં ખબર પડશે.
મેક્સિકોની સેનેટમાં પસાર કરાયેલી દરખાસ્ત મુજબ એશિયાના દેશોમાંથી આવતા ઓટો પાર્ટ્સ, ટેક્સટાઈલ, સ્ટીલ, ઘરેલુ એપ્લાયન્સિસ, રમકડાં, ફર્નિચર, લેધર ગૂડ્સ, પેપર, પ્લાસ્ટિક, મોટરસાઈકલ્સ, કોસ્મેટિક્સ, ટ્રેલર્સ, ગ્લાસ, ધાતુ અને ફૂટવેર સહિત અન્ય સામાનો પર આગામી વર્ષથી મેક્સિકો ૫૦ ટકા સુધીનો ટેરિફ વસૂલશે. જોકે, કેટલાક ઉત્પાદનો પરનો ટેરિફ ૩૫ ટકા સુધી રહેશે. મેક્સિકોને સૂચિત ટેરિફના પગલે વાર્ષિક ૩.૮ અબજ ડોલરની વધારાની આવક થવાની અપેક્ષા છે. મેક્સિકોના ટેરિફની સૌથી વધુ અસર ચીન પર થશે. ચીને વર્ષ ૨૦૨૪માં મેક્સિકોમાં ૧૩૦ અબજ ડોલરના મૂલ્યના ઉત્પાદનોની નિકાસ કરી હતી. ભારત ૨૦૨૩માં ૧૦.૫૮ અબજ યુએસ ડોલરના વેપાર સાથે મેક્સિકોનું નવમું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર હતું. વર્ષ ૨૦૨૩માં દ્વિપક્ષીય વેપારમાં ભારતે મેક્સિકોમાંથી ૨.૫૪ અબજ ડોલરથી આયાત કરી હતી જ્યારે મેક્સિકોને ૮.૦૩ અબજ ડોલરની નિકાસ કરી હતી.
મેક્સિકન ટેરિફ ભારતના ૧ અબજ ડોલરના ઉત્પાદનો પર અસર કરી શકે છે, જેમાં ફોક્સવેગન, હ્યુન્ડાઈ, નિસાન અને મારુતિ સુઝુકી જેવા અગ્રણી ભારતીય કાર નિકાસકારોના શિપમેન્ટ્સનો સમાવેશ થાય છે. કાર પરની આયાત ડયુટી હાલના ૨૦ ટકાથી વધીને ૫૦ ટકા થઈ જશે. આ સિવાય ભારત લેટિન અમેરિકામાં કપડાં, ઓટો પાર્ટ્સ અને એન્જિનિયરિંગ સામાનની નિકાસને પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કરી રહ્યો છે ત્યારે હવે ભારત માટે મેક્સિકોના બજારમાં પ્રવેશ પડકારરૂપ બની જશે.
મીડિયા રિપોર્ટ મુજબ વેપારી જૂથોએ આ ટેરિફ હાઈકનો જોરદાર વિરોધ કર્યો છે. મેક્સિકો ટેરિફ હાઈકના પગલાં અંગે નિષ્ણાતો અને ખાનગી સેક્ટરનું માનવું છે કે પ્રમુખ ક્લાઉડિયા શિનબામની સરકારે આ નિર્ણય અમેરિકાને ખૂશ કરવા અને ચીનની વસ્તુઓ પર વોશિંગ્ટનના આકરા વલણ સાથે તાલમેલ બેસાડવા માટે લીધો છે. તેમને આશા છે કે આ નિર્ણયથી અમેરિકા દ્વારા તેના સ્ટીલ અને એલ્યુમિનિયમ પર લગાવાયેલા જંગી ટેરિફમાંથી આંશિક રાહત મળી શકશે. શિનબામે તેમના ટેરિફ અમેરિકાની માગો સાથે સંકળાયેલા હોવાનો ઈનકાર કર્યો છે. પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટ મુજબ નવા ટેરિફનું માળખું અમેરિકન વ્યાપારિક કાર્યવાહીઓને અનુરૂપ છે.
ભારત અને મેક્સિકો વચ્ચે વેપારની સ્થિતિ
નવી દિલ્હી : ભારત અને મેક્સિકો વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોમાં વેપાર વધ્યો છે. વર્ષ ૨૦૨૨માં બંને દેશો વચ્ચેનો વેપાર ૧૧.૪ અબજ ડોલર સુધી પહોંચી ગયો હતો. જોકે, ૨૦૨૩માં તેમાં આંશિક ઘટાડો થયો હતો અને હવે ફરીથી તે ૧૦.૬ અબજ ડોલર પર આવી ગયો છે જ્યારે ૨૦૨૪માં તેમાં ફરી તેજી જોવા મળી હતી અને તે ૧૧.૭ અબજ ડોલરની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો છે. ભારતની મેક્સિકો સાથે ટ્રેડ સરપ્લસ પણ ઘણી વધુ છે, ૨૦૨૪માં મેક્સિકોને ભારતની નિકાસ લગભગ ૮.૯ અબજ ડોલર હતી જ્યારે આયાત ૨.૮ અબજ ડોલર હતી.

