World

બાળકોની વાંધાજનક સામગ્રી પોસ્ટ કરવા બદલ મોટી રકમ મળી : મેટાની કબૂલાત

By GS Team
6 Aug 20263 mins read
TukuTouch Logo
કેન્દ્રના અલ્ટિમેટમ બાદ મેટાના વડા માર્ક ઝુકરબર્ગે માફી માંગી છે. દિલ્હીમાં મેટાના અધિકારીઓએ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને મળી, મોદીનો વીડિયો હટાવવા બદલ ખેદ વ્યક્ત કર્યો. બાળકોના જાતીય શોષણની સામગ્રી બૂસ્ટ કરવા બદલ પણ મોટી રકમ લીધાની કબુલાત કરી. જોકે, સરકારે માફી સ્વીકારી નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

બાળકોની વાંધાજનક સામગ્રી પોસ્ટ કરવા બદલ મોટી રકમ મળી : મેટાની કબૂલાત
  • રૂપિયા લઇને ફેસબુક સહિતના પ્લેટફોર્મ પર બાળકો સાથે જાતીય શોષણની સામગ્રી બૂસ્ટ કરી
  • કેન્દ્રના ત્રણ દિવસના અલ્ટિમેટમ બાદ મેટાના વડા માર્ક ઝુકરબર્ગનું માફીનામુ લઇને ટોચના અધિકારીઓ ભારત દોડી આવ્યા
  • ફેસબુક પરથી મોદીનો વીડિયો હટાવવા બદલ મેટા ગ્લોબલ અફેર હેડ જોએલ ડેવિડે માફી માગી

નવી દિલ્હી : મેટા કંપનીના ફેસબુક સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બાળકો સાથે જાતીય શોષણ, ડીપફેક્સ સહિતની સામગ્રી બેફામ શેર કરવામાં આવી રહી છે, બદલામાં કંપનીને મોટી રકમ મળી રહી હોવાનો સ્વીકાર ખુદ કંપનીના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યો છે તેવા અહેવાલો સામે આવ્યા છે. આ એક ભુલ હોવાનું કહીને તેનો સ્વીકાર કરીને મેટા કંપનીના વડા માર્ક ઝુકરબર્ગ દ્વારા માફી માગવામાં આવી છે.
શિક્ષણમાં સુધારા મુદ્દે દિલ્હીમાં યુવાનો દ્વારા મોટું આંદોલન ચલાવાયું, ૨૦મી જુલાઇના લાઠીચાર્જ અને અફરા તફરી બાદ ૨૩મી જુલાઇના વડાપ્રધાન મોદી દ્વારા સોશિયલ મીડિયા ફેસબુક પર એક વીડિયો પોસ્ટ કરાયો હતો. જોકે તેને થોડા સમય માટે ફેસબુક દ્વારા હટાવી લેવાયો હતો. તેથી ભારે વિવાદ થતા કેન્દ્ર સરકારે ફેસબુક પાસે ખુલાસો માગ્યો અને ત્રણ દિવસમાં માફી માગવા ચેતવણી આપી હતી. આ ચેતવણી બાદ ફેસબુકની મુખ્ય કંપની મેટાના વૈશ્વિક બાબતોના હેડ જોએલ ડેવિડ કપલાન અને તેમનો અન્ય સ્ટાફ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને મળ્યા હતા. અને મોદીનો વીડિયો હટાવવા બદલ માફી માગી હતી. સાથે જ બાળ જાતીય શોષણની સામગ્રી બદલ કંપનીને મોટી રકમ મળી હોવાની કબુલાત કરી હતી.
મેટાના જોએલે લેખીતમાં ભારત સરકાર સમક્ષ કંપની તરફથી, કંપનીના સ્થાપક માર્ક ઝુકરબર્ગ તરફથી માફી માગી હતી. આ માફી પત્રમાં એક એકરાર પણ કરવામાં આવ્યો છે. કંપનીએ સ્વીકાર કર્યો છે કે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચાઇલ્ડ સેક્યુઅલ એબ્યુઝ (બાળકોના જાતીય શોષણ)ની સામગ્રી, ડીપફેક્સ વગેરેને છૂટ આપવામાં આવી હતી, એટલુ જ નહીં આ સમગ્રીને બૂસ્ટ કરવા એટલે કે વધુમાં વધુ લોકો સુધી પહોંચતી કરવા બદલ કંપનીએ મોટી રકમ પણ લીધી હતી. કંપનીએ આ કૃત્ય બદલ પણ માફી માગી હોવાના અહેવાલો છે. જોકે મેટાના અધિકારીઓ કે કેન્દ્ર સરકારના મંત્રીઓ અથવા મંત્રાલય કે વિભાગ દ્વારા આ અંગે સત્તાવાર માહિતી જાહેર કરવામાં નથી આવી.
મેટા કંપની તરફથી એવી દલીલો કરવામાં આવતી હોય છે કે લોકો દ્વારા શેર કરવામાં આવતી સામગ્રી અને તે સામગ્રીના ગ્રાહકો કે વાચકો વચ્ચે ફેસબુક કે મેટાના અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માત્ર માધ્યમ છે. જોકે એવા અહેવાલો છે કે કેન્દ્ર સરકારે મેટાને કહ્યું છે કે કંપનીનું એલ્ગોરિધમ સંગ્રહિત સામગ્રી સાથે, નક્કી કરેલી સામગ્રી સાથે, અને પસંદગી પર કામ કરે છે. અલ્ગોરિધમ કંપનીના હાથમાં જ હોય છે, તેથી કંપની એમ ના કહી શકે કે તે માત્ર થર્ડ પાર્ટી સામગ્રીને શેર કરી રહી છે. આવા સંજોગોમાં કંપની ભારતના આઇટી કાયદા મુજબ પોતે તટસ્થ હોવાનું સ્ટેટસ મેળવવાનો દાવો ના કરી શકે. એવા અહેવાલો છે કે કેન્દ્ર સરકાર મેટા કંપનીને ભારતીય કાયદા મુજબ કામ ના કરવા બદલ ફરી બોલાવી શકે છે. ઇન્સ્ટાગ્રામ પર બાળકોના જાતીય શોષણની સામગ્રી બદલ કેન્દ્ર સરકારે મેટાને નોટિસ ફટકારી હતી, હવે મોદીના વીડિયોને હટાવવા મુદ્દે પણ કંપનીને ઘેરવામાં આવી રહી છે. હાલમાં મેટા દ્વારા જે માફી માગવામાં આવી તેનો સ્વીકાર કરવામાં ના આવ્યો હોવાના અહેવાલો છે.