બ્રિટિશ કોલંબિયા રાજ્યનાં જંગલમાં ભીષણ આગ : 20,000થી વધુનું સ્થળાંતર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- બ્રિટિશ કોલંબિયાનાં ઓકાનાગન સરોવરની પશ્ચિમે આવેલાં સમરલેન્ડ, પીચલેન્ડ વ. વિસ્તારમાં 9,500 હેકટરમાં આગ ફેલાઈ
ઑટાવા : કેનેડાનાં બ્રિટિશ કોલંબિયા રાજ્યનાં જંગલમાં લાગેલ આગે હાહાકાર મચાવી દીધો છે. વાઇલ્ડ રેન્જ નામક જંગલમાં આગ એટલી ઝડપથી ફેલાઈ રહી છે કે લોકો પોતાનો જરૂરી સામાન પણ છોડીને ઘરની બહાર નીકળી ગયા છે. આગનો વિસ્તાર રાત્રીના બમણો થઇ ગયો હતો. તેથી તેની ભયાનકતાનો અંદાજ લાગી શકે છે. આગની પરિસ્થિતિની ગંભીરતા જોઇને સરકારે ઇમર્જન્સી જાહેર કરી દીધી છે, અને લોકોને સલામત સ્થળે ચાલ્યા જવા જણાવી દીધું છે. હજી સુધીમાં ૨૦ હજારથી વધુ લોકો સ્થાળાંતરિત કરાયાં છે.
રાજ્યના સાઉથ બ્રિટિશ કોલંબિયા સ્થિત, ઓકાનાગન સરોવરની પશ્ચિમે આવેલાં સમરલેન્ડ પીચલેન્ડ અને આસપાસનાં વિસ્તારમાં આવેલાં ૯,૫૦૦ હેકટરથી વધુ વિસ્તારમાં આગ ફેલાઈ છે.
રાજ્યના વડાપ્રધાન (મુખ્યમંત્રી) ડેવિડ એલીએ સ્થિતિની ભયાનકતા દર્શાવતાં કહ્યું હતું કે ફાયર બ્રિગેડના એક ઓફીસરે આ આગને બોમ્બ વિસ્ફોટ જેવી ભયાનક ઘટના સમાન કહી હતી. તેઓએ કહ્યું કે આગની જ્વાળાઓ આશરે ૧૦૦ ફીટ ઊંચે પહોંચી હતી અને તે પૈકીની કેટલીક તો ૨૦૦ ફીટ ઉંચે ઉઠી હતી.
આગથી ઉઠેલા ધૂમાડા અને ગરમ હવાને લીધે વાદળો જામી ગયાં અને વીજળી ત્રાટકી. આથી આગ વધુ ફેલાવાની ભીતિ વધી રહી. આગને લીધે અસંખ્ય ઘરો નાશ પામ્યાં છે અને કરોડોની સંપત્તિનું નુકશાન થયું છે. આગ એટલી ઝડપથી ફેલાઈ છે કે કેટલાક લોકો તેમાં હજી ફસાઈ ગયેલા હશે તેવી સ્પષ્ટ ભીતિ વચ્ચે બચાવ કર્મીઓએ જાનના જોખમે તેવા લોકોને સલામત સ્થળે પહોંચાડયા હતા. સમરલેન્ડની વસતી આશરે ૧૨ હજાર અને પીચલેન્ડની વસ્તી આશરે ૬,૫૦૦ની છે. શુક્રવારે રાત્રે જ ઘણા ઘર છોડી ચાલી નીકળ્યા હતા.









