બેંગકોકમાં અંધાધૂંધ ગોળીબાર: 6 લોકોના મોત બાદ હુમલાખોરે ખુદને ગોળી મારી, તપાસ શરૂ
Bangkok Mass Shooting: થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં એક ભીડવાળી માર્કેટમાં ગોળીબારની ઘટના બની છે. આ ઘટનામાં અંદાજે ઓછામાં ઓછા છ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જેમાં ચાર બજારના સુરક્ષાકર્મીઓ, એક મહિલા અને એક હુમલાખોર પોતે સામેલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હુમલાખોરે બજારમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો અને પછી પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી.
આ હુમલામાં 6 લોકોના મોત
28 જુલાઈ, 2025ના રોજ એટલે કે આજે બેંગકોકના ઓર ટો કોર માર્કેટમાં આ હુમલો થયો હતો. સામાન્ય રીતે આ માર્કેટમાં પ્રવાસીઓ અને સ્થાનિક લોકો ઘણી લોકપ્રિય હોવાથી ત્યાં ઘણી ભીડ રહે છે. બેંગકોકની હોસ્પિટલોનું નિરીક્ષણ કરતા ઇરાવાન ઇમરજન્સી મેડિકલ સેન્ટર તરફથી મળતી માહિતી અનુસાર મૃતકોમાં ચાર સુરક્ષા ગાર્ડ, એક મહિલા અને હુમલાખોરનો સમાવેશ થાય છે, જેણે ગોળીબાર કર્યા પછી પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.
હુમલાખોરની ઓળખ અને હુમલો કરવાના હેતુ અંગે તપાસ
પોલીસ આ ઘટનાને માસ શૂટિંગ કહી રહી છે. તેમજ પોલીસ તપાસમાં હુમલાખોરની ઓળખ મિસ્ટર નોઈ તરીકે થઈ છે. જે ઘટનાસ્થળે જ મૃત હાલતમાં મળી આવ્યો છે. હાલ પોલીસે હુમલા પાછળના કારણો જાણવા અંગે તપાસ શરુ કરી દીધી છે. આ ઉપરાંત અધિકારીઓ એ પણ તપાસ કરી રહ્યા છે કે આ ગોળીબારનો થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ સાથે કોઈ સંબંધ છે કે કેમ.
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે શું છે વિવાદ?
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચેનો સરહદ વિવાદ વર્ષો જૂનો છે, જેનું કેન્દ્ર પ્રીહ વિહાર મંદિર વિસ્તાર છે. 1962માં આંતરરાષ્ટ્રીય ન્યાયાલયે કંબોડિયાની તરફેણમાં ચુકાદો આપ્યા પછી પણ આ વિવાદ સંપૂર્ણપણે ઉકેલાયો નથી. બંને દેશોની સેનાઓ આ વિસ્તારમાં સમયાંતરે આમને-સામને આવી છે, જેમાં અથડામણ અને ગોળીબારની ઘટનાઓ પણ સામેલ છે.