Updated: May 26th, 2023
- શિકાગોના એરપોર્ટ પર બનાવ બન્યો
- બે યુવકોએ મહિલા પર હુમલો કરતાં મારામારી શરુ થઈ: પોલીસે ધરપકડ કરી
વોશિંગ્ટન : અમેરિકામાં શિકાગો એરપોર્ટ પર મારામારીનો વિડીયો સોશિયલ મીડિયા પર વ્યાપક પાયા પર ફેલાયો છે. તેમા લોકો એકબીજા સાથે છૂટા હાથની મારામારી કરી રહ્યા છે અને એકબીજા પર લાતો અને મુક્કાનો વરસાદ વરસાવી રહ્યા છે. જો હવે આવું ભારત જેવા દેશમાં થયું હોત તો આ જ લોકો કહેતા હોત કે યુ ડર્ટી પીપલ.
સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે લોકો એકબીજા પર લાતો અને મુક્કાનો વરસાદ વરસાવી રહ્યા છે. જ્યારે સિક્યોરિટી ગાર્ડ તેમને અટકાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
અમેરિકાના શિકાગો એરપોર્ટ પર બનેલો આ બનાવ સોમવારનો છે. પ્રવાસીઓ વિમાનમાંથી ઉતરી રહ્યા હતા ત્યારે આ મારામારી થઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે લડાઈનો પ્રારંભ ગાળોથી થયો હતો. આ મારામારી એરપોર્ટના બેગેજ એરીયામાં થઈ છે. અહીં લોકો પોતાનો સામાન લેવા આવે છે.
આ દરમિયાન એક ૨૪ વર્ષની મહિલા પર બે જણાએ હુમલો કર્યો. પોલીસે તેમની ધરપકડ કરી છે. આરોપીઓની ઓળખ ૧૮ વર્ષના ક્રિસ્ટોફર હેપ્ટન અને ૨૦ વર્ષના ટેબ્રા હિન્ક્સ તરીકે થઈ છે. તેમના પર ઝગડો કરવાનો કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. પહેલા તો એક્ વ્યક્તિ બીજી વ્યક્તિ પર ઝપટતો દેખાય છે. તે સમયે એક અન્ય વ્યક્તિ લીલા રંગના ટી શર્ટમાં આવે છે. કેટલીક મહિલાઓ જમીન પર પડી ગઈ હોવા છતાં મારામારી કરી રહી છે અને વાળ ખેંચી રહી છે. પોલીસે જો કે આ ઘટના અંગે બીજી કોઈ જાણકારી આપી નથી.