માલદીવના રાષ્ટ્ર પ્રમુખે 15 કલાક પ્રેસ કોન્ફરન્સ કરી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ભારત અંગે આપ્યું મોટું નિવેદન
Maldives President Make World Record: માલદીવના રાષ્ટ્ર પ્રમુખ મોહમ્મદ મુઇજ્જુએ સતત 15 કલાક સુધી પ્રેસ કોન્ફરન્સ કરીને એક અનોખો રેકોર્ડ બનાવવાનો દાવો કર્યો છે. માલદીવના રાષ્ટ્ર પ્રમુખે રવિવારે આશરે 15 કલાક સુધી પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી. તેમના કાર્યાલય તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે, રાષ્ટ્ર પ્રમુખ મુઇજ્જુએ યુક્રેન નેતા વોલોડિમિર ઝેલેન્સ્કી દ્વારા બનાવવામાં આવેલા છેલ્લાં રેકોર્ડને તોડી દીધો છે. 46 વર્ષના રાષ્ટ્ર પ્રમુખ મુઇજ્જુએ શનિવારે સવારે 10 વાગ્યા (સ્થાનિક સમય) થી મેરાથન પ્રેસ કોન્ફરન્સની શરૂઆત કરી હતી. જોકે, તેમણે આ દરમિયાન નમાઝ પઢવા માટેનો સમય લીધો હતો. તેમણે કુલ 14 કલાક અને 54 મિનિટ સુધી સતત પ્રેસ કોન્ફરન્સ કરી છે.
રાષ્ટ્ર પ્રમુખના કાર્યાલયે આપ્યું નિવેદન
રાષ્ટ્ર પ્રમુખ કાર્યાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું કે, 'પ્રેસ કોન્ફરન્સ અડધી રાત પછી પણ શરૂ રહી અને આ કોઈપણ દેશના રાષ્ટ્ર પ્રમુખ દ્વારા બનાવવામાં આવેલો નવો રેકોર્ડ છે. આ દરમિયાન તેઓ સતત પત્રકારોના સવાલોનો જવાબ આપી રહ્યા હતાં.'
આ પણ વાંચોઃ પાકિસ્તાન સામે વધુ એક એક્શન : બિલાવલ ભુટ્ટો, ઈમરાન ખાનના X એકાઉન્ટ ભારતમાં બૅન
આ પહેલાં ઝેલેન્સ્કીએ બનાવ્યો હતો રેકોર્ડ
આ પહેલાં ઓક્ટોબર 2019માં યુક્રેનના રાષ્ટ્રીય રેકોર્ડ એજન્સીએ દાવો કર્યો હતો કે, ઝેલેન્સ્કીએ 14 કલાકની પ્રેસ કોન્ફરન્સે બેલારૂસી રાષ્ટ્ર પ્રમુખ અલેક્ઝેન્ડર લુકાશેંકો દ્વારા બનાવવામાં આવેલાં સાત કલાકથી વધુના પ્રેસ કોન્ફર્નસનો રેકોર્ડ તોડી દીધો છે.
રાષ્ટ્ર પ્રમુખ મુઇજ્જુએ બનાવ્યો અનોખો રેકોર્ડ
રાષ્ટ્ર પ્રમુખના કાર્યાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, 'મુઇજ્જુએ સમાજમાં પ્રેસની મહત્ત્વપૂર્ણ ભૂમિકાનો સ્વીકાર કર્યો અને તથ્યાત્મક, સંતુલિત અને નિષ્પક્ષ રિપોર્ટિંગના મહત્ત્વ પર ભાર મૂકયો છે.' લાંબા સત્ર દરમિયાન, મુઇજ્જુએ પત્રકારોના માધ્યમથી જનતા દ્વારા પ્રસ્તુત તમામ પ્રશ્નોના જવાબ પણ આપવામાં આવ્યા હતાં.
આ પણ વાંચોઃ અમેરિકાના કેલિફોર્નિયામાં વિમાન ક્રેશ થઇ મકાન પર પડ્યું, પાયલટનું મોત, 2 ઘરમાં લાગી આગ
ભારત વિશે શું કહ્યું?
આ પ્રેસ કોન્ફરન્સમાં આશરે બે ડઝન પત્રકાર તેમાં સામેલ થયાં હતાં, આ પત્રકારો માટે ખાવા-પીવાી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. નોંધનીય છે કે, મોઇજ્જુએ સત્તા મેળવવા માટે ભારત વિરોધી 'ઇન્ડિયા આઉટ' નામનું કેમ્પેઇન ચલાવ્યું હતું. જોકે, આ વિશે તેમને સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, ભારત સાથે માલદીવે કરાર કર્યા છે અને તેમાં કોઈ ચિંતાની વાત નથી.'
વિપક્ષે કરી માફીની માંગ
મોઇજ્જુના આ નિવેદનથી માલદીવના વિપક્ષે વિરોધ શરૂ કર્યો છે. તેઓ મોઇજ્જુ પાસે માફીની માંગ કરી રહ્યા છે. માલદીવના પૂર્વ વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદે શનિવારે રાષ્ટ્ર પ્રમુખ મોહમ્મદ મુઇજ્જુની ભારત પર આપવામાં આવેલા નિવેદનની ટીકા કરતા કહ્યું કે, મોહમ્મદ મુઇજ્જુ સતત એન્ટી-ઈન્ડિયા કેમ્પેઇન ચલાવી રહ્યાં હતા, ભારત સામે લોકોની ભાવના ભડકાવી અને જનતાને ગુમરાહ કરી હતી. મોહમ્મદ મુઇજ્જુએ ભારત અને માલદીવ બંને દેશોના લોકોની માફી માંગવી જોઈએ. કારણ કે, તેમના કેમ્પેઇનમાં બંને દેશો સાથેના સંબંધને નુકસાન પહોંચાડ્યું છે. મોહમ્મદ મુઇજ્જુએ 2023ની ચૂંટણીમાં સતત ઢોલ પીટ્યો હતો કે, ભારત સાથે થયેલાં કરારથી માલદીવની અખંડતા અને સંપ્રભુતાને નુકસાન પહોંચાડ્યું છે.