દેવામાં ડૂબ્યું માલદીવ્સ તો મુઈજ્જુને આવી ભારતની યાદ! 'કરન્સી સ્વેપ'નો મુશ્કેલ નિર્ણય લેશે સરકાર?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Maldives Economic Crisis 2026: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષની સૌથી મોટી આડઅસર હવે માલદીવની અર્થવ્યવસ્થા પર જોવા મળી રહી છે. પર્યટકોની ઘટતી સંખ્યા અને ઈંધણના વધતા ભાવને કારણે આ નાનકડો ટાપુ દેશ અત્યારે ગંભીર આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યો છે. આ નાજુક સ્થિતિમાં માલદીવે ફરી એકવાર ભારત પાસે કરન્સી સ્વેપ સુવિધા લંબાવવાની વિનંતી કરી છે, પરંતુ ભારત માટે આ વખતે મદદ કરવી ટેકનિકલ દ્રષ્ટિએ પડકારજનક બની રહી છે.
કેમ મુશ્કેલીમાં છે માલદીવ?
માલદીવની અર્થવ્યવસ્થા મુખ્યત્વે પ્રવાસન પર ટકી છે. પરંતુ મિડલ ઈસ્ટના તણાવને કારણે પ્રવાસીઓ ઘટી રહ્યા છે અને ઈંધણ મોંઘું થતા માલદીવની કમર તૂટી ગઈ છે. ફિચ રેટિંગ્સે માલદીવને CC રેટિંગ આપ્યું છે, જે સૂચવે છે કે આ દેશ દેવું ચૂકવવામાં નિષ્ફળ જવાની ઉચ્ચ સંભાવના ધરાવે છે. વિદેશી હૂંડિયામણની ભારે અછત સર્જાઇ છે. એપ્રિલ 2026 માં માલદીવે 1 અબજ ડોલરનું દેવું ચૂકવવાનું હતું. સુકુક બોન્ડની ચૂકવણી બાદ હવે માલદીવનું વિદેશી હૂંડિયામણ ભંડાર તળિયે પહોંચી ગયો છે.
ભારત માટે ક્યાં છે ટેકનિકલ અવરોધ?
સૂત્રોના જણાવ્યા અનુસાર, માલદીવે ભારત પાસેથી કરન્સી સ્વેપ સુવિધા (ચલણ વિનિમય) વધારવાની માંગ કરી છે. પરંતુ ભારતીય નિયમો મુજબ બે વખત નાણાં ઉપાડવાની વચ્ચે ચોક્કસ સમયનો ગાળો હોવો અનિવાર્ય છે, જેને કૂલિંગ-ઓફ પિરિયડ કહેવાય છે. દેવાની અવધિ લંબાવવાની (રોલ-ઓવર) પણ એક નિશ્ચિત મર્યાદા હોય છે, જે માલદીવ માટે પહેલાથી જ બે વખત લંબાવવામાં આવી છે. આ ટેકનિકલ કારણોસર ભારત માટે ત્રીજી વખત આ સુવિધા આપવી કૂટનીતિક અને કાયદાકીય રીતે મુશ્કેલ બની રહી છે.
ભારતે અત્યાર સુધી કરેલી અસાધારણ મદદ
નિયમોમાં છૂટછાટ આપીને પણ ભારત અત્યાર સુધી માલદીવની પડખે ઊભું રહ્યું છે. ઓક્ટોબર 2024 માં 400 મિલિયન ડોલરની કરન્સી સ્વેપ સુવિધા આપી છે. મે અને સપ્ટેમ્બર 2025માં 100 મિલિયન ડોલરના વ્યાજમુક્ત ટ્રેઝરી બિલોની મુદત વધારી આપી. પીએમ મોદીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 565 મિલિયન ડોલરની લાઇન ઓફ ક્રેડિટ અને દેવાની શરતોમાં રાહત આપી હતી.
ભવિષ્યમાં શું?
જો ભારત ટેકનિકલ કારણોસર આ વખતે વિનંતી સ્વીકારી ન શકે, તો ટૂંકા ગાળામાં માલદીવની આર્થિક સ્થિતિ વધુ વણસી શકે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ નવા દેવા મેળવવામાં માલદીવને મુશ્કેલી પડી રહી છે, જે ભારત માટે પડોશી ધર્મ નિભાવવા અને કડક નિયમો વચ્ચે સંતુલન જાળવવાની અગ્નિપરીક્ષા સમાન છે.








