સ્પેનમાં વીજ બાદ હવે નેટવર્ક સંકટ, વહેલી સવારથી મોબાઇલ-ઇન્ટરનેટ સેવાઓ થઈ બંધ

Spain Mobile Services Outage: યુરોપિયન દેશો પર સાયબર અટેકનું જોખમ વધી રહ્યું હોવાની આશંકાઓ પ્રબળ બની છે. એક સપ્તાહ પહેલાં સ્પેન, ફ્રાન્સ સહિત યુરોપિયન દેશોમાં બ્લેકઆઉટ થયા બાદ આજે સ્પેનમાં તમામ મોબાઇલ નેટવર્ક ડાઉન થયા હતા. મોવિસ્ટર, ઓરેન્જ, વોડાફોન, ડિગીમોબિલ અને 02 સહિતના નેટવર્કને અસર થઈ હતી. સ્પેનમાં ટેલિફોન સર્વિસ આપતી કંપનીઓની તમામ સેવાઓ ખોટવાઈ હતી.
સ્પેનમાં મંગળવારે વહેલી સવારથી લેન્ડલાઇન, ઇન્ટરનેટ, ઈમરજન્સી કોન્ટેક્ટ સર્વિસમાં ખામી આવી રહી હોવાની ફરિયાદો થઈ હતી. આ તમામ સેવાઓ અચાનક જ બંધ થઈ ગઈ હતી.
સપ્તાહ પહેલાં થયું હતું વીજ સંકટ
યુરોપના અનેક દેશોમાં અચાનક ભીષણ વીજ સંકટ પેદા થયું છે. સ્પેન, પોર્ટુગલ, ફ્રાન્સમાં અચાનક વીજળી ગુલ થઈ છે. જેના લીધે હવાઈ સેવાઓથી માંડી મેટ્રો સુધીનું સંચાલન પ્રભાવિત થયું છે. ઘણા ફોનના નેટવર્ક પણ ડાઉન તથા બંધ થયા છે. મેડ્રિડથી માંડી લિસ્બન સુધીના વિસ્તારમાં અંધારું છવાઈ ગયું છે. આ ઈમરજન્સી પરિસ્થિતિનો ઉકેલ લાવવા આ દેશોએ પ્રોટોકોલ લાગુ કર્યા છે. આમ અચાનક વીજળી ગુલ થવાનું કારણ હજી જાણી શકાયું નથી. પરંતુ સૂત્રો અનુસાર, સાયબર અટેક થયો હોવાની શક્યતા છે.
આ પણ વાંચોઃ યુરોપમાં બત્તીગુલ: ફ્રાંસ, સ્પેન સહિતના દેશોમાં પ્લેન, મેટ્રો અને મોબાઇલ નેટવર્ક ઠપ
કોલિંગ સેવાઓ પણ ઠપ
સ્પેનમાં વહેલી સવારે પાંચ વાગ્યાથી જ ગ્રાહકો કોલિંગ કરવા અસક્ષમ બન્યા હતા. ટેક્સ્ટ મેસેજ પણ કરી શકતા ન હતા. મોબાઇલ સંબંધિત તમામ સેવાઓ બંધ થઈ હતી. દેશના મેડ્રિડ, માલાગા, બાર્સેલોના, વેલેન્સિયા, મર્સિયા, સેવિલે અને બિલબાઓ સહિતના તમામ શહેરોમાં આ સમસ્યા સર્જાઈ હતી. લોકોને નો સિગ્નલ, સંપૂર્ણપણે બ્લેકઆઉટ, અને ઈન્ટરનેટ સંબંધિત સમસ્યાઓ સર્જાઈ હતી.

