World

લંડનમાં મહંત સ્વામી મહારાજના હસ્તે ‘અક્ષર પુરુષોત્તમ સંસ્કૃત પાઠશાળા’નો શુભારંભ

By GS Team
13 Oct 20262 mins read
TukuTouch Logo
લંડનના BAPS સ્વામિનારાયણ મંદિરમાં પૂજ્ય મહંત સ્વામી મહારાજના હસ્તે 'અક્ષરપુરુષોત્તમ સંસ્કૃત પાઠશાળા'નું ઉદ્ઘાટન થયું છે. ડિજિટલ યુગમાં યુવાધનને પ્રાચીન સંસ્કૃત ભાષા તરફ વાળવાના પ્રયાસરૂપે આ પાઠશાળા શરૂ કરાઈ છે. 350થી વધુ બાળ-યુવા વિદ્વાનો સંસ્કૃત અભ્યાસ સાથે જોડાયા છે. આ પાઠશાળા બ્રિટનમાં સંસ્કૃતના જતન અને પ્રસાર માટે સીમાચિહ્નરૂપ બનશે.

Summarized by AI; it may make mistakes. Check important info

લંડનમાં મહંત સ્વામી મહારાજના હસ્તે ‘અક્ષર પુરુષોત્તમ સંસ્કૃત પાઠશાળા’નો શુભારંભ

Sanskrit Pathshala Opens in London : ડિજિટલ યુગમાં નવી પેઢીનું ધ્યાન મોબાઇલ, ગેજેટ્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવા આધુનિક માધ્યમો તરફ વધી રહ્યું છે, ત્યારે બ્રિટનની ભૂમિ પર યુવા ધનને પ્રાચીન અને સમૃદ્ધ સંસ્કૃત ભાષા તરફ વાળવા એક સરાહનીય પ્રયાસ કરાયો છે. ભારતીય સંસ્કૃતિ, શાસ્ત્ર જ્ઞાન અને આધ્યાત્મિક વારસાના સંવર્ધન અર્થે BAPS સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂજ્ય મહંત સ્વામી મહારાજના હસ્તે લંડનના બી.એ.પી.એસ. શ્રી સ્વામિનારાયણ મંદિર(નીસડન મંદિર)માં ‘અક્ષરપુરુષોત્તમ સંસ્કૃત પાઠશાળા’નું વિધિવત્ ઉદ્ઘાટન કરાયું છે.

Sanskrit School London2.jpg

મહંત સ્વામી મહારાજનો સંકલ્પ સિદ્ધ થયો

24 સપ્ટેમ્બરના રોજ આયોજિત ‘સત્સંગદીક્ષા સન્માન મહોત્સવ’માં મહંત સ્વામી મહારાજે ખાસ પત્ર પાઠવીને લંડન વિચરણ દરમિયાન મંદિરમાં સંસ્કૃત પાઠશાળાની સ્થાપના કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ સંકલ્પને અનુસરીને જ સંસ્કૃત પાઠશાળાનો શુભારંભ થયો છે, જે બ્રિટનમાં સંસ્કૃત ભાષાના જતન અને પ્રસારની દિશામાં એક સીમાચિહ્ન રૂપ પગલું સાબિત થશે. આ પાઠશાળાનું ‘અક્ષર પુરુષોત્તમ સંસ્કૃત પાઠશાળા’ એવું નામકરણ પણ ખુદ મહંત સ્વામી મહારાજે કર્યું છે.

Sanskrit School London3.jpg

શાસ્ત્ર-અધ્યયનની ગૌરવશાળી પરંપરા

આ પ્રસંગે મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાયની શાસ્ત્રીય અને સંસ્કૃત ભાષાના અધ્યયનની સમૃદ્ધ પરંપરા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ભગવાન શ્રી સ્વામિનારાયણના કાળથી જ સંસ્કૃતમાં શાસ્ત્રરચનાની પરંપરા રહી છે, જેને બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ અને બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે સતત પ્રોત્સાહન આપ્યું હતું. લંડનનાં બાળકો, કિશોરો અને યુવાનો સંસ્કૃત શીખીને તેમાં સહજતાથી વાતચીત કરતા થાય તેવો મુખ્ય ઉદ્દેશ્ય મહંત સ્વામી મહારાજનો રહ્યો છે.

Sanskrit School London4.jpg

350થી વધુ બાળ-યુવાઓનો ઉત્સાહ અને સંસ્કૃત સંવાદ

આ પાઠશાળાના શુભારંભ પૂર્વે જ આશરે 350 જેટલા બાળ-યુવા વિદ્વાનો સંસ્કૃત અભ્યાસ સાથે જોડાઈ ચૂક્યા હતા, જે નવી પેઢીના ઉત્સાહનું ઉત્તમ પ્રતિબિંબ પાડે છે. આ સમારોહમાં બાળકો અને યુવાનોએ સંસ્કૃતમાં સંવાદ આધારિત વિશિષ્ટ પ્રસ્તુતિ કરી હતી. આ પ્રસ્તુતિ દ્વારા તેમણે મહંત સ્વામી મહારાજના પેરિસ અને લંડનના આધ્યાત્મિક વિચરણના સંસ્મરણો વાગોળ્યા હતા તેમજ સંસ્કૃત પાઠશાળાની અમૂલ્ય ભેટ આપવા બદલ કૃતજ્ઞતા પણ વ્યક્ત કરી હતી.

Sanskrit School London5.jpg

વૈદિક વિધિ અને સંસ્કૃતમાં આશીર્વચન

આ પ્રસંગે મહંત સ્વામી મહારાજે મંત્રમુગ્ધ કરનારા વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે અક્ષરપુરુષોત્તમ મહારાજ અને ઉદ્ઘાટન તકતીનું પૂજન કરી મંગલદીપ પ્રગટાવ્યો હતો. આ ઐતિહાસિક ક્ષણે તેમણે સંસ્કૃત ભાષામાં વિશિષ્ટ આશીર્વચન પાઠવીને દેવભાષા પ્રત્યેનો પોતાનો અનુરાગ વ્યક્ત કર્યો હતો અને ભાવિકોને સંસ્કૃત શીખવા માટે પ્રેરણા આપી હતી.

નોંધનીય છે કે, બ્રિટનના નીસડન મંદિરમાં શરૂ થયેલી આ પાઠશાળા વૈશ્વિક સ્તરે ભારતીય જ્ઞાનપરંપરા, સંસ્કૃત વિદ્યા અને આધ્યાત્મિક મૂલ્યોને નવી પેઢીના જીવનમાં દ્રઢ કરવામાં અત્યંત અગત્યનું માધ્યમ બનશે.