Get The App

વેનેઝુએલાના શેરબજારમાં એક જ દિવસમાં 50%નો ઉછાળો, માદુરો જેલમાં ધકેલાતા આશાવાદની અસર

Updated: Jan 7th, 2026

GS TEAM

Google News
Google News
Venezuela Stock Market


(AI IMAGE)

Venezuela Stock Market: વિશ્વના નકશા પર અત્યારે વેનેઝુએલા સૌથી ચર્ચિત દેશ છે. અહીં એક તરફ અમેરિકાએ મોટી કાર્યવાહી કરતા પ્રમુખ નિકોલસ માદુરોની ધરપકડ કરી લીધી છે, તો બીજી તરફ ત્યાંની માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. આ ભૌગોલિક-રાજકીય યુદ્ધ અને તેલના ભંડાર પર અમેરિકાના વધતા અંકુશ વચ્ચે વેનેઝુએલાનું શેરબજાર રોકેટ ગતિએ ભાગી રહ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે જ્યાં પ્રમુખની ધરપકડથી અરાજકતા ફેલાવાની દહેશત હતી, ત્યાં 'કારાકાસ સ્ટોક એક્સચેન્જ'માં માત્ર એક જ દિવસમાં 50%ની તેજી જોવા મળી છે, જેણે સમગ્ર વિશ્વના રોકાણકારો અને રાજકીય વિશ્લેષકોને સ્તબ્ધ કરી દીધા છે.

અણધાર્યો ઉલટફેર: સૈન્ય કાર્યવાહી છતાં બજારમાં તેજી

સામાન્ય રીતે કોઈ દેશમાં સૈન્ય કાર્યવાહી કે પ્રમુખની ધરપકડ જેવી ઘટના બને ત્યારે ત્યાંનું શેરબજાર તૂટી પડતું હોય છે, પરંતુ વેનેઝુએલામાં સ્થિતિ સાવ ઉલટી છે. વેનેઝુએલાનું મુખ્ય શેરબજાર 'કારાકાસ સ્ટોક એક્સચેન્જ' (Caracas Stock Exchange) અત્યારે રોકેટની ગતિએ વધી રહ્યું છે. માત્ર એક જ દિવસમાં કારાકાસ જનરલ ઇન્ડેક્સમાં 50%થી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. 6 જાન્યુઆરીના રોજ આ ઇન્ડેક્સ 3896.8 પોઈન્ટ પર બંધ થયો હતો. જો 2 જાન્યુઆરીથી અત્યાર સુધીની સરખામણી કરાય, તો માદુરોની ધરપકડ બાદ બજારમાં 74%થી વધુની તેજી આવી છે. 1947માં સ્થપાયેલું આ દક્ષિણ અમેરિકાનું સૌથી નાનું શેરબજાર અત્યારે વિશ્વભરમાં ચર્ચાનું કેન્દ્ર છે.

આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પ કોઇ ના સગા નહીં! શાંતિ નોબેલ વિજેતા મારિયા મચાડો સાથે પણ 'દગો', જાણો મામલો

આ ઉછાળાના મુખ્ય કારણો શું?  

પ્રમુખ નિકોલસ માદુરોની ધરપકડ: સપ્તાહના અંતે, 3-4 જાન્યુઆરી, 2026 દરમિયાન અમેરિકન સુરક્ષા દળોએ ‘ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વ’ હેઠળ વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરો અને તેમની પત્નીની ધરપકડ કરી હતી. આ નાટકીય ઘટનાને રોકાણકારોએ દેશના રાજકીય અને આર્થિક ભવિષ્ય માટે એક નિર્ણાયક વળાંક તરીકે જોઈ રહ્યા છે. 

આર્થિક પુનર્રચના અને પ્રતિબંધોમાં રાહતની અપેક્ષા: વેનેઝુએલામાં એવી આશા જન્મી છે કે માદુરો શાસન હટવાથી આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો હળવા થશે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે અમેરિકા કામચલાઉ ધોરણે વેનેઝુએલાનું નેતૃત્વ સંભાળશે અને અર્થવ્યવસ્થાનું પુનર્નિર્માણ કરશે.

ઓઈલ માર્કેટને પુનર્જીવન: રોકાણકારો અપેક્ષા રાખી રહ્યા છે કે વિદેશી રોકાણ, ખાસ કરીને ઊર્જા ક્ષેત્રને ફરી પુનર્જીવન મળશે. ટ્રમ્પે સંકેત આપ્યા હતા કે અમેરિકાની મોટી ઓઈલ કંપનીઓ વેનેઝુએલાના ઓઈલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવામાં સામેલ થશે અને અમેરિકા વેનેઝુએલાના તેલ સંસાધનો પર નિયંત્રણ મેળવશે.

ટ્રેડિંગ વોલ્યુમ ઓછું હોવાથી વધુ અસર: કારાકાસ સ્ટોક એક્સચેન્જ ખૂબ નાનું છે, જેમાં દૈનિક ટ્રેડિંગ વોલ્યુમ ઓછું હોય છે. આ બજારમાં, રોકાણકારોની ભાવનામાં અચાનક ફેરફાર પણ ભાવોમાં અસામાન્ય અને ઝડપી વધઘટ લાવી શકે છે. જો કે, નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આ પગલું વૈશ્વિક સ્તરે અરાજકતા સર્જી શકે છે અને અન્ય સત્તાવાદી શાસનો માટે ખોટો દાખલો બેસાડી શકે છે.

વેનેઝુએલાના શેરબજારમાં એક જ દિવસમાં 50%નો ઉછાળો, માદુરો જેલમાં ધકેલાતા આશાવાદની અસર 2 - image