67 હજાર મોત અને બે વર્ષ બાદ ગાઝામાં સીઝફાયર, હજારો લોકો ખંડેર થયેલા શહેરમાં પરત ફર્યા

Israel-Hamas Ceasefire: અમેરિકાની મધ્યસ્થીથી ઇઝરાયલ અને હમાસ વચ્ચે સીઝફાયર (યુદ્ધવિરામ) કરાર અમલમાં આવ્યા બાદ ગાઝામાં યુદ્ધનો અંત આવવાની આશા જાગી છે. યુદ્ધવિરામ લાગુ થતાં જ હજારો પેલેસ્ટિનિયનો ગાઝાના ખંડેર થયેલા શહેરોમાં પરત ફર્યા હોવાના વીડિયો સામે આવ્યા છે. કરાર મુજબ, હમાસ થોડા દિવસોમાં બાકીના તમામ બંધકોને મુક્ત કરશે. જોકે, ગાઝામાંથી ઇઝરાયલી સૈનિકોને ધીમે ધીમે પાછા ખેંચી લીધા પછી ગાઝા પર કોણ શાસન કરશે અને શું હમાસ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઇઝરાયલ યોજના અનુસાર હથિયારો મૂકશે તે અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.
ઇઝરાયલના વડાપ્રધાનની ચેતવણી
ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ માર્ચમાં સીઝફાયરની જાહેરાત કરી હતી, પરંતુ સાથે જ તેમણે કડક સંકેત આપ્યો હતો કે જો હમાસ સંગઠન સંપૂર્ણપણે શરણાગતિ નહીં આપે અને નિઃશસ્ત્ર નહીં થાય, તો ઇઝરાયલ ફરીથી લશ્કરી આક્રમણ શરુ કરી શકે છે. નેતન્યાહૂએ સ્પષ્ટ કર્યું હતું કે આગળનું પગલું હમાસને નિઃશસ્ત્ર કરવાનું અને ગાઝાને બિનલશ્કરીકરણ કરવાનું હશે. હમાસ ફક્ત ત્યારે જ આ ડીલ માટે સંમત થયો જ્યારે તેને લાગ્યું કે તેના પર હુમલાનો ખતરો હજી પણ મોજૂદ છે.
ગાઝામાં બે વર્ષની તબાહીનો હિસાબ
સાતમી ઑક્ટોબર, 2023ના રોજ હમાસ દ્વારા ઇઝરાયલ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં આશરે 1,200 લોકો માર્યા ગયા હતા અને 251 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. ઇઝરાયલના બદલો લેવાના લશ્કરી હુમલાએ ગાઝામાં ભારે તબાહી મચાવી હતી. ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યાનુસાર, યુદ્ધમાં 67,000થી વધુ પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે અને આશરે 170,000 ઈજાગ્રસ્ત થયા છે.
આ પણ વાંચો: ચીન પર અચાનક કેમ ભડક્યાં ડોનાલ્ડ ટ્રમ્પ? 100% ટેરિફ ઝીંકવાનું આ છે કારણ!
બંધકોની મુક્તિ અને માનવતાવાદી સહાય
સોમવાર સુધીમાં ઇઝરાયલના 48 બંધકોને મુક્ત કરવામાં આવશે, જેમાંથી લગભગ 20 જીવંત હોવાની આશા છે. ગાઝાને સંયુક્ત રાષ્ટ્ર તરફથી રાહત પુરવઠાનો મોટો જથ્થો મળવાની તૈયારી છે. આ સહાયમાં 170,000 મેટ્રિક ટન પુરવઠો સામેલ હશે, જે જોર્ડન અને ઈજિપ્ત જેવા પડોશી દેશોમાંથી પહોંચાડવામાં આવ્યો છે. માનવતાવાદી સહાય અધિકારીઓ ઇઝરાયલી સેના પાસેથી પોતાનું કાર્ય ફરી શરુ કરવા માટે પરવાનગીની રાહ જોઈ રહ્યા છે. યુદ્ધવિરામથી રાહત મળી છે, પરંતુ ગાઝાનું રાજકીય અને સુરક્ષાનું ભવિષ્ય હજી પણ અનિશ્ચિતતાના પડદા પાછળ છે.