ચીન પર અચાનક કેમ ભડક્યાં ડોનાલ્ડ ટ્રમ્પ? 100% ટેરિફ ઝીંકવાનું આ છે કારણ!

Donald Trump Impose Tariff On China: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ચીન પર મોટો ટેરિફ બોમ્બ ફોડ્યો છે. 1 નવેમ્બર, 2025થી ચીનમાંથી આયાત થતી પ્રોડક્ટ્સ પર વધારાનો 100 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. અર્થાત્ ચીન પર પહેલાંથી જે 30 ટકા ટેરિફ લાગુ છે, તેના પર વધારાનો 100 ટકા એટલે કે હવે કુલ 130 ટકા ડ્યુટી લાગુ થશે.
ટ્રમ્પે ટેરિફ ધમકી આપવાની સાથે જાહેરાત કરી છે કે, અમેરિકા 1 નવેમ્બરથી ક્રિટિકલ સોફ્ટવેર પર એક્સપોર્ટ કંટ્રોલ પણ લાગુ કરશે. હવે સવાલ ઊભા થઈ રહ્યા છે કે, તમામ ચીજ ધીમે-ધીમે તેના રસ્તે ચાલી રહી હતી, ત્યારે અચાનક ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર કેમ ટેરિફ લાદ્યો છે? જો કે, તેની પાછળ ચીનનો એક નિર્ણય છે.
ચીનનું આ પગલું ટેરિફનું કારણ બન્યું
ચીને એક ડિસેમ્બરથી દુર્લભ ખનિજો (રેર અર્થ મિનરલ્સ) પર આકરા પ્રતિબંધોની જાહેરાત કરી છે. ચીન દુર્લભ ખનિજોનો રાજા છે. તે તેની કુલ નિકાસના 90 ટકા નિકાસ કરે છે. જેથી ચીનનો આ નિર્ણય વિશ્વ પર સંકટ સમાન બની શકે છે. ચીને કહ્યું હતું કે, આ ખનિજોની નિકાસ પર કડક અંકુશ લાદશે, જેથી પર્યાવરણની રક્ષા થાય અને રાષ્ટ્રીય સુરક્ષા મજબૂત બને. ચીને ભારત પાસે ગેરેંટી માગી છે કે, તે ખાતરી કરે કે, અમેરિકાને ભારે દુર્લભ ખનિજોનો સપ્લાય નહીં કરે, તો જ ચીન ભારતને તેનો સપ્લાય કરશે. ચીનના આ નિર્ણય બાદ ટ્રમ્પ ચીન પર રોષે ભરાયા છે, જેથી તેમણે ચીન પર વધારાનો 100 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે.
શા માટે જરૂરી છે રેર અર્થ મિનરલ્સ?
રેર અર્થ મિનરલ્સ 17 પ્રકારના ચુંબકીય તત્ત્વ છે. જેનો ઉપયોગ સ્માર્ટફોન, ઈલેક્ટ્રિક કાર, કોમ્પ્યુટર ચીપ્સ, સૈન્ય ડિવાઇસિસ, ગ્રીન એનર્જી જેવા ન્યૂ જનરેશન પ્રોડક્ટ્સમાં મોટાપાયે થઈ રહ્યો છે. આ દુર્લભ ખનિજનો સ્રોત ખૂટી જવાના ભય હેઠળ છે. વિશ્વનો 70 ટકાથી વધુ જથ્થો ચીનમાંથી મળે છે.
ટ્રમ્પે ચીન વિરૂદ્ધ લીધા આકરા પગલાં
ટ્રમ્પે ચીનની દુર્લભ ખનિજ નીતિના પગલે રોષે ભરાતાં કહ્યું કે, ચીનના દુર્લભ ખનિજો પર નિર્ણયથી તમામ દેશ પ્રભાવિત થશે. ચીનનું આ પગલું નૈતિક અપમાનજનક છે. તે વિશ્વના વેપાર પર હાવી થવા માટેની તેની લોંગટર્મ રણનીતિ છે. અન્ય દેશ કરે કે ના કરે, અમેરિકા એકતરફી કાર્યવાહી કરશે. 1 નવેમ્બર, 2025થી યુએસએ ચીન પર 100 ટકા વધારાનો ટેરિફ લાદશે. જે વર્તમાનમાં ચૂકવવામાં આવતાં ટેરિફમાં ઉમેરાશે.