'જ્યાં મળે ત્યાં ગોળી મારી દો' બાંગ્લાદેશના પૂર્વ PM શેખ હસીનાનો ચોંકાવનારો ઓડિયો વાઈરલ
Sheikh Hasina Gave Shoot Orders: બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ ગયા વર્ષના મોટા વિદ્યાર્થી વિરોધ પ્રદર્શનો દરમિયાન સુરક્ષા દળોને ગોળી મારવાનો આદેશ આપ્યો હતો. આ દાવો એક લીક થયેલા ઓડિયો કોલમાં કરવામાં આવ્યો છે, જેની એક ખાનગી મીડિયા દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. આ રેકોર્ડિંગમાં શેખ હસીનાને પ્રદર્શનકારીઓ વિરુદ્ધ જીવલેણ હથિયારોના ઉપયોગને મંજૂરી આપતા સાંભળી શકાય છે. તેઓ કહે છે કે, 'જ્યાં પણ મળે, ત્યાં ગોળી મારી દો.'
ખાનગી મીડિયા અનુસાર, આ લીક થયેલો ઓડિયો શેખ હસીનાના ફોનમાંથી મળી આવ્યો હતો, જેની ચકાસણી પણ કરવામાં આવી છે. આ ઓડિયો વિશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે શેખ હસીનાએ પોતે જ બાંગ્લાદેશમાં 'શૂટ એટ સાઈટ'નો આદેશ આપ્યો હતો.
ક્વોટા આંદોલન બળવાની ચિનગારી બની ગયું
આ વિરોધ પ્રદર્શન સરકારી નોકરીઓમાં અનામત સિસ્ટમ વિરુદ્ધ શરૂ થયું હતું, પરંતુ થોડા જ દિવસોમાં તે દેશભરમાં ઉગ્ર આંદોલનમાં ફેરવાઈ ગયું. આ જનવિરોધના કારણે અંતે શેખ હસીનાને સત્તા પરથી હટવું પડ્યું. યુએન તપાસ અનુસાર, આ દમનમાં લગભગ 1400 લોકો માર્યા ગયા હતા, જે 1971ના યુદ્ધ પછીની સૌથી ભયંકર રાજકીય હિંસા હતી.
આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલમાં ટ્રાયલ
શેખ હસીના વિરુદ્ધ માનવતા વિરુદ્ધના અપરાધ, ઉશ્કેરણી, ષડયંત્ર અને નરસંહારના આદેશ આપવા જેવા ગંભીર આરોપો છે. તેઓ સરકાર પડતા પહેલા ભારત ભાગી ગયા હતા. ઢાકાએ પ્રત્યાર્પણની માંગ કરી છે, પરંતુ ભારતે હજુ સુધી તેમને સોંપ્યા નથી. તેમના પાછા ફરવાની શક્યતા ખૂબ ઓછી માનવામાં આવે છે. એવામાં હવે આ ઓડિયો પણ શેખ હસિના વિરુદ્ધ પુરાવા તરીકે રજૂ કરવામાં આવશે.
હસીના બાદ બાંગ્લાદેશમાં વચગાળાના પ્રશાસનની કમાન નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસના હાથમાં છે. તેઓ હવે દેશને આગામી સામાન્ય ચૂંટણીઓ માટે તૈયાર કરી રહ્યા છે.
શેખ હસીનાના પક્ષની પ્રતિક્રિયા
ઓડિયો લીક પર પ્રતિક્રિયા આપતા, શેખ હસીનાના પક્ષ આવામી લીગના પ્રવક્તાએ કહ્યું કે, 'તેમનો ઈરાદો ખોટો નહોતો. બાંગ્લાદેશમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. તેને અતિશયોક્તિપૂર્ણ બતાવવામાં આવી રહી છે.'