ભારતીય મૂળના સાબિહ ખાન કોણ છે?: એપલના COO તરીકે પસંદ થતા દુનિયાભરમાં ચર્ચા
Who is Sabih Khan?: એપલે તેમના નવા COOની જાહેરાત કરતાં દુનિયાભરમાં હાલમાં એક જ નામ ચર્ચામાં છે. મૂળ ભારતના સાબિહ ખાન હવે એપલના નવા COO (ચીફ ઓપરેટિંગ ઑફિસર) તરીકે બહુ જલદી ફરજ બજાવશે. Jeff Williams આ મહિનાના અંતમાં નિવૃત્ત થઈ રહ્યા છે અને ત્યાર બાદ તેમના કામની તમામ જવાબદારી સાબિહ ખાન સંભાળશે. તેમની પસંદગી કરવાથી હવે લોકોમાં એ વાતનું કૂતુહલ જાગી રહ્યું છે કે શું હવે એપલના નવા CEO તરીકે પણ તેમની પસંદગી કરવામાં આવશે? જોકે ટિમ કૂક નિવૃત ન થાય ત્યાં સુધી એ કહેવું મુશ્કેલ છે. આ અપડેટ ત્યારે આવી છે જ્યારે ચાઇનીઝ કર્મચારીઓને તેમના દેશ મોકલી દેવામાં આવી રહ્યા છે. તેમજ આગામી આઇફોન 17ને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે.
કોણ છે સાબિહ ખાન?
ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં સાબિહ ખાનનો જન્મ થયો હતો. જન્મ બાદ એટલે કે દસ વર્ષની ઉંમરે તેઓ સિંગાપુર જતી રહ્યા હતા અને ત્યાં તેમણે સ્કૂલનો અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ બાકીનું ભણતર તેમણે અમેરિકામાં પૂરું કર્યું હતું. તેમણે તુફ્ટ્સ યુનિવર્સિટીમાંથી ઇકોનોમિક્સ અને મેકેનિકલ એન્જિનિયરિંગની બેચલર ડિગ્રી મેળવી હતી. રેન્સેલર પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટમાંથી તેમણે મેકેનિકલ એન્જિનિયરિંગની માસ્ટર ડિગ્રી મેળવી હતી.
કામની શરૂઆત ક્યાંથી કરી?
એપલમાં કામ કરવા પહેલાં સાબિહ ખાને GE Plasticsમાં કામ કરીને કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યાં તેમણે એપ્લિકેશન ડેવલપમેન્ટ એન્જિનિયર તરીકે શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેઓ કી એકાઉન્ટ ટેક્નિકલ લીડર પણ બન્યા હતા. તેઓ 1995માં એપલ સાથે જોડાયા હતા. ત્યારથી લઈને આજ સુધી એટલે કે લગભગ 30 વર્ષથી તેઓ એપલ સાથે કામ કરી રહ્યા છે. આ વર્ષો દરમિયાન તેમણે એપલની સપ્લાય ચેન માટે ખૂબ જ મહત્ત્વના કામ કર્યાં છે.
2019માં એપલના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ ઑફ ઓપરેશન્સ તરીકે સાબિહ ખાનને પસંદ કરવામાં આવ્યા હતા. એપલની કાર્બન ફૂટપ્રિન્ટ ઓછી કરવા માટે તેમણે ગ્રીન સપ્લાયર્સ સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું. તેમના વાઇસ પ્રેસિડન્ટ બન્યા બાદ એપલે તેમની કાર્બન ફૂટપ્રિન્ટમાં ખૂબ જ મોટો ઘટાડો કર્યો હતો. તેઓ પ્લાનિંગ કરવાની સાથે ખરીદી, મેન્યુફેક્ચરિંગ, લોજિસ્ટિક્સ, પ્રોડક્ટ ડિલિવરી જેવા તમામ કામની જવાબદારી સંભાળતા હતા. આ સાથે જ તેમને પ્રોડક્ટની ગુણવત્તાના ઇનચાર્જ પણ બનાવવામાં આવ્યા હતા. દુનિયાભરની એપલની મેન્યુફેક્ચરિંગ કંપનીઓમાં કામ કરતાં કર્મચારીઓને સુરક્ષિત અને જાગરૂક રાખવા માટેની ભૂમિકા પણ ભજવતા હતા.
કોવિડ હોય કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ વોર, એને લઈને એપલને ખૂબ જ તકલીફ પડી રહી હતી. આથી તેમની પ્રોડક્ટ પર અસર ન થાય અને દરેક ચેલેન્જને પહોંચી શકાય એ માટે સાબિહ ખાન દ્વારા દરેક પરિસ્થિતિને ખૂબ જ સારી રીતે સંભાળવામાં આવી હતી. એપલની સપ્લાય ચેનમાં કોઈ અડચણ ન આવે એ જવાબદારી તેમની છે.
આ પણ વાંચો: ભારતીય મૂળના સાબિહ ખાન બન્યા એપલના COO, હવે ટિમ કૂકનું સ્થાન લે તેવી પણ ચર્ચા
ટિમ કૂકે શું કહ્યું?
સાબિહ ખાન હાલમાં વાઇસ પ્રમુખ તરીકે કાર્યરત છે. તેમને COO તરીકે પસંદ કરવામાં આવ્યા છે, પરંતુ બહુ જલદી તેઓ એ કાર્યભાર પણ સંભાળશે. આ વિશે ટિમ કૂકે કહ્યું કે, ‘સાબિહ ખાન ખૂબ જ અદ્ભુત સ્ટ્રેટેજીસ્ટ છે. એપલની સપ્લાય ચેનના તેઓ ખૂબ જ મહત્ત્વની વ્યક્તિ છે. એપલની દરેક પ્રોડક્ટને માર્કેટ સુધી પહોંચાડવામાં સાબિહનો હાથ રહ્યો છે. સાબિહ દિલથી અને તેના મૂલ્યોના આધારે કામ કરે છે. સાબિહની મદદથી એપલ એન્વાયરમેન્ટ સસ્ટેનબિલિટીમાં ખૂબ આગળ વધ્યું છે. જેના કારણે એપલની કાર્બન ફૂટપ્રિન્ટમાં 60 ટકાનો ઘટાડો થયો છે. મને ખાતરી છે કે તે ખૂબ જ સારો ચીફ ઓપરેટિંગ ઑફિસર બનીને દેખાડશે. સાબિહ ખાન એ વાતની ચોકસાઈ રાખશે કે, દુનિયાભરના પડકારો સામે એપલ હંમેશાં ખૂબ જ સારી રીતે આગળ રહે.’