For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભારતીય સેનાની તૈયારીથી ચીન ભયભીત, તિબેટમાં તૈનાત કરી 'ઉડતી હોસ્પિટલ'

આ વિમાનને કાર્ડિયોગ્રામ મોનિટર, રેસ્પિરેટર અને અન્ય ઉપકરણો વડે સજ્જ કરવામાં આવ્યું

Updated: Jul 20th, 2020

Article Content Image

તિબેટ, તા. 20 જુલાઈ 2020, સોમવાર

લદ્દાખમાં ભારતીય સેનાની જોરદાર તૈયારી અને ગાલવાન ઘાટીમાં મળેલા જડબાતોડ જવાબથી ડરી ગયેલા ચીને પ્રથમ વખત તિબેટમાં પોતાની ઉડતી હોસ્પિટલ તૈનાત કરી છે. આ ઉડતી હોસ્પિટલની મદદથી ચીન પોતાના ઘાયલ સૈનિકોને હજારો કિમી દૂર આવેલી હોસ્પિટલ પહોંચાડી શકશે. એક અહેવાલ પ્રમાણે ચીનને એવો ભય છે કે જો ભારત સાથે સંઘર્ષ થશે તો તેને તાત્કાલિક મેડિકલ સહાયની જરૂર પડશે. ચાલો જાણીએ ચીનની ઉડતી હોસ્પિટલની ખાસ વાતો...

તિબેટમાં ચીની સૈન્ય હોસ્પિટલ બિસ્માર

ભારતની સરહદને અડીને આવેલા આ વિસ્તારમાં ચીની સેનાની સ્વાસ્થ્ય સુવિધાઓ ખૂબ જ ખરાબ છે અને આ કારણે મજબૂરીવશ Y-9 મેડિકલ એરક્રાફ્ટ તૈનાત કરવા પડ્યા છે. એક અહેવાલ પ્રમાણે ચીની સેનાના યુદ્ધાભ્યાસ દરમિયાન એક અધિકારી ખરાબ રીતે ઘવાયો હતો. આ ઘાયલ અધિકારીને સારી સારવાર મળી રહે તે માટે 5,200 કિમી દૂર આવેલી હોસ્પિટલ લઈ જવા Y-9 મેડિકલ એરક્રાફ્ટ મોકલવામાં આવ્યું હતું. આ પ્લેનની મદદથી તે અધિકારીને શિજિંગની હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. 

અથડામણમાં બચાવાશે જીવ

બેઈજિંગના સૈન્ય સૂત્ર દ્વારા મળતા અહેવાલ પ્રમાણે આ પ્લેનનો ઉદ્દેશ્ય ઉંચાઈવાળા વિસ્તારોમાં અને ખાસ કરીને ભારતીય સરહદે સ્વાસ્થ્ય સુવિધાઓને વધુ સારી બનાવવાનો છે. ભારત અને ચીનની સરહદ હજારો કિમી લાંબી છે અને કોઈ સ્પષ્ટ સીમા રેખા નથી. ગત મહીને ગાલવાન ઘાટીમાં થયેલા લોહીયાળ સંઘર્ષમાં 20 ભારતીય જવાન શહીદ થયા હતા અને ચીને પોતાના કેટલા સૈનિકો મર્યા તેનો કોઈ ખુલાસો નહોતો કર્યો. ચીની સૈન્ય સૂત્રો દ્વારા કરવામાં આવેલા દાવા પ્રમાણે ભારત કરતા ઓછી સંખ્યામાં સૈનિકો મર્યા હતા જ્યારે ભારતીય અને અમેરિકી સૂત્રોએ કરેલા દાવા પ્રમાણે આશરે 40 ચીની સૈનિકો માર્યા ગયા હતા. 

Y-9 ઉડતી હોસ્પિટલ અનેક સુવિધાથી સજ્જ

ચીની સૂત્રોના કહેવા પ્રમાણે ગાલવાન જેવી અથડામણ સર્જાય તો સ્વાસ્થ્ય સુવિધાઓ સદ્ધર હોય તે જરૂરી છે જેથી મૃતકોની સંખ્યા ઘટાડી શકાય. Y-9 એ ઉડતી હોસ્પિટલ છે અને તે ગંભીર રીતે ઘાયલ સૈનિકોનો જીવ બચાવવામાં ખૂબ ઉપયોગી થશે. તે સિવાય હિમાલયન ક્ષેત્રોમાં ભારત સાથે જોડાયેલી સરહદ પર અનેક હોસ્પિટલને ફર્સ્ટ એઈડ સહાયતા માટે હાયપર બેરિક ઓક્સિજન ચેમ્બરથી સજ્જ કરવામાં આવી છે. ચીન આ વિસ્તારમાં આવેલી પોતાની તમામ હોસ્પિટલને આધુનિક બનાવી રહ્યું છે. આ વિમાનને કાર્ડિયોગ્રામ મોનિટર, રેસ્પિરેટર અને અન્ય ઉપકરણો વડે સજ્જ કરવામાં આવ્યું છે. 

Gujarat