Get The App

પયગંબર વિવાદઃ નુપુર શર્માના નિવેદનના વિરોધમાં પ્રદર્શન કરનારાઓને કાઢી મુકશે કુવૈત

Updated: Jun 13th, 2022

GS TEAM

Google News
Google News
પયગંબર વિવાદઃ નુપુર શર્માના નિવેદનના વિરોધમાં પ્રદર્શન કરનારાઓને કાઢી મુકશે કુવૈત 1 - image


- કુવૈતમાં વિદેશીઓને પ્રદર્શન કરવા માટેની મંજૂરી નથી

નવી દિલ્હી, તા. 13 જૂન 2022, સોમવાર

ભાજપના સસ્પેન્ડેડ પ્રવક્તા નુપુર શર્મા તથા નવીન કુમાર જિંદલના પયગંબર અંગેના નિવેદનનો માત્ર ભારતમાં જ નહીં પરંતુ અનેક દેશમાં વિરોધ થઈ રહ્યો છે. સાથે જ વિશ્વભરમાં આ અંગે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. ત્યારે કુવૈત સરકારે નુપુર શર્મા તથા નવીન કુમાર જિંદલના નિવેદનના વિરોધમાં પ્રદર્શન કરનારા વિદેશી નાગરિકોની ધરપકડ કરીને તેમને પોતાના દેશ પરત મોકલી દેવાનો નિર્ણય લીધો છે. 

આ ઉપરાંત આવા લોકોના વીઝા રદ કરી દેવામાં આવશે તથા તેમના કુવૈત પ્રવેશ પર કાયમી પ્રતિબંધ પણ લગાવાઈ શકે છે. હકીકતે કુવૈતમાં વિદેશીઓને પ્રદર્શન કરવા માટેની મંજૂરી નથી. જોકે નોંધવા જેવી વાત એ પણ છે કે, નુપુર શર્માના નિવેદન મામલે કુવૈત દ્વારા જ સૌથી પહેલા ભારત સરકાર સામે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. 

પયગંબર વિવાદઃ નુપુર શર્માના નિવેદનના વિરોધમાં પ્રદર્શન કરનારાઓને કાઢી મુકશે કુવૈત 2 - image

જાણવા મળ્યા મુજબ કુવૈત સરકારે તમામ બાહ્ય પ્રદર્શનકારીઓની ધરપકડ કરીને ડિપોર્ટેશન સેન્ટર લાવવા તથા ત્યાંથી તેમને સંબંધિત દેશોમાં મોકલી દેવા માટે નિર્દેશ આપ્યો છે. સરકાર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે, કુવૈતમાં રહેતા તમામ પ્રવાસીઓએ ત્યાંના કાયદાનું સન્માન કરવું જોઈએ તથા તેમણે કોઈ પણ પ્રકારના વિરોધ પ્રદર્શનમાં સામેલ ન થવું જોઈએ. ગત શુક્રવારના રોજ એટલે કે, 10 માર્ચના રોજ કુવૈતના ફહીલ શહેર ખાતે પ્રવાસીઓએ જુમાની નમાજ બાદ વિરોધ પ્રદર્શન કર્યું હતું. 

એવું કહેવાય છે કે, તે પ્રદર્શનકારીઓમાં ભારતીય, પાકિસ્તાન અને બાંગ્લાદેશના નાગરિકો સામેલ હતા. આ સાથે જ સરકારે કુવૈતમાં વસતા પ્રવાસીઓ માટે ચેતવણી બહાર પાડતા કહ્યું છે કે, તમામ પ્રવાસીઓએ કુવૈતના કાયદાઓનું સન્માન કરવાનું રહેશે. જો કોઈ પણ વ્યક્તિ કાયદાનું ઉલ્લંઘન કરશે તથા કોઈ પણ પ્રકારના ધરણાં પ્રદર્શનમાં સામેલ થશે તો તેના સામે ખૂબ જ આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 

Tags :