કુવૈતમાં શનિવારથી ભારતીય નાગરિકો પ્રવેશ નહીં કરી શકે
- ભારત સહિત નવ દેશોના નાગરિકો પર પ્રવેશબંધી
- કોરોનાના પ્રસારને રોકવાના પ્રયાસ રૂપે આ પગલું લીધું
કુવૈત સિટિ તા. 31 જુલાઇ 2020 શુક્રવાર
કોરોનાના પ્રસારને રોકવાના પ્રયાસ રૂપે કુવૈતે ભારત સહિત કુલ નવ દેશોના નાગરિકો પર કુવૈતમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. આ પ્રતિબંધથી ઓછામાં ઓછા નવ લાખ લોકોને પ્રતિકૂળ અસર થવાની શક્યતા હતી.
અરબ ન્યૂઝના એક રિપોર્ટ મુજબ પહેલી ઑગષ્ટથી ભારત, પાકિસ્તાન, નેપાળ, બાંગ્લા દેશ, શ્રીલંકા, ઇરાન અને ફિલિપાઇન્સથી આવતા નાગરિકો કુવૈતમાં પ્રવેશી નહીં શકે એવી જાહેરાત કુવૈત સરકારે કરી હતી. ભારત સરકારના વિદેશ ખાતાને આ વાતની જાણ હતી અને આ સમસ્યાને સૂલઝાવવા પ્રયાસો થઇ રહ્યા છે એવું એક સરકારી પ્રવક્તાએ કહ્યું હતું.
ઇન્ડિયા કમ્યુનિટી સપોર્ટ ગ્રુપના અધ્યક્ષ રાજપાલ ત્યાગીએ કહ્યું હતુ્ં કે કોરોનાના પગલે સ્વેદશ પાછા ફરેલા હજારો ભારતીયો કુવૈત સરકારના આ નિર્ણયને કારણે નોકરી ગુમાવી બેસશે. તેમણે કહ્યું કે એવા હજારો ભારતીય પરિવારો છે જેમાંના કેટલાક કોરોના મહામારીના પગલે સ્વદેશ ગયા હતા અને કેટલાક અહીં રહી ગયા હતા.
સ્વદેશ ગયેલા લોકો હવે અહીં પાછાં ફરી શકે એમ નથી. એ સંજોગોમાં હજારો ભારતીયો પોતાની નોકરી ગુમાવી બેસશે. આ પ્રતિબંધ પહેલી ઑગષ્ટથી છે એટલે આજે શુક્રવારે સાંજ સુધીમાં જે લોકો કુવૈત પાછાં નહીં ફર્યા હોય તેમની એન્ટ્રી પરમિટ આપોઆપ રદ થઇ જશે.
બીજી બાજુ કુવૈત સરકારે એવો નિર્ણય કર્યો હતો કે પહેલી ઑગષ્ટથી એ લોકો છેલ્લા ત્રણ સાડા ત્રણ માસથી બંધ પડેલી આંતરરાષ્ટ્રીય વિમાન સેવા ફરી શરૂ કરવાના છે. ઇન્ડિયા કમ્યુનિટી સપોર્ટ ગ્રુપે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ પ્રધાનને આ મુદ્દે પત્ર લખીને કોઇ પગલા લેવાની વિનંતી કરી હતી.
ભારત સરકારના પ્રવક્તાએ કહ્યું હતું કે સરકારના ધ્યાનમાં આ બાબત છે અને સરકાર ભારતીય નોકરિયાતો માટે કોઇ પગલાં લેશે એવી શક્યતા છે.