Get The App

કોણ છે કુલમન ઘિસિંગ? જેમને PM બનાવવા માંગે છે Gen-Z, ભારત સાથે ખાસ કનેક્શન

Updated: Sep 11th, 2025

GS TEAM

Google News
Google News
Kulman Ghising


Kulman Ghising: નેપાળમાં ચાલી રહેલી હિંસા વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં સેના અને Gen-Z આંદોલનકારીઓ વચ્ચેની એક બેઠકમાં કુલમાન ઘિસિંગનું નામ કાર્યકારી વડાપ્રધાન તરીકે સામે આવ્યું છે. વ્યવસાયે એન્જિનિયર એવા કુલમાન ઘિસિંગના નામનો પ્રસ્તાવ Gen-Zના એક જૂથ દ્વારા આ બેઠકમાં રજૂ કરવામાં આવ્યો છે.

નેપાળમાં કાર્યકારી સરકાર માટે સેના, Gen-Z આંદોલનકારીઓ અને પૂર્વ ચીફ જસ્ટિસ સુશીલા કાર્કી સહિત સાત પ્રતિનિધિઓની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં કુલમાનનું નામ રજૂ કરાયું છે. આ પહેલી વાર છે જ્યારે કુલમાન ઘિસિંગનું નામ વડાપ્રધાનની રેસમાં આવ્યું છે. આ પહેલા સુશીલા કાર્કી અને કાઠમંડુના મેયર બાલેન શાહ રેસમાં આગળ હતા.

નોકરીમાં પ્રમાણિક અધિકારીની છબી

કુલમાન ઘિસિંગનો જન્મ 25 નવેમ્બર 1970ના રોજ નેપાળના રામેછાપ જિલ્લામાં થયો હતો. તેમણે શરૂઆતનું શિક્ષણ રામેછાપમાં લીધું અને પછી તેઓ ભારતના જમશેદપુર શહેરમાં આવ્યા. અહીં, તેમણે રિજનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો. 

એન્જિનિયરિંગ કર્યા પછી, તેઓ 2016થી 2020 સુધી NEAમાં મેનેજિંગ ડિરેક્ટર રહ્યા હતા. દેશમાં તેમની છબી એક પ્રમાણિક અધિકારીની છે. તેમને વીજળી વિભાગમાં તેમની તકનીકી કુશળતા માટે ઓળખવામાં આવે છે. સોશિયલ મીડિયા પર ખાસ કરીને યુવાનોમાં તેઓ ખૂબ જ પ્રખ્યાત છે.

વીજળી વિભાગમાં મેનેજિંગ ડિરેક્ટર હતા

નેપાળી મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કુલમાન ઘિસિંગને મેનેજમેન્ટનો ઘણો અનુભવ છે. તેઓ નેપાળ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી (NEA)ના પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર છે. તેઓ તે સમયે મીડિયામાં ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમણે પોતાના કાર્યકાળમાં રાજ્યમાં વીજળી કાપને સમાપ્ત કરવા અને વીજળી ચોરી પર અંકુશ મૂકવા માટે કામ કર્યું હતું.

‘દેશભક્ત ટેકનોક્રેટ’નું બિરુદ મળ્યું

તેમણે નેપાળ ઇલેક્ટ્રોનિક ઓથોરિટીના મેનેજિંગ ડિરેક્ટર તરીકે બે કાર્યકાળ પૂરા કર્યા. પહેલો કાર્યકાળ 2016-2020માં અને બીજો 2021-2025માં. તેમની સૌથી મોટી સિદ્ધિ લાંબા સમયથી ચાલી રહેલી વીજળી કાપની સમસ્યાને સમાપ્ત કરવાની હતી, જેનાથી તેઓ લોકપ્રિય બન્યા અને તેમને 'દેશભક્ત ટેકનોક્રેટ'નું બિરુદ આપવામાં આવ્યું. તેમના કાર્યકાળમાં ઘણા શહેરોમાં વીજળીની સતત અને સ્થિર સપ્લાય થઈ અને સમગ્ર વીજળી વ્યવસ્થા પહેલા કરતાં ઘણી સારી સ્થિતિમાં આવી ગઈ.

તેમણે વીજળી ઉત્પાદન, ટ્રાન્સમિશન અને વિતરણ પ્રણાલીમાં સુધારા કર્યા, વીજળીની ચોરી અને બગાડ ઘટાડ્યો અને વીજળીની નિકાસ અને આયાતને સંતુલિત કરી.

સસ્પેન્ડ થવા છતાં લોકપ્રિયતા અકબંધ

માર્ચ 2025માં, તેમને NEAમાંથી હટાવી દેવામાં આવ્યા, જ્યારે તેમનો બીજો કાર્યકાળ પૂરો થવામાં ચાર મહિના બાકી હતા. તેમને હટાવવા પાછળ ઘણા આરોપો હતા. જેમકે  સમયસર પ્રદર્શન રિપોર્ટ ન આપવો, ભારત સાથેના વીજળીના આદાન-પ્રદાન કરારોમાં મંજૂરી ન લેવી, સરકારી નિર્દેશોની અવગણના કરવી અને બોર્ડના નિર્ણયોમાં અવરોધ ઊભો કરવો. જોકે, આ બધાથી તેમની હીરોની છબી પર કોઈ ખાસ અસર થઈ નહીં, કારણ કે વીજળી કાપની સમસ્યાથી સામાન્ય જીવન સતત પ્રભાવિત થયું હતું અને ઘિસિંગના કાર્યકાળમાં આ સમસ્યા મોટાભાગે હલ થઈ ગઈ હતી.

આ પણ વાંચો: નેપાળમાં અજંપાના કારણે ભારતીય સરહદો પર હાઈ ઍલર્ટ, જેલથી ભાગેલા 35 કેદીઓની ધરપકડ

શું છે મામલો?

નેપાળમાં તાજેતરમાં સરકારે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારબાદ ખાસ કરીને યુવા વર્ગ આ પ્રતિબંધના વિરોધમાં રસ્તા પર ઉતર્યો. જોતજોતામાં આ વિરોધ પ્રદર્શન હિંસક બન્યું. લોકોએ સરકારના ભ્રષ્ટાચાર અને નિષ્ફળતા વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું. ત્યારબાદ વડાપ્રધાન કે. પી. શર્મા ઓલીએ રાજીનામું આપવું પડ્યું. હવે નેપાળમાં પરિસ્થિતિ તણાવપૂર્ણ છે અને અહીં કાર્યકારી વડાપ્રધાન બનાવવાની કવાયત તેજ થઈ છે.

કોણ છે કુલમન ઘિસિંગ? જેમને PM બનાવવા માંગે છે Gen-Z, ભારત સાથે ખાસ કનેક્શન 2 - image

Tags :