નેપાળમાં અજંપાના કારણે ભારતીય સરહદો પર હાઇ ઍલર્ટ, જેલથી ભાગેલા 35 કેદીઓની ધરપકડ
Nepal India border high alert: ભારત-નેપાળ સરહદ પર સશસ્ત્ર સીમા દળે(SSB) મોટી કાર્યવાહી કરતાં નેપાળની જેલોમાંથી ભાગી ગયેલા 35 કેદીઓને પકડી પાડવામાં આવ્યા છે. આ કેદીઓ નેપાળમાં હાલમાં અશાંતિ અને હિંસા દરમિયાન વિવિધ જેલમાંથી ભાગી ગયા હતા.
પકડાયેલા કેદીઓની સંખ્યા હજુ વધી શકે છે
SSB એ ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં આ ફરાર કેદીઓને સરહદ પાર કરવાની કોશિશ કરતાં પકડાયા હતા. અધિકારીઓનું કહેવું છે કે, સીમા પર હાઇઍલર્ટ આપવામાં આવી છે અને પકડાયેલા કેદીઓની સંખ્યા હજુ વધી શકે છે. નેપાળમાં બગડેલી પરિસ્થિતિ વચ્ચે ભારતે તેની સરહદ વધુ મજબૂત કરી લીધી છે, જેથી કરીને કોઈ આરોપી ભારતીય સીમામાં પ્રવેશી ન થઈ શકે.
નેપાળમાં તાજેતરના ‘Gen Z’ના હિંસક વિરોધ પ્રદર્શનોના કારણે પરિસ્થિતિ ગંભીર બની છે. આ વિરોધ પ્રદર્શનો વચ્ચે નેપાળના 77 જિલ્લાઓની જેલોમાંથી હજારો કેદીઓ ભાગી ગયા છે. નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ રાજીનામું આપવું પડ્યું, જેના પછી ત્યાંની કાયદા-વ્યવસ્થાની સ્થિતિ અત્યંત બગડી ગઈ છે.
SSB ભાગી ગયેલા કેદીઓને ભારતમાં ઘૂસે તે પહેલા જ પકડ્યા
નેપાળ આર્મીને જેલોની આસપાસ તહેનાત કરી દેવામાં આવી છે, પરંતુ પરિસ્થિતિ હજુ પણ તણાવપૂર્ણ છે. આ દરમિયાન ભારત દ્વારા SSBએ પોતાની જવાબદારી સંતોષકારક રીતે નીભાવીને ભાગી ગયેલા કેદીઓને ભારતમાં ધૂસે તે પહેલા જ પકડી પાડ્યા છે.
ક્યાં ક્યાં કાર્યવાહી કરવામાં આવી?
SSB એ ઉત્તર પ્રદેશમાં 22, બિહારમાં 10 અને પશ્ચિમ બંગાળમાં ત્રણ કેદીઓને પકડ્યા હતા. આ બધા કેદીઓ કોઈ પણ દસ્તાવેજો વિના ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. SSB એ સરહદ પર સતર્કતા વધારી દીધી અને આવતા-જતાં દરેક વ્યક્તિની કડક તપાસ શરુ કરી દીધી છે.
નેપાળથી ભાગીને ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા
ગુપ્ત માહિતી અને પેટ્રોલિંગ વધુ તીવ્ર કરવામાં આવી છે, જેથી કોઈ ભાગી ગયેલો કેદી ભારતીય સરહદમાં પ્રવેશી ન શકે. બુધવારે, ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લામાં વધુ પાંચ કેદીઓ પકડાયા હતા, જેઓ નેપાળથી ભાગીને ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
ભારતની સતર્કતાએ આ ગુનેગારોના પ્લાનને નિષ્ફળ
પકડાયેલા તમામ કેદીઓને સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યા છે, જ્યાં તેમની ઓળખ અને ગુનાઓની તપાસ કરવામાં આવી રહી છે. SSBના એક અધિકારીએ જણાવ્યું હતું કે, નેપાળમાં ‘Gen Z’ આંદોલને હિંસક સ્વરુપ ધારણ કર્યું છે. જેના કારણે ત્યાંની જેલોમાં ભાગવું સરળ બન્યું હતું. સુરક્ષા કર્મચારીઓને ધમકી આપીને કેદીઓ જેલમાંથી ભાગી જવામાં સફળ રહ્યા. પરંતુ ભારતની સતર્કતાએ આ ગુનેગારોના પ્લાનને નિષ્ફળ બનાવ્યા.