Korea Conflict : વિશ્વમાં ભારે ઉથલપાથલ વચ્ચે કિમ જોંગ ઉનના બહેને ટેન્શન વધાર્યું! ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનની બહેન કિમ યો-જોંગે દક્ષિણ કોરિયાથી ડ્રોન ઘૂસાડવા મામલે વિગતે સ્પષ્ટીકરણની માગ કરી છે. ઉત્તર કોરિયાનો દાવો છે કે, ડ્રોન દક્ષિણ કોરિયાથી તેમની સીમામાં ઘૂસ્યું હતું. યોનહાપ ન્યૂઝ એજન્સી અનુસાર, વર્કર્સ પાર્ટી ઓફિ કોરિયાની સેન્ટ્રલ કમિટીએ વાઈસ ડિપાર્ટમેન્ટ ડાયરેક્ટર કિમ યો-જોંગે આ ટિપ્પણી કરી હતી.
સાઉથ કોરિયાને આપી ચેતવણી
કિમ યો-જોંગે કહ્યું કે, 'રિપબ્લિક ઓફ કોરિયા (ROK) સેનાએ સમજદારીપૂર્વક જાહેરાત કરી કે આ તેમના દ્વારા થયું નથી અને તેઓનો કોઈ પ્રકારે ઉશ્કેરણી કરવાનો ઇરાદો નહોતા, પરંતુ ડ્રોન ઘટના અંગે વિગતવાર માહિતી પૂરી પાડવી જોઈએ.' તેમનું નિવેદન ઉત્તર કોરિયાની સમાચાર એજન્સી, KCNA દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું.
કિમે ચેતવણી આપી હતી કે, જો વધુ કોઈ ઉશ્કેરણી થશે તો ભયાનક પરિણામ આવશે. કિમે કહ્યું કે, 'એ સ્પષ્ટ છે કે, ROKના ડ્રોને અમારા દેશના એરસ્પેસનું ઉલ્લંઘન કર્યુ છે. જો ROK ભવિષ્યમાં ફરીથી ઉશ્કેરવાની કાર્યવાહી કરશે તો ભયાનક પરિણામ ભોગવવું પડશે.'
ઉત્તર કોરિયાનો દાવો છે કે, ડ્રોનમાંથી લીધેલા વીડિયોમાં યુરેનિયમ ખાણ, કેસોંગમાં બંધ આંતર-કોરિયન ઔદ્યોગિક પરિસર અને ઉત્તર કોરિયાની સરહદી ચોકીઓની તસવીર પણ દેખાઈ છે. કિમે ચેતવણી પણ આપી હતી કે, જો તેઓ આને કોઈ સિવિલિયન સંગઠનનું કામ ગણાવે છે અને પછી એવી થિયરી આપવાનો પ્રયાસ કરે છે કે તે સાર્વભૌમત્વનું ઉલ્લંઘન નથી, તો તેઓ ડેમોક્રેટિક પીપલ્સ રિપબ્લિક ઓફ કોરિયા(DPRK)ના નાગરિક સંગઠન દ્વારા મોકલવામાં આવેલા મોટી સંખ્યામાં UAV જોશે.
દક્ષિણ કોરિયાના રક્ષા મંત્રાલયે શું કહ્યું?
દક્ષિણ કોરિયાના રક્ષા મંત્રાલયે આ આરોપોને નકાર્યા હતા અને કહ્યું કે, 'અમારા સૈન્ય મોડલનું ડ્રોન નહોતું. આ મામલે તપાસ ચાલી રહી છે કે કોઈ ખાનગી સંસ્થા આમાં સામેલ છે કે નહીં. આ ઘટના બંને દેશ વચ્ચે તણાવ વધારી રહી છે અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપ્રમુખ લી જે-મ્યુંગે તપાસના આદેશ આપ્યા છે.'
દક્ષિણ કોરિયાની કાંગનમ્હ યુનિવર્સિટી ખાતે ઇન્સ્ટિટ્યૂટ ફોર ફાર ઇસ્ટર્ન સ્ટડીઝના પ્રોફેસર લિમ ઈઉલ-ચુલે કિમના નિવેદનને જૂની રીતથી અલગ ન હોવાના સંકેત માન્યુ. તેમના મતે તેઓ જણાવવા માગે છે કે, ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે કાંઈ બદલાશે નહીં અને દુશ્મનાવટ એ જ રહેશે.


