Iran protests : આર્થિક સંકટના નામે ઈરાનમાં શરૂ થયેલું આંદોલન સતત ઉગ્ર રૂપ ધારણ કરી રહ્યું છે. મોંઘવારી અને બેરોજગારી મુદ્દે શરૂ થયેલા આંદોલનમાં હવે સુપ્રીમ લીડર આયાતોલ્લાહ ખામેનેઈને પદથી હટાવવા માંગ કરવામાં આવી રહી છે. એવામાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકા ઈરાનને 'સ્વતંત્રતા' અપાવવા મદદ માટે તૈયાર છે.
100થી વધુ શહેરોમાં હિંસા ફેલાઈ
ઈરાનમાં ઠેર ઠેર વિવિધ શહેરોમાં થઈ રહેલા દેખાવોમાં અનેક લોકોના મોતની પણ આશંકા છે. સ્થિતિ પર કાબૂ મેળવવા માટે સાતમી જાન્યુઆરીથી ઈન્ટરનેટ અને મોબાઈલ સેવાઓ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેહરાન, તબરેઝ, મશહદ સહિતના 100 શહેરોમાં ઉગ્ર હિંસા થઈ રહી છે. બીજી તરફ સુપ્રીમ લીડર આયાતોલ્લાહ ખામેનેઈએ આ આંદોલન પાછળ વિદેશી શક્તિઓનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે. ઈરાનની સરકારે ચેતવણી આપી છે કે આંદોલનમાં સામેલ લોકો 'ઈશ્વરના દુશ્મન' છે અને તેમને મોતની સજા પણ આપવામાં આવી શકે છે.
ઈરાનને સ્વતંત્રતા અપાવવા અમેરિકા તૈયાર: ટ્રમ્પ
અમેરિકા પણ ઈરાનના આંદોલનને સતત સમર્થન આપી રહ્યું છે. હાલમાં જ અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ આંદોલનકારીઓને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. એવામાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ઈરાનની સરકારને ચેતવણી આપી છે. ટ્રમ્પે કહ્યું છે, કે સત્તા પરિવર્તનમાં અમેરિકા મદદ કરશે, ઈરાનને 'સ્વતંત્ર' કરાવવા માટે અમે તૈયાર છીએ.
પહેલવીએ કહ્યું- મુખ્ય શહેરો પર કબજો કરી લો
ઈરાનના પૂર્વ રાજકુમાર રઝા પહેલવીએ અપીલ કરી છે કે લોકોએ હવે શહેરના મુખ્ય સ્થળો પર કબજો કરી લેવો જોઈએ. પહેલવીએ શનિવારે કહ્યું, કે આપણું લક્ષ્ય માત્ર રસ્તા પર ઊતરવું નથી. શહેરોના પ્રમુખ કેન્દ્રો પર કબજો કરી લો. દેશભરમાં મોટી સંખ્યામાં આંદોલન તેજ કરવું જોઈએ તેથી વર્તમાન સત્તાધીશો પર દબાણ વધારી શકાય. અર્થવ્યવસ્થા સાથે જોડાયેલા કર્મચારીઓએ હડતાળ પર ઉતરી જવું જોઈએ. ટ્રાન્સપોર્ટ, ઓઇલ, ગેસ સહિતના સેક્ટરના કર્મચારી કામ બંધ કરી દેશે તો સરકાર ઘૂંટણીયે આવી જશે. પહેલવીએ આંતરરાષ્ટ્રીય સમર્થનની પણ માંગ કરી છે. તથા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને હસ્તક્ષેપ કરવાની અપીલ કરી છે.
સરકારે આંદોલન કરી રહેલા લોકોને આતંકવાદી ગણાવ્યા
ઠેર ઠેર ફેલાયેલી હિંસાના કારણે ઈરાનમાં શાળા અને કોલેજો પણ બંધ છે, શિક્ષણ ઓનલાઈન જ આપવામાં આવી રહ્યું છે. ઈરાનની સરકારી ટીવી ચેનલમાં આંદોલન કરી રહેલા લોકોને આતંકવાદી કહીને સંબોધિત કરવામાં આવી રહ્યા છે. સરકારી ટીવી ચેનલમાં કહેવામાં આવ્યું હતું કે હથિયાર સાથે આતંકવાદીઓએ અનેક જગ્યા પર હુમલા કર્યા અને આગચંપી કરી.
નોંધનીય છે કે ઈરાનની અર્થવ્યવસ્થાની ચિંતાજનક સ્થિતિના કારણે આ આંદોલન શરૂ થયા હતા. એક ડોલરની સામે ઈરાની રિયાલની કિંમત 14 લાખ સુધી પહોંચી ગઈ છે. આંદોલન કરી રહેલા લોકો 'ઈસ્લામિક રિપબ્લિક મુરદાબાદ', 'મુલ્લાઓએ જવું પડશે' જેવા નારા લગાવી રહ્યા છે.
ઈરાનમાં રાજાને 'શાહ' કહેવામાં આવતા હતા
1925-1941: રઝા શાહ પહેલવી
ઈરાનમાં આધુનિક રાજાશાહીનો યુગ વર્ષ 1925માં શરુ થયો હતો. રઝા શાહ પહેલવીએ 'પર્શિયા'નું નામ બદલીને 'ઈરાન' રાખ્યું.
1941-1979: મોહમ્મદ રઝા શાહ પહેલવી
તેઓ રઝા શાહ પહેલવીના પુત્ર હતા. ધાર્મિક નેતાઓ તેમના પશ્ચિમી વિચારોથી નારાજ રહેતા હતા.
16 જાન્યુઆરી, 1979: ઇસ્લામિક ક્રાંતિ
વધતા વિરોધ પ્રદર્શનોને કારણે રાજા ઈરાન છોડીને ભાગી ગયા. 2500 વર્ષ જૂની રાજાશાહીનો અંત આવ્યો.
ઈરાનને સત્તાવાર રીતે 'ઇસ્લામિક રિપબ્લિક' જાહેર કરવામાં આવ્યું
1979-1989 : આયાતુલ્લા રુહોલ્લા ખોમેની(પ્રથમ સુપ્રીમ લીડર)નું શાસન રહ્યું. તેમના શાસનમાં ઈરાન-ઈરાક યુદ્ધ થયું.
1989-વર્તમાન : આયાતોલ્લાહ ખામેનેઈ
ખોમેનીના અવસાન બાદ ખામેનેઈ સુપ્રીમ લીડર બન્યા અને ત્યારથી જ તેઓ ઈરાનના શાસક છે.
ઈરાનમાં રાષ્ટ્રપતિ જનતા દ્વારા ચૂંટાય છે, પરંતુ તેઓ સુપ્રીમ લીડરની આજ્ઞા અનુસાર શાસન કરે છે.


