- હીઝ મેજેસ્ટી કિંગ ચાર્લ્સ અમેરિકી સંસદને સંબોધન કરશે
- કિંગ ચાર્લ્સ અને કવીન કેમીલ્લાનું રેડ કાર્પેટ સ્વાગત કરવામાં આવ્યું : રોયલ કપલ 27 એપ્રિલથી 30 એપ્રિલ સુધી અમેરિકાની મુલાકાતે છે
વોશિંગ્ટન (ડીસી) : વ્હાઈટ હાઉસ કોરસ્પોન્ડન્ટસ ડીનર (ડબલ્યુએચસીડી) સમયે થયેલી ગોળીબારીને અવગણી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનિયાએ ઈંગ્લેન્ડના રાજવી હીઝમેજેસ્ટી કિંગ ચાલ્સ ૩જા અને મહારાણી કેમિલ્લાનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
રોયલ કપલ ૨૭ થી ૩૦ એપ્રિલ સુધી અમેરિકાની મુલાકાતે છે. ફોક્સ ન્યૂઝે આજે સવારે (સોમવારે સવારે) આ માહિતી આપતાં જણાવ્યું હતું કે પ્રમુખ ટ્રમ્પે ડબલ્યુ.એચ.ડી.સી.ના કાર્યક્રમ સમયે ઉપસ્થિત થયેલી અંધાધૂંધી વિષે સલામતી અધિકારીઓ સાથે સઘન ચર્ચા કરી હતી, અને પછી જાહેર કર્યું હતું કે રોયલ કપલની મુલાકાત પૂર્વ યોજના પ્રમાણે ચાલુ જ રહેશે.
પત્રકારોએ જ્યારે પૂછ્યું કે તે મુલાકાતનાં ટાઈમ-ટેબલમાં કોઈ ફેરફાર થશે કે કેમ ? ત્યારે પ્રમુખે કહ્યું હતું કે મુલાકાત સમયપત્ર પ્રમાણે જ યોજાશે. તેઓએ વધુમાં કહ્યું કે કિંગ-ચાર્લ્સ એક ગજબની પ્રતિભા છે, અને અમારૃં તંત્ર તેઓની મુલાકાતની રાહ જ જોઈ રહ્યું હતું. તેઓની આ મુલાકાત ઐતિહાસિક બની રહેશે.
સીવીએન ન્યૂઝના ૬૦ મિનિટ કાર્યક્રમમાં આપેલી મુલાકાતમાં પ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે, તે તો મહાન ક્ષણ બની રહેશે. વ્હાઇટ-હાઉસનાં ગ્રાઉન્ડસ ખરા અર્થમાં સલામત છે.
કિંગ ચાર્લ્સ અને કવીન કેમીલ્લાની મુલાકાત વેળાએ શું કરવું અને શું ન કરવું તે જનતાને સમજાવતી ગાઈડ લાઈન્સ પણ અપાઈ ગઈ છે. અમેરિકા બ્રિટનથી સ્વતંત્ર થયું તેની ૨૫૦મી જયંતિ પૂર્વે બ્રિટનના રાજાની મુલાકાતને ઘણું જ મહત્વ અપાઈ રહ્યું છે. તેઓનું રેડ કાર્પેટ સ્વાગત કરવા ઉપરાંત અમેરિકી સંસદને સંબોધન કરવાનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ પૂર્વે તેઓનાં માતુશ્રી કવીન એલિઝાબેથ સેકન્ડે ૧૯૯૧માં અમેરિકી સેનેટ અને હાઉસ ઓફ રેપ્રિઝેન્ટેટીવ્સની સંયુક્ત બેઠકને સંબોધન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, દ્વિતીય વિશ્વયુદ્ધ સમયે કિંગ જ્યોર્જ સીકથ અને કવીન મેરીએ અમેરિકાની મુલાકાત લીધી હતી. તેઓને મોટરમાં બેસાડી તે સમયના અમેરિકાના પ્રમુખ ફેન્કવીન ડીલાનો રૃઝવેલ્ટે લાંબી સેર પણ કરાવી હતી. તે દિવસોની અત્યારે યાદ આવે તે સહજ છે તેમ પણ કેટલાએ વિશ્લેષકોનું કહેવું છે.


