ઉત્તર કોરિયામાં કોરોનાનો પ્રથમ શંકાસ્પદ કેસ, કિમ જોંગ ઉને લાગુ કરી ઈમરજન્સી
પ્યોંગયાંગ, તા. 26 જુલાઈ 2020 રવિવાર
દુનિયાભરમાં કોરોનાનો કહેર ચાલુ છે, આ દરમિયાન ઉત્તર કોરિયામાં કોરોનાનો પહેલો સંદિગ્ધ કેસ સામે આવી ગયો છે. દેશમાં કોરોનાનો આવો પહેલો કેસ સામે આવતા જ ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉને ઈમરજન્સી લાગુ કરી દીધી છે.
ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને ગેરકાયદેસર રીતે સરહદ પાર કર્યા બાદ દક્ષિણ કોરિયામાંથી પાછા ફરેલા એક કોવિડ સંદિગ્ધની જાણકારી સામે આવ્યા બાદ ઈમરજન્સી પોલિટ બ્યુરોની બેઠક બોલાવી અને ઈમરજન્સીની જાહેરાત કરી દીધી.
રિપોર્ટ અનુસાર જો આ કેસની પુષ્ટિ થઈ જાય છે તો આ ઉત્તર કોરિયાઈ અધિકારીઓ દ્વારા સત્તાકીય રીતે સ્વીકાર કર્યાનો કોરોના વાઈરસનો પ્રથમ કેસ હશે.
ઉત્તર કોરિયાની કોરિયન સેન્ટ્રલ ન્યુઝ એજન્સીએ જણાવ્યુ કે એક વ્યક્તિ જે ત્રણ વર્ષ પહેલા દક્ષિણ કોરિયા ગયો હતો, તે આ મહિને સરહદ પાર કરીને પાછો ફર્યો છે. તેવામાં કોવિડ-19 ના આવા લક્ષણ જોવા મળ્યા છે.
જોકે, KCNA એ એ જણાવ્યુ નથી કે શુ તે વ્યક્તિ કોરોના ટેસ્ટ કરાવી ચૂક્યો છે પરંતુ કહ્યુ કે તે વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થઈ છે અને રક્ત સ્ત્રાવ પણ થયો છે. જોકે એ જણાવાયુ છે કે તેમનો મેડિકલ ચેક-અપ જરૂર કરવામાં આવ્યો છે. હાલ તે દેખરેખ હેઠળ છે.
ઉત્તર કોરિયાના ક્યુંગહી યુનિવર્સિટીના એક પ્રોફેસરે જણાવ્યુ કે આ જાહેરાત કરવુ ઘણુ મહત્વપૂર્ણ છે. ના માત્ર એટલે કે ઉત્તર કોરિયા પહેલી વાર શંકાસ્પદ કોરોના વાઈરસ મામલે જણાવી રહ્યુ છે પરંતુ આનાથી એક પ્રકારની મદદની અપીલ થઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે આખી દુનિયા કોરોના વાયરસના કારણે વધતા જતા કોવિડ-19ના કેસોથી પરેશાન છે. મુત્યુના આંકડા પ્રતિ કલાકે ખૂબજ ઝડપથી બદલાઇ રહયા છે ત્યારે આ રોગ કેટલાનો ભોગ લે છે એ અંગે વિશ્વ સમૂદાય ચિંતાતૂર બન્યો છે પરંતુ 2.55 કરોડની વસ્તી ધરાવતા ઉત્તર કોરિયા દેશને કોઇ જ પરવા નથી.
છેલ્લા 70 વર્ષથી કિમ ફેમિલીનું ઉત્તર કોરિયા પર શાસન ચાલે છે જેમણે લોકોને બહારની દુનિયાથી સાવ અલિપ્ત રાખવામાં આવ્યા છે આથી ઉત્તર કોરિયામાં કોરોના વાયરસની કેટલી અસર થઇ છે એ અંગે પણ કશીજ માહિતી મળતી નથી.
એક જ મગની બે ફાડ ગણાતું મૂડીવાદી દક્ષિણ કોરિયા કોરોના વાયરસના સંક્રમણ સામે ઝઝુમી રહયું છે પરંતુ ઉત્તર કોરિયાએ દાવો કર્યો છે પોતાની ભૂમિ પર કોરાના વાયરસના સંક્રમણનો એક પણ કેસ નથી. નિષ્ણાતોનું માનવું છે કે 34 વર્ષનો સરમુખત્યાર કિમ જોંગ ઉને દેશની પ્રજાને કોરેન્ટાઇન કરી હોય એવી સ્થિતિ જોવા મળે છે અને અભિવ્યકિતનું નામો નિશાન નથી આથી ઉત્તર કોરિયાની સાચી પરીસ્થિતિ અંગે દુનિયાને કોઇ જ જાણ થતી નથી. હકિકત તો એ છે કે આ દેશમાં પણ કોરોના વાયરસનું સંક્રમણ ફેલાયું છે પરંતુ દાવો જુદો જ કરવામાં આવી રહયો છે, કિમ જોગ ઉન માથાનો ફરેલો સરમુખ્ત્યાર છે તે ધારે તેવું જ દેશનું ચિત્ર રજુ કરે છે.
કોરોના વાયરસની છેલ્લી અપડેટ આપતી વિવિધ વેબસાઇટ્સ પર પણ ઉત્તર કોરિયાની સ્થિતિ અંગે કોઇ જ માહિતી મળતી નથી. ઉત્તર કોરિયામાં જો કોઇ કોરોનાનું સંક્રમણ જોવા મળેતો દર્દીને ગોળી મારવાનો આદેશ અપાયો હોવાના સમાચાર થોડાક સમય પહેલા સોશિયલ મીડિયા પર વહેતા થયા હતા.