કેનેડાની પોલ ખુલી, ખાલિસ્તાની સંગઠનોને આર્થિક ફન્ડિંગ કરતું હોવાનો રિપોર્ટમાં ખુલાસો
Khalistani Violent: કેનેડા સરકારે તાજેતરમાં જ જાહેર કરેલા '2025 અસેસમેન્ટ ઓફ મની લોન્ડરિંગ એન્ડ ટેરરિસ્ટ ફાઇનાન્સિંગ રિસ્ક્સ ઇન કેનેડા' રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. આ રિપોર્ટ જણાવે છે કે બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ અને ઇન્ટરનેશનલ સિખ યુથ ફેડરેશન જેવા ઘણા ખાલિસ્તાની આતંકવાદી સંગઠનોને કેનેડાથી આર્થિક મદદ મળી રહી છે.
રિપોર્ટ અનુસાર, કેનેડાના કાયદા હેઠળ આતંકવાદી સંગઠનો તરીકે સૂચિબદ્ધ કેટલાક જૂથો જેવા કે હમાસ, હિઝબુલ્લાહ અને ખાલિસ્તાની ઉગ્રવાદી સંગઠનો, રાજકીય રીતે પ્રેરિત હિંસક ઉગ્રવાદ (PMVE) શ્રેણીમાં આવે છે અને તેમને કેનેડાથી નાણાકીય સહયોગ મળતો રહ્યો છે.
ખાલિસ્તાની નેટવર્ક અને ફંડિંગની પદ્ધતિઓ
રિપોર્ટ અનુસાર, ખાલિસ્તાની સંગઠનો પંજાબમાં અલગ રાજ્ય માટે હિંસાનો ઉપયોગ કરે છે અને તેમને કેનેડા સહિત અન્ય દેશોના સમર્થકો પાસેથી આર્થિક મદદ મળે છે. અગાઉ મોટા નેટવર્ક દ્વારા ચાલતું ફંડિંગ હવે ખાલિસ્તાન આંદોલનના સમર્થકો દ્વારા નાના જૂથો અને વ્યક્તિઓ દ્વારા થઈ રહ્યું છે, ભલે તેઓ કોઈ ચોક્કસ સંગઠન સાથે સીધા જોડાયેલા ન હોય.
નોન-પ્રોફિટ અને ચેરિટેબલ સંસ્થાઓ દ્વારા પૈસા ભેગા કરવા
તપાસમાં જાણવા મળ્યું છે કે આ આતંકી સંગઠનોએ પૈસા એકઠા કરવા માટે નોન-પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન (NPOs) અને ચેરિટેબલ સંસ્થાઓનો પણ ઉપયોગ કર્યો છે. જોકે, રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે કેનેડામાં મોટાભાગની NPOsમાં મની લોન્ડરિંગ અને આતંકવાદી ફંડિંગનું જોખમ શૂન્ય છે, પરંતુ કેટલીક સંસ્થાઓના કિસ્સામાં આ જોખમ વધુ હોઈ શકે છે.
ભારત-કેનેડા સંબંધ
ખાલિસ્તાની ઉગ્રવાદનો ઉલ્લેખ એવા સમયે થયો છે જ્યારે ભારત અને કેનેડાના સંબંધોમાં ધીમે ધીમે સુધારો જોવા મળી રહ્યો છે. માર્ક કાર્નીની સરકાર સત્તામાં આવ્યા બાદ બંને દેશોએ તાજેતરમાં એકબીજા માટે નવા હાઈ કમિશનરની નિમણૂક કરી છે.
ઉલ્લેખનીય છે કે, ભૂતપૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના કાર્યકાળમાં સંબંધોમાં તણાવ આવ્યો હતો, જ્યારે તેમણે ભારત પર કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. ત્યાર બાદ ભારત અને કેનેડા વચ્ચે ઘણા ઉચ્ચ-સ્તરીય રાજદ્વારીઓને દેશનિકાલ કરવામાં આવ્યા હતા. નવા રિપોર્ટથી એ સ્પષ્ટ થયું છે કે કેનેડામાં સક્રિય ખાલિસ્તાની તત્વો હજુ પણ વિદેશમાં રહેતા શીખ સમુદાય અને નોન-પ્રોફિટ સંસ્થાઓ દ્વારા પોતાની ગતિવિધિઓ ચાલુ રાખી રહ્યા છે.