પાકિસ્તાની મૂળના શબાના મહેમૂદ બ્રિટનના ગૃહમંત્રી બનતાં હોબાળો, PM સ્ટાર્મરે લીધો હતો નિર્ણય
Shabana Mahmood: બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટારમરે નાયબ વડાપ્રધાન એન્જેલા રેયનરના રાજીનામા બાદ તેમની કેબિનેટમાં મોટો ફેરફાર કર્યો. રેયનરે એપાર્ટમેન્ટ ખરીદવામાં સ્ટેમ્પ ડ્યુટી ઓછી ચૂકવી હોવાથી રાજીનામું આપ્યું હતું. આ ફેરફારમાં, પાકિસ્તાની મૂળના સાંસદ અને બ્રિટનના સૌથી વરિષ્ઠ મુસ્લિમ મહિલા રાજકારણી શબાના મહમૂદને નવા ગૃહમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની આ નિમણૂકે સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા જગાવી છે.
કોણ છે શબાના મહમૂદ?
44 વર્ષીય શબાના મહમૂદનો જન્મ બર્મિંગહામ, બ્રિટનમાં થયો હતો અને તેમના માતા-પિતા મૂળ કાશ્મીરી છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં ભણેલા શબાના એક ભૂતપૂર્વ બેરિસ્ટર છે અને 2010થી બર્મિંગહામના લેડીવુડથી સાંસદ છે. તેઓ બ્રિટનના સૌથી વરિષ્ઠ મુસ્લિમ મહિલા રાજકારણી છે અને લેબર પાર્ટીમાં એક ભરોસાપાત્ર અને કટ્ટર સમર્થક માનવામાં આવે છે. તેમણે અગાઉ પણ ઘણાં પોર્ટફોલિયો સંભાળ્યા છે, પરંતુ ભૂતપૂર્વ લેબર નેતા જેરેમી કાર્બાઈનની ટીમનો તેઓ ભાગ નહોતા.
હવે ગૃહમંત્રી તરીકે, તેમને ઇમિગ્રેશન નાની બોટથી થતી ગેરકાયદેસર સરહદ પાર અને શરણાર્થીઓ માટેની હોટલો જેવા સંવેદનશીલ મુદ્દાઓનો સામનો કરવો પડશે. તેમની નિમણૂકે સોશિયલ મીડિયા પર તીખી પ્રતિક્રિયાઓ ઊભી કરી છે. X પર ઘણા યુઝર્સે તેને લઘુમતી સમુદાયોના વધતા રાજકીય પ્રભાવ અને એકીકરણનું પ્રતીક ગણાવ્યું. જ્યારે કેટલાક યુઝર્સે તેમની સખત ઇમિગ્રેશન નીતિઓ માટે તેમની નિમણૂક પર ચિંતા વ્યક્ત કરી છે.
કેબિનેટમાં મોટા ફેરફાર
રેયનરની જગ્યાએ વિદેશ મંત્રી ડેવિડ લામીને નાયબ વડાપ્રધાન બનાવવામાં આવ્યા છે. હવે લામીનો વિદેશ મંત્રાલયનો હવાલો ગૃહમંત્રી યવેટ કૂપર સંભાળશે. લામી હવે નાયબ વડાપ્રધાન હોવાની સાથે સાથે ન્યાય મંત્રાલય પણ જોશે. સ્ટારમરે પર્યાવરણ, વેપાર અને વિજ્ઞાન-ટેકનોલોજી વિભાગોમાં પણ ફેરફાર કર્યા છે અને બે મંત્રીઓને કેબિનેટમાંથી બહાર કરી દીધા છે.
સરકાર પર વધતું સંકટ
સ્ટારમરે જુલાઈ 2024માં 14 વર્ષ જૂની કન્ઝર્વેટિવ સરકારનો અંત લાવીને વડાપ્રધાનનું પદ સંભાળ્યું હતું. પરંતુ ત્યારથી તેમની સરકાર ઘણા મુદ્દાઓ પર ડગમગી રહી છે - કલ્યાણકારી યોજનાઓ અને વડીલો માટેના ઇંધણ લાભ પર યુ-ટર્ન લેવો પડ્યો, જ્યારે અર્થતંત્રને વેગ આપવાનું વચન અધૂરું રહ્યું. આવનારું બજેટ પણ મુશ્કેલ માનવામાં આવે છે.
આ સાથે, નાની બોટ દ્વારા આવી રહેલા ગેરકાયદેસર પ્રવાસીઓને રોકવામાં નિષ્ફળતાએ કડક વલણ ધરાવતી નાઇજેલ ફરાજની રિફોર્મ યુકે પાર્ટીને મજબૂતી આપી છે, જે હવે લોકપ્રિયતામાં લેબર પાર્ટીથી આગળ નીકળી ગઈ છે. હવે આ પડકારનો સામનો કરવાની જવાબદારી શબાના મહમૂદ પર હશે.
રેયનરનો વિવાદ અને રાજીનામું
45 વર્ષીય એન્જેલા રેયનરે બુધવારે સ્વીકાર્યું કે તેમણે હવમાં ખરીદેલા 8 લાખ પાઉન્ડના એપાર્ટમેન્ટ પર સ્ટેમ્પ ડ્યુટી ઓછી ચૂકવી હતી.
તપાસમાં જાણવા મળ્યું કે તેમણે જૂના ઘરમાં હિસ્સો હોવા છતાં, નવા ફ્લેટને મુખ્ય નિવાસ તરીકે નોંધાવીને લગભગ 40,000 પાઉન્ડનો કર બચાવ્યો હતો. આ ભૂલ સ્વીકારીને તેમણે રાજીનામું આપ્યું. વડાપ્રધાન સ્ટારમરે તેમના રાજીનામા પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે તેઓ હજુ પણ પાર્ટીમાં મહત્ત્વપૂર્ણ રહેશે.