ઈમરાનખાનને બીજી જેલમાં ટ્રાન્સફર કરાયા, 10 ઓક્ટોબર સુધી જયુડિશિયલ કસ્ટડી લંબાવાઈ
Updated: Sep 27th, 2023
image : twitter
ઈસ્લામાબાદ,તા.27 સપ્ટેમ્બર 2023,બુધવાર
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાનખાન અને પૂર્વ વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી 10 ઓક્ટોબર સુધી જેલમાં જ રહેશે. એક વિશેષ કોર્ટ દ્વારા તેમની જયુડિશિયલ કસ્ટડી ત્રીજી વખત લંબાવવામાં આવી છે.
પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનને બીજી તરફ મંગળવારે અટક જેલમાંથી રાવલપિંડીની અદિલાયા જેલમાં ખસેડવામાં આવ્યા છે. હાઈકોર્ટના આદેશ બાદ સરકાર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.
ઈમરાન ખાન સામે તોષાખાનામાં મળેલી ભેટ સોગાદો વેચી દેવાની સાથે સાથે પાકિસ્તાન અને અમેરિકા વચ્ચેના ગુપ્ત સંદેશાઓ લીક કરવા બદલ પણ કાર્યવાહી કરવામાં આવી છે. તોષાખાના કેસમાં તો ઈમરાન ખાનની સજાને ઈસ્લામાબાદ હાઈકોર્ટ દ્વારા 29 ઓગસ્ટે સસ્પેન્ડ કરવામાં આવી હતી પણ ગુપ્ત સંદેશા લીક કરવાના મામલામાં તેઓ હજી જેલમાં રહેશે.
સુનાવણી બાદ ઈમરાન ખાનને 10 ઓક્ટોબર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાનો કોર્ટે આદેશ આપ્યો હતો. ઈમરાન ખાનની જ્યુડિશિયલ કસ્ટડી ત્રીજી વખત વધારવામાં આવી છે.