Get The App

અમેરિકામાં ચૂંટણીલક્ષી રાજકારણ ચરમસીમાએઃ બાઈડને ટ્રમ્પને ગણાવ્યા 'જાતિવાદી રાષ્ટ્રપતિ'

Updated: Jul 24th, 2020

GS TEAM

Google News
Google News
અમેરિકામાં ચૂંટણીલક્ષી રાજકારણ ચરમસીમાએઃ બાઈડને ટ્રમ્પને ગણાવ્યા 'જાતિવાદી રાષ્ટ્રપતિ' 1 - image


- રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આગામી રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામો સ્વીકાર કરવાની પ્રતિબદ્ધતા દર્શાવવા મનાઈ

વોશિંગ્ટન, તા. 24 જુલાઈ 2020, શુક્રવાર

અમેરિકામાં યોજાનારી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીને લઈ રાજકારણ જોરદાર ગરમાયેલું છે. આ દરમિયાન રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટીના સંભવિત ઉમેદવાર જો બાઈડન વચ્ચે વાકયુદ્ધ પણ ચરમસીમાએ પહોંચ્યું છે. બાઈડને સેવા કર્મચારી આંતરરાષ્ટ્રીય સંઘના એક ઓનલાઈન કાર્યક્રમ દરમિયાન ટ્રમ્પને અમેરિકાના પ્રથમ જાતિવાદી રાષ્ટ્રપતિ ઠેરવ્યા હતા. 

બાઈડને ટ્રમ્પને ગણાવ્યા વંશીય

બાઈડને જણાવ્યું કે, ટ્રમ્પ કોરોના વાયરસ મહામારીને ચાઈનીઝ વાયરસ કહે છે. તે જે રીતે લોકોના રંગ, તેમના રહેવાની જગ્યા અને દેશને આધારે વર્તન કરે છે તેનાથી અમને ચિંતા થાય છે. અમારા ત્યાં પહેલા પણ રંગભેદવાળી નીતિ ધરાવતા લોકો હતા અને હજુ પણ છે. તેમાંથી અનેકે રાષ્ટ્રપતિ બનવા પ્રયત્ન કર્યો પરંતુ ટ્રમ્પ પહેલી એવી વ્યક્તિ છે જે સફળ થઈ. તેમની કામ કરવાની નીતિ લોકોમાં ભાગલા પાડવાની છે. 

ટ્રમ્પના સલાહકારે સંભાળ્યો મોરચો

પ્રતિદ્વંદી જો બાઈડનની ટિપ્પણી અંગે વળતો હુમલો કરતા ટ્રમ્પના ચૂંટણી સલાહકાર કટરિના પિયર્સને જણાવ્યું કે, આ અશ્વેત મતદાતાઓનું અપમાન છે. આ સાથે જ તેમણે રાષ્ટ્રપતિ ટ્રમ્પ તમામ લોકોને પ્રેમ કરે છે તેવો દાવો કર્યો હતો. સાથે જ ટ્રમ્પ બધા લોકોને તેમના અધિકાર અપાવવા કામ કરે છે તેમ પણ કહ્યું હતું. 

હારશે તો ચૂંટણી પરિણામ નહીં માને ટ્રમ્પ?

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામો સ્વીકાર કરવાની પ્રતિબદ્ધતા દર્શાવવા મનાઈ કરી રહ્યા છે. તેમના કહેવા પ્રમાણે આ પ્રકારની ગેરન્ટી આપવી ઉતાવળ ગણાશે. 

15 અંકથી ટ્રમ્પને પછાડીને બાઈડન આગળ

અમેરિકાની ક્વિનિયોક યુનિવર્સિટીના રાષ્ટ્રીય સર્વેક્ષણમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ પ્રતિદ્વંદી જો બાઈડન કરતા 15 અંક પાછળ ચાલી રહ્યા છે. આ સર્વેક્ષણમાં રજિસ્ટર્ડ મતદાતાઓમાંથી 52 ટકા લોકોએ બાઈડનના સમર્થનની વાત કરી હતી. આ તરફ માત્ર 33 ટકા મતદાતાઓએ જ ટ્રમ્પને સમર્થન આપવાની વાત કરી હતી. અમેરિકાની ચૂંટણીમાં અર્થતંત્ર બાદ ચીન પણ એક મોટો મુદ્દો બનીને ઉભર્યું છે. 

વધુ એક સર્વેમાં ટ્રમ્પ પાછળ

અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈ એનબીસી/ડબલ્યુએસજેના સર્વેક્ષણમાં જો બાઈડન પોતાના પ્રતિદ્વંદી ટ્રમ્પ કરતા આગળ નીકળી રહેલા દેખાય છે. આ સર્વેમાં બાઈડનને 51 ટકા લોકોએ પોતાનું સમર્થન આપેલું જ્યારે ટ્રમ્પને 40 ટકા લોકોનું સમર્થન મળ્યું. એક અહેવાલ પ્રમાણે મતદાતાઓ અર્થતંત્ર મામલે ટ્રમ્પના કામથી નારાજ છે. 

Tags :