'અમેરિકાએ સમજી-વિચારીને લીધો નિર્ણય, ઈરાન પાસે હજુ પણ વાતચીતનો મોકો', જેડી વેન્સનું મોટું નિવેદન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

America Strikes in Iran: ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકાએ પણ ઝંપલાવ્યું છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમેરિકાએ ઈરાનની ત્રણ મોટી પરમાણુ સાઇટ્સ- ફોર્ડો, નતાંજ અને ઇસ્ફહાન - પર સફળતાપૂર્વક હવાઈ હુમલા કર્યા છે. ટ્રમ્પના અનુસાર, ફાઈટર વિમાનોએ ફોર્ટોને મુખ્ય રીતે નિશાન બનાવીને બોમ્બમારો કર્યો અને તમામ વિમાન સુરક્ષિત પરત ફરી ચૂક્યા છે. તેમણે આને અમેરિકન સૈન્ય શક્તિની મિસાલ ગણાવી અને કહ્યું કે, હવે શાંતિનો સમય છે. આ હુમલો એવા સમયે થયો, જ્યારે ઈરાનનો પરમાણુ કાર્યક્રમ ઇઝરાયલની સામે ચિંતાનો વિષય બનેલો છે. આ અમેરિકન હુમલા બાદ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે પહેલી પ્રતિક્રિયા આપી છે.
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે ઈરાન પર અમેરિકન હવાઈ હુમલા બાદ પહેલું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, અમેરિકાએ ઈરાનના પરમાણુ કાર્યક્રમને ખુબ લાંબા સમય માટે પાછળ ધકેલી દીધો છે. અને આ કાર્યવાહી અમેરિકાની ગુપ્તચર એજન્સીઓથી મળેલી મજબૂત સૂચનાઓના આધાર પર કરાઈ.
આ પણ વાંચો: ઈરાનને અનેક દેશો ન્યુક્લિયર હથિયાર આપવા તૈયાર, રશિયાના નેતાના દાવાથી સનસનાટી
ઉપરાષ્ટ્રપતિ વેન્સે જણાવ્યું કે, ઈરાન પર હવાઈ હુમલો કરવાનો અંતિમ નિર્ણય બિલકુલ અંતિમ ક્ષણોમાં લેવાયો. અમેરિકાની આ કાર્યવાહીએ ઈરાનના પરમાણુ કાર્યક્રમને અનેક વર્ષો પાછળ ધકેલી દીધો છે. ટ્રમ્પ વહીવટીતંત્રનો ઈરાનમાં 'બૂટ્સ ઓન ધ ગ્રાઉન્ડ' એટલે જમીની સેના મોકલવાનો કોઈ ઇરાદો નથી. અમેરિકા ઈરાન સાથે લાંબાગાળાના સમાધાન માટે વાતચીત કરવા ઈચ્છે છે, પરંતુ કોઈ પણ સ્થિતિ માટે તૈયાર પણ છે. અમે ઈરાનમાં સત્તા પરિવર્તન નથી ઈચ્છતા. વેન્સે ભરોસો વ્યક્ત કર્યો કે આ સંઘર્ષ લાંબુ નહીં ચાલે અને તેને આગળ વધતુ રોકવામાં આવશે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પની કાર્યવાહી તેમની બંધારણીય શક્તિઓ અંતર્ગત હતી અને તેને લઈને કોઈ ભ્રમ ન હોવો જોઈએ. ટ્રમ્પે ઈરાન વિરૂદ્ધ સૈન્ય કાર્યવાહી હળવાશથી નથી લીધી. પરંતુ આ પગલું ભવિષ્યમાં ઈરાન સાથેના સંબંધોને ફરી પાટા પર લાવવા અને વાતચીતનો એક નવો મોકો પણ આપી શકે છે.
આ ઓપરેશનમાં અમેરિકાએ ઈરાનના પરમાણુ કાર્યક્રમને સંપૂર્ણ રીતે નષ્ટ કરી દીધો છે. અમે ઈરાનની તે ક્ષમતાને ખતમ કરી દીધી છે જે તેને ભવિષ્યમાં પરમાણુ હથિયારોની દિશામાં લઈ જઈ શકતી હતી. આ નિર્ણય અચાનક નથી લેવાયો, પરંતુ લાંબી ચર્ચા અને ગુપ્તચર રિપોર્ટ્સના આધારે લેવાયો છે. આ હુમલા છતા અમેરિકા કુટનીતિ માટે રસ્તો ખુલ્લો રાખવા ઈચ્છે છે.









