રશિયામાં શક્તિશાળી ભૂકંપ બાદ 5 મીટરથી ઊંચી સુનામીની લહેરો, અમેરિકા-જાપાન પણ એલર્ટ
Russia Earthquack News : રશિયામાં 8.7ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ બાદથી અનેક દેશોમાં ફફડાટની સ્થિતિ જોવા મળી રહી છે. રશિયા, જાપાન અને અમેરિકા ત્રણેય દેશોમાં સુનામીનું એલર્ટ જાહેર કરાયું છે ત્યારે રશિયા અને જાપાનમાં સુનામીની એન્ટ્રી થઇ ગઈ હોય તેવા અહેવાલ છે.
રશિયામાં શક્તિશાળી ભૂકંપ બાદ 5 મીટરથી ઊંચી સુનામીની લહેરો
સ્થાનિક ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર રશિયાના પેસિફિક ક્ષેત્રમાં સેવેરો અને કુરીલ્સ્કની નજીક સુનામીની લહેરો 3 મીટરથી વધારે ઊંચી ઊઠી હતી. તેમાં સૌથી સૌથી શક્તિશાળી લહેરની ઊંચાઈ 5 મીટર સુધી પહોંચી. પેસિફિક સુનામી એલર્ટ કેન્દ્ર અનુસાર હવાઈના હલેઈવા વિસ્તારમાં લગાવાયેલા ગેજમાં સામાન્ય સમુદ્રની તુલનાએ 4 ફૂટ ઊંચા સુનામીના મોજા રેકોર્ડ થયા હતા.
જાપાનમાં સુનામીની કેવી સ્થિતિ?
જાપાનમાં સુનામીનું એલર્ટ જાહેર કરાયા બાદથી લોકો ધાબે ચઢી ગયા હતા. લોકોને ઈમારત પર ઊભેલા વીડિયો જોઈ શકાય છે. પેસિફિક વોર્નિંગ સેન્ટર કહે છે કે હવાઈ, ચિલી અને જાપાન તથા સોલોમન ટાપુ પર સુનામીની સ્થિતિ સર્જાઈ છે. જાપાનમાં 16 જગ્યાએ સુનામીએ દસ્તક આપી છે. આ દરમિયાન સમુદ્રમાં 40 સે.મી. ઊંચા મોજા જોવા મળ્યા હતા. ઈશિનોમાકી પોર્ટ પર સમુદ્રમાં પચાસ સે.મી. ઊંચા મોજા જોવા મળ્યા હતા. જાપાના હોક્કાઈદોમાં પણ સુનામીની લહેરો જોવા મળી હતી.
9 લાખ લોકો માટે એલર્ટ
જાપાનના ઇશિનોમાકી પોર્ટ પર 50 સેમી (1.6 ફૂટ) ઊંચાઈની સુનામી નોંધાઈ હતી, જે અત્યાર સુધીની સૌથી ઊંચી સુનામી છે. જાપાન સરકારે દરિયાકાંઠાના શહેરોમાંથી 9 લાખ લોકોને સ્થળાંતર કરવાની નોટિસ જારી કરી છે. સુનામીની ચેતવણીને કારણે હવાઈના હોનોલુલુમાં ટ્રાફિક જામ થઈ ગયો છે. ચેતવણીના સાયરન વાગવા લાગ્યા છે અને લોકો ઊંચા સ્થળોએ જઈ રહ્યા છે. હવાઈમાં શાળાઓ પણ બંધ કરી દેવામાં આવી છે.
અમેરિકામાં પણ ચેતવણી જાહેર
યુએસની ભૂકંપ એજન્સી દ્વારા એલર્ટ જાહેર કરાયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સુનામીની ચેતવણી જાહેર કરી હતી. તેમણે ટ્રુથ પર પોસ્ટમાં જણાવ્યું કે કેલિફોર્નિયા અને તટીય વિસ્તારોમાં સુનામી આવી શકે છે એટલે લોકો સાવચેત રહે. ઉલ્લેખનીય છે કે રશિયામાં શક્તિશાળી ભૂકંપ બાદ અનેક ઈમારતોને નુકસાન થયાની તસવીરો સામે આવી છે. દરિયામાં પણ સુનામીની એક્ટિવિટી જોવા મળી રહી છે.