Get The App

ટ્રમ્પના નવા ટેરિફ, આયાત કરેલી ટ્રક અને તેના પાર્ટ્સ પર 25% અને બસ સામે 10% ઝીંક્યો

Updated: Oct 18th, 2025

GS TEAM

Google News
Google News
Donald Trump Imposes 25% Tariff on Imported Trucks


Donald Trump Imposes 25% Tariff on Imported Trucks : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટૃમ્પ દર થોડા દિવસમાં કોઈ નવા ટેરિફની જાહેરાત કરતાં રહે છે. જેના કારણે વિશ્વભરમાં વેપારમાં અસ્થિરતા આવી છે. ટ્રમ્પે હવે અમેરિકામાં આયાત થતી મધ્યમ અને ભારે ટ્રકો પર 25% ટેરિફ અને આયાત કરાયેલી બસો પર 10% ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરી છે. નવા ટેરિફ પહેલી નવેમ્બરથી લાગુ થશે. 

ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું? 

ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી ટ્રક પર ટેરિફની જાહેરાત કરી. તેમનો દાવો છે કે આ ટેરિફના કારણે અમેરિકામાં ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે, અમેરિકામાં જ ટ્રક બનાવતી કંપનીઓને સીધો લાભ મળશે. વિદેશી ડમ્પિંગથી બચી શકાશે તથા અમેરિકાના શ્રમિકોને પણ લાભ મળશે. 

નોંધનીય છે કે અમેરિકામાં નાના વાહનોની આયાત પર 15% ટેરિફ વસૂલવામાં આવે છે. જે માટે જાપાન અને યુરોપ સાથે ડીલ કરવામાં આવી છે. અધિકારીઓના મતે, આ ટેરિફ રાષ્ટ્રીય સુરક્ષાના આધારે લગાવવામાં આવી રહ્યા છે અને તેનો ઉદ્દેશ્ય વધુ ઓટો ઉત્પાદનને અમેરિકામાં સ્થાનાંતરિત કરવાનો છે. જોકે, આ નિર્ણય મેક્સિકો માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે, કારણ કે તે અમેરિકાને મધ્યમ અને ભારે ટ્રકોનો સૌથી મોટો નિકાસકાર દેશ છે.

ટ્રમ્પના આદેશથી વાહન નિર્માતાઓને 3.75% ક્રેડિટ

ટ્રમ્પના આદેશ અનુસાર, 2030 સુધીમાં અમેરિકામાં એસેમ્બલ કરાયેલા વાહનોના સૂચવેલા છૂટક મૂલ્યના 3.75% ક્રેડિટ અમેરિકન વાહન નિર્માતાઓને મળી શકે છે. આ ક્રેડિટ દ્વારા આયાત કરેલા પાર્ટ્સ પર લાગતા ટેરિફનો ખર્ચ ઘટાડવામાં મદદ મળશે. આ ઉપરાંત, અમેરિકન એન્જિન નિર્માણ અને અમેરિકન મધ્યમ તથા ભારે ટ્રક ઉત્પાદન માટે પણ 3.75% ક્રેડિટનું વિસ્તરણ કરવામાં આવ્યું છે.

નવા ટેરિફમાં શું-શું સામેલ?

નવા ટેરિફ હેઠળ કેટેગરી 3થી કેટેગરી 8 સુધીના તમામ ટ્રકનો સમાવેશ થાય છે. જેમાં મોટા પિક-અપ ટ્રક, મૂવિંગ ટ્રક, કાર્ગો ટ્રક, ડમ્પ ટ્રક અને 18-વ્હીલર ટ્રેક્ટરનો સમાવેશ થાય છે. ટ્રમ્પે જણાવ્યું કે અમેરિકન નિર્માતા કંપનીઓને અયોગ્ય વિદેશી સ્પર્ધાથી બચાવવાના હેતુથી આ પગલું લેવામાં આવ્યું છે. 

આ પણ વાંચો: પાકિસ્તાની હવાઈ હુમલામાં જીવ ગુમાવનારા 3 અફઘાની ક્રિકેટર્સ કોણ હતા? દેશમાં શોકનો માહોલ

અમેરિકન ચેમ્બર ઑફ કૉમર્સે ટ્રમ્પને શું અપીલ કરી?

અમેરિકન ચેમ્બર ઑફ કૉમર્સે ટ્રમ્પને ટ્રકો પર ટેરિફ ન લગાવવા વિનંતી કરી હતી, કારણ કે આયાતના મુખ્ય સ્રોત - મેક્સિકો, કેનેડા, જાપાન, જર્મની અને ફિનલેન્ડ - અમેરિકાના સહયોગી હોવાથી રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી નથી. આ નવો આદેશ GM, ફોર્ડ, ટોયોટા, હોન્ડા, ટેસ્લા સહિત અન્ય નિર્માતાઓને આયાતી ઓટો પાર્ટ્સ શુલ્કમાંથી નાણાકીય રાહત પણ આપે છે. વાણિજ્ય વિભાગે જૂનમાં જણાવ્યું હતું કે આયાત શુલ્ક ઘટાડવા માટે એપ્રિલ 2026 સુધી પાત્ર અમેરિકન એસેમ્બલ્ડ વાહનોના મૂલ્યનો 3.75% ઑફસેટ (અને બીજા વર્ષે 2.5%) આપવાની યોજના છે.

ટ્રમ્પના નવા ટેરિફ, આયાત કરેલી ટ્રક અને તેના પાર્ટ્સ પર 25% અને બસ સામે 10% ઝીંક્યો 2 - image

Tags :