More Than 50 Vehicles Collided in Japan: જાપાનમાં નવા વર્ષની રજાઓ માણવા નીકળેલા લોકો માટે શુક્રવારની રાત કાળમુખી સાબિત થઈ હતી. ગુનમા પ્રાંતના મિનાકામી શહેર પાસે એક એક્સપ્રેસ-વે પર બરફના કારણે વાહનો એકબીજા સાથે ટકરાતા મોટો અકસ્માત સર્જાયો હતો. આ એક્સિડન્ટ એટલો ભયાનક હતો કે જોતજોતામાં વાહનોમાં આગ ફાટી નીકળી હતી, જેમાં એક વૃદ્ધ મહિલાનું મોત થયું છે અને અનેક લોકો ઘાયલ થયા છે.
કેવી રીતે સર્જાઈ દુર્ઘટના?
પોલીસના જણાવ્યા અનુસાર, પહેલા બે ભારે ટ્રકો વચ્ચે ટક્કરથી થઈ હતી. રસ્તા પર બરફની ચાદર હોવાને કારણે સપાટી અત્યંત લપસણી હતી. અકસ્માતને કારણે આગળ જામ થઈ ગયો હતો, પરંતુ પાછળથી પૂરઝડપે આવી રહેલા વાહનો બરફ પર સમયસર બ્રેક મારી શક્યા નહીં. પરિણામે એક પછી એક એમ કુલ 50થી વધુ વાહનો એકબીજા સાથે ટકરાયા હતા.
ભીષણ આગ અને 7 કલાકની જહેમત
અકસ્માત બાદ સ્થિતિ ત્યારે વધુ ગંભીર બની જ્યારે વાહનોમાં આગ લાગી. આગ એટલી ઝડપથી ફેલાઈ કે તેણે એક ડઝનથી વધુ ગાડીઓને પોતાની લપેટમાં લઈ લીધી. ફાયર બ્રિગેડને આ આગ પર કાબૂ મેળવતા આશરે 7 કલાકનો સમય લાગ્યો હતો. અનેક વાહનો બળીને રાખ થઈ ગયા છે.
આ પણ વાંચો: ભારત-અમેરિકા ટ્રેડ ડીલમાં મોટો અવરોધ જ ડોનાલ્ડ ટ્રમ્પ, હવે દિલ્હીએ લેવો પડશે નિર્ણય!
આ દુર્ઘટનામાં ટોક્યોની એક 77 વર્ષીય મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. આ ઉપરાંત 26 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 5 લોકોની હાલત અત્યંત ગંભીર હોવાનું હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું છે. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.


