| (IMAGE - IANS) |
India US Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચેના આર્થિક સંબંધોને નવી ઊંચાઈએ લઈ જનારી ટ્રેડ ડીલ હવે અંતિમ તબક્કે આવીને થંભી ગઈ છે. 'ધ એશિયા ગ્રુપ'ના પાર્ટનર અને ઈન્ડિયા પ્રેક્ટિસના ચેર અશોક મલિકે દાવો કર્યો છે કે આ ડીલ અટકી પડવા પાછળનું મુખ્ય કારણ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ છે.
ડીલ તૈયાર, પણ ટ્રમ્પની મંજૂરી બાકી
એક ઈન્ટરવ્યૂમાં અશોક મલિકે જણાવ્યું હતું કે, વર્કિંગ લેવલ પર બંને દેશના અધિકારીઓ વાતચીત પૂર્ણ કરી ચૂક્યા છે અને ડીલના માળખાથી સંતુષ્ટ છે. પરંતુ હવે ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી 'પોલિટિકલ ગ્રીન સિગ્નલ'ની રાહ જોવાઈ રહી છે. ટ્રમ્પના વલણમાં સ્પષ્ટતાના અભાવે આ સમજૂતી પર અંતિમ મહોર લાગી શકતી નથી.
રશિયા પરના ટેરિફ અંગેની મૂંઝવણ
અહેવાલ મુજબ, ટ્રેડ એગ્રીમેન્ટ સિવાય રશિયા પર લાદવામાં આવેલા ખાસ સેન્ક્શન ટેરિફ અંગે પણ ટ્રમ્પનો અંતિમ નિર્ણય લેવાનો બાકી છે. મલિકે કહ્યું કે, 'ટ્રમ્પ રશિયા સાથે જોડાયેલા ટેરિફ બાબતે શું નિર્ણય લેશે, તે અંગેની અનિશ્ચિતતા જ આ ડીલ પૂરી થવામાં સૌથી મોટી રુકાવટ બની રહી છે.'
ભારતની ધીરજ ખૂટી રહી છે
અમેરિકા તરફથી થઈ રહેલા વિલંબને કારણે નવી દિલ્હીમાં અત્યારે નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે. અશોક મલિકના જણાવ્યા અનુસાર, ગ્રાઉન્ડ લેવલ પર બંને પક્ષો મોટાભાગની શરતો પર સંમત થઈ ગયા છે અને તમામ કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ વ્હાઇટ હાઉસ તરફથી અંતિમ જાહેરાતમાં થઈ રહેલા વિલંબને કારણે રાજકીય અનિશ્ચિતતા ઊભી થઈ છે.
જો ટૂંક સમયમાં આ દિશામાં કોઈ નક્કર પ્રગતિ કે પરિણામ નહીં આવે, તો ભારત પોતાના આર્થિક હિતોના રક્ષણ માટે અન્ય દેશો સાથે નવા જોડાણો કે વિકલ્પો પર વિચાર શરૂ કરી શકે છે. જ્યાં સુધી સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી કંઈ પણ કહેવું ઉતાવળ ગણાશે, પરંતુ જો આગામી દિવસોમાં આ ડીલ ફાઈનલ નહીં થાય, તો દિલ્હી તરફથી કોઈ મોટા અને નિર્ણાયક પગલાં લેવામાં આવી શકે છે.


