Get The App

પાકિસ્તાનના જુઠ્ઠાણાની પોલ સેટેલાઈટ તસવીરોથી ખુલી, આતંકી સંગઠન જૈશનું હેડક્વાર્ટર કદમાં બમણું થયું

Updated: Mar 6th, 2025

GS TEAM

Google News
Google News
પાકિસ્તાનના જુઠ્ઠાણાની પોલ સેટેલાઈટ તસવીરોથી ખુલી, આતંકી સંગઠન જૈશનું હેડક્વાર્ટર કદમાં બમણું થયું 1 - image

Jaish E Mohammad News : ઓક્ટોબર 2022માં પાકિસ્તાનને એફએટીએફએ ગ્રે લિસ્ટમાંથી હટાવ્યું હતું અને આતંકવાદ સામે કાર્યવાહી કરી રહ્યું હોવાનો દાવો કર્યો હતો. જોકે આ દાવાની પોલ ખુલ્લી પડી રહી છે. પાકિસ્તાનના બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદના સૌથી મોટા હેડક્વાર્ટરનો વિસ્તાર અનેકગણો વધી ગયો છે, જેની સેટેલાઇટ તસવીરો પણ સામે આવી છે. 

પાકિસ્તાન સરકાર એક તરફ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ પર પ્રતિબંધ મુક્યો હોવાના દાવા કરતી આવી છે જ્યારે સેટેલાઇટ તસવીરોએ તેના આ દાવાને જુઠા સાબિત કરી દીધા છે. આ તસવીરોમાં સામે આવ્યું છે કે પાકિસ્તાનના બહાવલપુરના ઉસ્માન-ઓ-અલી કેમ્પસનો વિસ્તાર અનેકગણો વધ્યો છે. 16 જાન્યુઆરી 2025ના રોજ આ જગ્યાએ એક મોટુ આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં જૈશનો ટોચનો કમાન્ડર તલ્હા અલ-સૈફ પણ હાજર હતો. તલ્હા જૈશના સ્થાપક મસૂદ અઝહરનો ભાઇ છે. 

જૈશના હેડક્વાર્ટરના વિસ્તારમાં વધારો થયો હોવાની સેટેલાઇટ તસવીરો ઇંટેલ લેબ દ્વારા જાહેર કરાઇ હતી, જેના ડેમિયન સાઇમનના જણાવ્યા મુજબ સેટેલાઇટ તસવીરોમાં સ્પષ્ટ દેખાય છે કે સુલ્હાન અલ્લાહ મસ્જિદ પરિસરનો વિસ્તાર ઘણો વધી ગયો છે. નવી ઇમારતો અને સુવિધાઓ પરથી સ્પષ્ટ થાય છે કે આ જગ્યા બહુ જ ગતિથી લોકોને તેમાં સામેલ કરી રહી છે. હાલ પણ ત્યાં નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. ચારેય તરફ સુરક્ષા ગાર્ડ પણ તૈનાત કરાયા છે જેના માટે ઇમારતો બનાવાઇ હોવાનું પણ સેટેલાઇટ તસવીરોમાં સામે આવ્યું હતું.  પાકિસ્તાન સામે આંતરરાષ્ટ્રીય એજન્સી એફએટીએફએ આતંકનું સમર્થન આપવા બદલ બ્લેક લિસ્ટમાં મુક્યું હતું જેમાંથી ઘટાડીને ગ્રે લિસ્ટમાં રાખ્યું હતું. જોકે પાકે. આતંકવાદ સામે કાર્યવાહી કરી હોવાનું નાટક કરીને આ પ્રતિબંધ હટાવડાવી લીધો હતો.