નેતન્યાહૂનો UN-EUને ઠેંગો, ગાઝાની ચારેય તરફ ટેન્ક-સૈનિકો તહેનાત કરી ઘેરાબંધી કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Image Source: Twitter
Israeli Tanks Surround Gaza City: વૈશ્વિક ટીકાનો સામનો કરી રહેલા ઈઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ યુરોપિયન યુનિયન (EU) અને સંયુક્ત રાષ્ટ્ર (UN) ની ચિંતા કર્યા વિના અને તેમને ઠેંગો બતાવતા સતત ગાઝા શહેર પર તાબડતોડ હુમલા કરી રહ્યા છે અને તેની સેના ગાઝા શહેરમાં ઘૂસવા માટે તૈયાર છે. એક અહેવાલમાં જણાવાયું છે કે સેટેલાઈટ ઈમેજરીથી એ વાતનો ખુલાસો થયો છે કે, ઈઝરાયલી સેનાના ટેન્ક ગાઝા શહેરની ચારેબાજુ તહેનાત છે અને તેઓ ગમે ત્યારે જમીની કાર્યવાહી શરૂ કરી શકે છે. ઘણા પ્રત્યક્ષદર્શીઓએ પણ પુષ્ટિ કરી છે કે IDF એ ગાઝા શહેરની ચારેબાજુ ટેન્ક તહેનાત કરી રાખ્યા છે.
ગાઝાની ચારેબાજુ ટેન્ક-સૈનિકો તહેનાત કરી ઘેરાબંદી
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, ઈઝરાયલી ટેન્ક અને સૈનિકો હવે ગાઝા શહેરની ઉત્તરે આવેલા શેખ રાદવાન તળાવ વિસ્તારમાં એકઠા થઈ ગયા છે. મંગળવાર અને બુધવારની સેટેલાઇટ તસવીરો દર્શાવે છે કે ટેન્ક પોતાના અગાઉના સ્થાનોથી ગાઝા શહેર તરફ આગળ વધી ગયા છે, પરંતુ શહેરમાં પ્રવેશ્યા નથી. આ ઉપરાંત બખ્તરબંધ ગાડીઓ ઈઝરાયલ સાથે લાગતી ગાઝાની ઉત્તરી સરહદ પર ઝીકિમ ક્રોસિંગની દિશાથી લગભગ બે કિલોમીટર ઘૂસી અંદર ગઈ છે.
પેલેસ્ટિનિયનો શહેર છોડીને ભાગી રહ્યા
ભારે લશ્કરી તહેનાતી વચ્ચે હજારો પેલેસ્ટિનિયનો શહેર છોડીને ભાગી રહ્યા છે. શહેરની કુલ વસ્તી અંદાજે દસ લાખ છે, પરંતુ તેમાંથી લાખો લોકો ભાગી ચૂક્યા છે. ઈઝરાયલનો દાવો છે કે ગાઝા શહેરમાં તેનું જમીની આક્રમણ હમાસના લશ્કરી માળખાને નષ્ટ કરવાનું છે. અન્ય એક અહેવાલમાં જણાવાયું છે કે, ઈઝરાયલી સૈનિકો અને ટેન્ક બુધવારે ગાઝા શહેરમાં અંદર સુધી ઘૂસી ચૂક્યા છે.
ઈઝરાયલે ગાઝામાં નરસંહાર કર્યો છે
ઈઝરાયલી સેનાએ જાહેરાત કરી છે કે, ગાઝામાં જમીન કાર્યવાહી શરૂ થઈ ગઈ છે, પરંતુ સેટેલાઇટ છબિ દર્શાવે છે કે ટેન્ક હજુ સુધી શહેરમાં પ્રવેશ નથી કરી શક્યા. મહત્ત્વની વાત એ છે કે, ઈઝરાયલનું આ નવું ઓપરેશન આંતરરાષ્ટ્રીય નિંદા અને સંયુક્ત રાષ્ટ્ર તથા અન્ય સંગઠનોની ચેતવણીઓ છતાં ચાલુ છે. EUએ એક દિવસ પહેલા જ ઈઝરાયલ પર ગાઝા યુદ્ધને નવા ટેરિફ અને પ્રતિબંધો લગાવ્યા છે. બીજી તરફ સંયુક્ત રાષ્ટ્રએ પણ ચેતવણી આપી છે કે, ઈઝરાયલી હુમલો પહેલાથી જ ગંભીર માનવતાવાદી સંકટનો સામનો કરી રહેલા ગાઝાને વધુ તબાહ કરી નાખશે. સંયુક્ત રાષ્ટ્રોએ ગાઝાના કેટલાક ભાગોને સત્તાવાર રીતે દુષ્કાળગ્રસ્ત પણ જાહેર કર્યા છે. મંગળવારે, એક સ્વતંત્ર સંયુક્ત રાષ્ટ્રોની તપાસમાં પહેલીવાર તારણ કાઢ્યું કે ઈઝરાયલે ગાઝામાં નરસંહાર કર્યો છે. જોકે, ઈઝરાયલે આ વાતનું ખંડન કર્યું છે.
24 કલાકમાં ગાઝામાં 98 લોકોના મોત
આ વચ્ચે પેલેસ્ટિનિયન આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં ગાઝામાં 98 લોકો માર્યા ગયા છે, જેનાથી યુદ્ધ શરૂ થયા પછી મૃત્યુ પામનારાની સંખ્યા 65,000 થી વધી ગઈ છે.
ગાઝા શહેરમાં ઈઝરાયલના લશ્કરી અભિયાન વચ્ચે પેલેસ્ટિનિયનો મોટી સંખ્યામાં પલાયન કરી રહ્યા છે. ઈઝરાયલે ગાઝા શહેરના દક્ષિણમાં બુધવારથી શરૂ થતા બે દિવસ માટે વધુ એક કોરિડોર ખોલી છે જેથી વધુ લોકો વિસ્તારમાંથી બહાર નીકળી શકે.









