અમદાવાદ પ્લેન ક્રેશ | બોઈંગ અને હનીવેલ કંપની પર USAમાં કેસ, ડિઝાઈનમાં જોખમની જાણ છતાં બેદરકારીનો આરોપ
Air India crash victims families lawsuit : જૂન, 2025માં બનેલી એર ઇન્ડિયા ફ્લાઇટ 171ની ભયાનક દુર્ઘટનામાં 260થી વધુ લોકોનાં મોત થયા હતા. આ ઘટના માત્ર એક દુર્ઘટના નહોતી, પરંતુ સુરક્ષા પ્રણાલીઓમાં રહેલી ખામીઓનો ચોંકાવનારો પુરાવો હતી, જેને લીધે મૃતકોના પરિવારોએ હવે અમેરિકા સ્થિત વિમાન નિર્માતા કંપની ‘બોઇંગ’ અને વિમાનના પાર્ટ્સ બનાવતી કંપની ‘હનીવેલ’ સામે કાનૂની મુકદ્દમો દાખલ કર્યો છે. આ કેસ ફક્ત નાણાકીય વળતર માટે નથી કરાયો, પણ કંપનીઓને તેમની જવાબદારીનું ભાન થાય અને ભવિષ્યમાં આવી દુર્ઘટના ન બને એ માટેનો છે.
અકસ્માતની જડ ખામીયુક્ત સ્વીચ હતી
પરિવારોના દાવા અનુસાર વિમાનના ઇંધણ સ્વીચોમાં ખામી રહેલી હતી. પ્રારંભિક તપાસમાં પણ જાણવા મળ્યું હતું કે, સ્વીચ ‘રન’થી ‘કટ-ઓફ’ સ્થિતિમાં ખસી જતાં એન્જિનને જરૂરી ઇંધણ મળ્યું નહીં. પરિણામે વિમાનને મળતો થ્રસ્ટ બંધ થઈ ગયો અને વિમાન ધરાશાયી થઈ ગયું. આમ વિમાનની ડિઝાઇનમાં રહેલી ખામીને લીધે આ ઘાતક દુર્ઘટના સર્જાઈ હતી.
FAAની સલાહ છતાં કંપનીઓ નિષ્ક્રિય રહી
2018માં અમેરિકાની FAA(ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન)એ ઓપરેટરોને ઇંધણ સ્વીચના લોકીંગ મિકેનિઝમનું નિરીક્ષણ કરવાની સલાહ આપી હતી. પરંતુ, આ સલાહને ફરજિયાત બનાવવામાં આવી નહોતી. તેથી મૃતકોના પરિવારો આક્ષેપ કરે છે કે બોઇંગ અને હનીવેલે જોખમ જાણ્યા છતાં જરૂરી ફેરફાર કર્યા નહીં. એવું કહેવામાં આવે છે કે કંપનીઓએ ન તો એરલાઇન્સને પુરતી ચેતવણી આપી હતી, ન તો વિકલ્પ રૂપે નવા પાર્ટ્સ ઉપલબ્ધ કરાવ્યા હતા.
વ્યવસાયિક લાભે કોર્પોરેટ બેદરકારી સર્જી
કોર્ટ કેસ કરનાર પરિવારોનું કહેવું છે કે, બોઇંગ અને હનીવેલે વ્યવસાયિક લાભને પ્રાથમિકતા આપીને મુસાફરોની સલામતી સાથે સમાધાનકારી વલણ અપનાવ્યું હતું. સલામતીના મુદ્દે ગંભીર પગલાં ભરવાના બદલે તેમણે માત્ર એક આછીપાતળી સલાહ આપી દીધી હતી. તેમની આવી કોર્પોરેટ બેદરકારી હવે કાનૂની પડકાર રૂપે તેમના સામે ઊભી થઈ છે.
બોઇંગની શાખ ધોવાઈ
છેલ્લા કેટલાક વર્ષોમાં બોઇંગ સામે અનેક વિવાદ ઊભા થયા છે— જેમ કે 737 મેક્સના ક્રેશ બનાવો. હવે એર ઇન્ડિયાના 787 ડ્રીમલાઇનર ક્રેશથી આ કંપની પર ફરી આંગળીઓ ઊઠી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે એ પ્રશ્ન પણ ચર્ચામાં છે કે શું મોટી એરોસ્પેસ કંપનીઓ નિયમનકારી સંસ્થાઓ પર પ્રભાવ જમાવી પોતાની જવાબદારીમાંથી છટકી જાય છે?
એર ઈન્ડિયા પરનો મુસાફરોનો વિશ્વાસ પણ ડગી ગયો
આ અકસ્માતે ભારતના એવિએશન સેક્ટરને પણ હચમચાવી દીધો છે. એર ઇન્ડિયા જેવી મોટી અને જૂની એરલાઇનના વિમાનોમાં આવી ખામીઓ હોવાથી એના પરના મુસાફરોના વિશ્વાસને ફટકો પડ્યો છે.
આગળનો માર્ગ
આ અકસ્માત અંગેનો વિગતવાર અહેવાલ 2026માં આવવાનો છે. ત્યાં સુધી પરિવારોને ન્યાય માટે રાહ જોવી પડશે. આ કેસ એક વ્યવસ્થા સામેનો સવાલ છે કે, જ્યારે માનવ જીવનને સુરક્ષિત બનાવતી ટેક્નોલોજીમાં ખામી બહાર આવે, ત્યારે જવાબદાર કોણ ગણાય?