For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સીરિયામાં ઇઝરાયેલનો હુમલો : ઇરાનના બે જનરલનાં મોત

Updated: Apr 3rd, 2024

Article Content Image

- દમાસ્કસમાં ઇરાનના દૂતાવાસ ખાતે ગાઝા અંગેની બેઠક વખતે મિસાઈલો ત્રાટકતાં 6 નાગરિકોનો પણ ભોગ લેવાયો : તંગદિલી વધી

- ઇરાને ઇઝરાયેલ પર વળતા હુમલાની તૈયારી શરૂ કરી, હિઝબુલ્લાહે પણ બદલો લેવાની ધમકી આપતા વણસવાની શક્યતા 

- માર્યા ગયેલા ઇરાનના જનરલે હિઝબુલ્લાહ, હમાસ, હુથી જેવા આતંકી સંગઠનોને ઇઝરાયેલ સામે મદદ કરી હતી

તેહરાન : ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે ગમે ત્યારે યુદ્ધ ફાટી નિકળે તેવી સ્થિતિ ઉભી થઇ છે. ઇઝરાયેલે સીરિયામાં ઇરાનના દુતાવાસ પર મિસાઇલથી હુમલો કર્યો હતો જેમાં ઇરાનના બે જનરલ સહિત આઠ લોકો માર્યા ગયા હતા. આ હુમલાને પગલે હવે ઇરાન વળતો પ્રહાર કરવાની તૈયારીમાં છે. જેને પગલે સ્થિતિ વધુ તંગદીલ બની શકે છે. ઇરાનના મીડિયાએ કહ્યું છે કે ઇરાનના સુપ્રીમ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલે સોમવારે બેઠક યોજી હતી અને ઇઝરાયેલ પર જવાબી હુમલાની ચર્ચા કરી હતી. 

ઇઝરાયેલે સીરિયામાં ઇરાનના દુતાવાસ પર મિસાઇલ હુમલો કર્યો તેમાં ઇરાનના જનરલ મોહમ્મદ રેઝા ઝાહેદી માર્યા ગયા હતા, જેઓ લેબનોન અને સીરિયામાં વર્ષ ૨૦૧૬થી સૈન્યની કમાન સંભાળી રહ્યા હતા. સાથે જ ડેપ્યુટી જનરલ મોહમ્મદ હાદી હજરિહામી તેમજ અન્ય પાંચ અધિકારીઓ પણ માર્યા ગયા હતા. ઇરાનના જનરલ અને અન્ય અધિકારીઓ ગાઝા મુદ્દે બેઠક યોજી રહ્યા હતા ત્યારે જ ઇઝરાયેલે તેમના પર આ મિસાઇલ હુમલો કર્યો હતો. જેને પગલે હવે ઇઝરાયેલ અને ગાઝાપટ્ટીમાં હમાસ વચ્ચે ચાલી રહેલુ યુદ્ધ હવે અન્ય દેશો તરફ પણ ફંટાઇ રહ્યું છે. આગામી દિવસોમાં ઇરાન કોઇ મોટો હુમલો કરવાની તૈયારીમાં છે. સાથે જ તે ઇઝરાયેલના કટ્ટર વિરોધી હમાસ અને અન્ય  હિઝબુલ્લાહ જેવા ઇઝરાયેલ વિરોધી આતંકી સંગઠનોને પણ સમર્થન આપતુ રહેશે. 

ઇઝરાયેલના હુમલામાં ઇરાનના જે જનરલ માર્યા ગયા છે તેઓ હમાસ અને હિઝબુલ્લાહને ખુલ્લેઆમ સમર્થન આપતા રહ્યા છે. આ બન્ને સંગઠનો ઇઝરાયેલ પર ઘણા સમયથી હુમલા કરી રહ્યા છે. જનરલના મોત બાદ ભડકેલા હિઝબુલ્લાહે ઇઝરાયેલને ચેતવણી આપતા કહ્યું છે કે અમે બદલો લઇશું. જનરલ ઝાહેદીએ અમને ઘણી મદદ કરી છે, આ અપરાધ બદલ દુશ્મન ઇઝરાયેલને સજા આપવામાં આવશે. 

છેલ્લા છ મહિનાથી ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, આ દરમિયાન ઇઝરાયેલ સામે હિઝબુલ્લાહ અને હુથીએ પણ મોરચો સંભાળ્યો છે. ઇઝરાયેલ હાલ આ ત્રણેય સંગઠન સામે લડી રહ્યું છે. 

એવામાં હવે ઇરાન સત્તાવાર રીતે સામેલ થવાની તૈયારીમાં છે. ગલ્ફ દેશો સાઉદી અરબ, યુએઇ અને કતારે ઇઝરાયેલના ઇરાનના દુતાવાસ પર હુમલા અને મોતની આકરી ટિકા કરી છે. ઇરાનની સત્તાવાર ન્યૂઝ એજન્સી ઇરનાએ કહ્યું છે કે ઇરાને તેમના દુતાવાસ પર હુમલા માટે ઇઝરાયેલ અને અમેરિકા બન્નેને જવાબદાર ઠેરવ્યા છે.

યુદ્ધમાં આવી ઘટનાઓ બનતી રહે : નેતન્યાહુ 

ઇઝરાયેલ બેફામ : વૈશ્વિક સંસ્થાના સાત કાર્યકર્તાનો ભોગ લીધો

- ઇઝરાયેલના સ્નાઇપર્સે બાળકોને નિશાન બનાવ્યા, માથામાંથી ગોળીઓ મળી : ડોક્ટરો  

ઇઝરાયેલ ગાઝામાં બેફામ હુમલા કરી રહ્યું છે, તેના હુમલામાં હવે વિસ્થાપિતોને મદદ કરનારી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના કાર્યકર્તાઓ પણ ભોગ બની રહ્યા છે. ઇઝરાયેલના આવા જ એક હુમલામાં લોકોને ભોજન આપી રહેલી સંસ્થા વર્લ્ડ સેન્ટ્રલ કિચનના સાત કાર્યકર્તાઓ માર્યા ગયા હતા. જેને પગલે આ સંસ્થાએ હાલ રાહત કાર્યને અટકાવી દીધુ છે. ઇઝરાયેલના આ હુમલાની અમેરિકા, સંયુક્ત રાષ્ટ્ર, બ્રિટન સહિતના દેશોએ ટીકા કરી છે. 

ભારે ટિકા બાદ આખરે ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ પણ સ્વીકાર કર્યો હતો કે હા અમારા હુમલામાં સંસ્થાના સાત લોકો માર્યા ગયા છે. ઇઝરાયેલ સૈન્ય દ્વારા ઇરાદાપૂર્વક આ હુમલો નહોતો કરવામાં આવ્યો. જોકે સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે યુદ્ધની સ્થિતિમાં આવા મોતની ઘટનાઓ પણ થતી રહે છે. ઇઝરાયેલે ગાઝા પટ્ટીમાં કરેલા હુમલામાં વર્લ્ડ સેન્ટ્રલ કિચન સંસ્થાના સાત કાર્યકર્તાઓ માર્યા ગયા હતા. જેની તસવીરો અને વીડિયો સામે આવ્યા છે. જેમાં સંસ્થાના ડ્રેસ પહેરેલા કાર્યકર્તાઓના મૃતદેહો પણ જોવા મળ્યા હતા. 

આ સંસ્થાને સેલિબ્રિટી શેફ જોસ એન્ડ્રૂ ફંડ આપી રહ્યા છે. સંસ્થાએ અનેક યુદ્ધ ક્ષેત્રોમાં વિસ્થાપિત લોકોને મદદ કરી છે. આવી જ મદદ લઇને તેઓ ગાઝા પટ્ટીમાં વિસ્થાપિત થઇ રહેલા લોકો સુધી પહોંચ્યા હતા. તેઓ જ્યારે લોકોને મદદ કરી રહ્યા હતા ત્યારે જ ઇઝરાયેલ દ્વારા તેમના પર બોમ્બમારો કરાયો હતો. સંસ્થાના જે કાર્યકર્તાઓ માર્યા ગયા છે તેઓ ઓસ્ટ્રેલિયા, બ્રિટન, પેલેસ્ટાઇન, પોલેન્ડ, અમેરિકા અને કેનેડાના નાગરિકો હતા. જેને પગલે ઇઝરાયેલની આ દેશોએ પણ ભારે ટિકા કરી છે. 

ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલના ક્રૂરતા બહાર આવી રહી છે. અમેરિકાના અખબાર ધ ગાર્ડિયને પોતાની એક રિપોર્ટમાં દાવો કર્યો છે કે ઇઝરાયેલના હુમલામાં ઘાયલ થયેલા લોકોની સારવાર કરી રહેલા ડોક્ટરોએ કહ્યું છે કે ઇઝરાયેલના સ્નાઇપર ગાઝામાં બાળકોને પણ નિશાન બનાવીને તેમની હત્યા કરી રહ્યા છે. ગાઝાની યુરોપિયન પબ્લિક હોસ્પિટલમાં આવા બાળકોને સારવાર અપાઇ રહી છે. આ હોસ્પિટલના ડોક્ટરોએ મીડિયાને જણાવ્યું હતું કે બાળકોને માથામાં સ્નાઇપર દ્વારા ગોળીઓ મારવામાં આવી છે. બાળકોના શરીરમાંથી મળી આવેલી ગોળીઓની તપાસ કરતા સામે આવ્યું હતું કે આ સ્નાઇપર દ્વારા ઉપયોગમાં લેવાતી બંદુકની ગોળી છે. પેલેસ્ટાઇનના દાવા મુજબ ઇઝરાયેલના હુમલામાં ૩૨ હજાર લોકો માર્યા ગયા છે. પ્રત્યેક ત્રણ મૃતકોમાં એક બાળકનો સમાવેશ થાય છે.

Gujarat