Get The App

કરુણ દૃશ્યો: ભોજનની રાહ જોતી ભીડ પર અંધાધૂંધ ગોળીબાર, ગાઝામાં વધુ 23ના મોત

Updated: Aug 4th, 2025

GS TEAM

Google News
Google News
કરુણ દૃશ્યો: ભોજનની રાહ જોતી ભીડ પર અંધાધૂંધ ગોળીબાર, ગાઝામાં વધુ 23ના મોત 1 - image


Israel Hamas War: ગાઝા પટ્ટીમાં રવિવારે ભોજનની શોધમાં નીકળેલા એક જૂથના લોકોને ઇઝરાયલના સૈનિકોએ ગોળીથી વિંધી નાખ્યા હતા. ભોજન વિતરણ કેન્દ્ર પર ભોજન લેવા આવેલા પેલેસ્ટાઇનના લોકો પર ઇઝરાયલના સૈનિકોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેમાં 23 લોકોના મોત થયા હતા. હૉસ્પિટલના અધિકારીઓ અને પ્રત્યક્ષદર્શીઓએ આ અંગે માહિતી આપી હતી.

કરુણ દૃશ્યો: ભોજનની રાહ જોતી ભીડ પર અંધાધૂંધ ગોળીબાર, ગાઝામાં વધુ 23ના મોત 2 - image

ભોજન લેવા આવેલા પ્રત્યક્ષદર્શી યુસુફ આબેદે જણાવ્યું કે, અમે ભોજન લેવા આ ભોજન વિતરણ કેન્દ્ર પર આવ્યા હતા. જ્યાં અચાનક અંધાધૂંધ ગોળીબાર થવા લાગ્યો હતો. અમે આમ-તેમ દોડવા લાગ્યા, અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. જમીન પર થોડી જ ક્ષણોમાં ચારે બાજુ લાશોના ઢગલાં જોવા મળ્યા હતા. મૃતદેહોની આસપાસ લોહીના ખાબોચિયા થયા હતા. ભીષણ ગોળીબારના કારણે કોઈ મદદે આવી શક્યું નહીં.

કરુણ દૃશ્યો: ભોજનની રાહ જોતી ભીડ પર અંધાધૂંધ ગોળીબાર, ગાઝામાં વધુ 23ના મોત 3 - image

જુદા-જુદા કેન્દ્રો પર કર્યો ગોળીબાર

દક્ષિણ ગાઝાની નાસેર હૉસ્પિટલના વહીવટીતંત્રે જણાવ્યું કે, અનેક ભોજન વિતરણ કેન્દ્રો પર ઇઝરાયલની સેના દ્વારા હુમલા થયા હતા. તૈના વિસ્તારમાંથી આઠ જણ મૃત્યુ પામ્યા. શાકૂશમાં એકને ગોળી વાગતાં મોત થયું હતું. જ્યારે મોરાગ કોરિડોરમાં અંધાધૂંધ ગોળીબારના કારણે નવ લોકોના મોત થયા. આ સિવાય ઇઝરાયલની સરહદમાં થઈને ગાઝા આવી રહેલા ટ્રકની રાહ જોઈ રહેલા લોકો પર પણ હુમલો થતાં અંદાજે 23 લોકોના મોત થયા હતા.

આ પણ વાંચોઃ ભારત પર ટેરિફ મુદ્દે વ્હાઈટ હાઉસના ઝેરીલા નિવેદન, યુક્રેન યુદ્ધમાં ફંડિંગના આરોપ સહિત સંખ્યાબંધ ફરિયાદ

કરુણ દૃશ્યો: ભોજનની રાહ જોતી ભીડ પર અંધાધૂંધ ગોળીબાર, ગાઝામાં વધુ 23ના મોત 4 - image

ઈઝરાયલી સેનાના હુમલા વધ્યા

સેન્ટ્રલ ગાઝામાં આવેલી હોસ્પિટલના વહીવટી તંત્રે પણ જણાવ્યું હતું કે, રવિવારે (3 ઓગસ્ટ) ઈઝરાયલની સેનાએ જીએચએફના ચોથા અને ઉત્તરીય ભોજન વિત્તરણ કેન્દ્ર પર ભીડ પર ખુલ્લેઆમ ફાયરિંગ કર્યું હતું. સૈનિકો આ પ્રકારનું કૃત્ય કરી લોકોને ધમકાવી રહ્યા છે કે, કાં તો ભાગી જાવ અથવા તો ગોળી ખાવ. જેમાં અમુક લોકોને ઠાર પણ કરી રહ્યા છે. નેત્ઝરિમ કોરિડોર નજીક જીએચએફ કેન્દ્ર પર પાંચ લોકોને ઠાર કર્યા હતાં. જ્યારે 27 ઘાયલ થયા હતાં.

કરુણ દૃશ્યો: ભોજનની રાહ જોતી ભીડ પર અંધાધૂંધ ગોળીબાર, ગાઝામાં વધુ 23ના મોત 5 - image

ભોજન વિત્તરણ કેન્દ્રો પર કુલ 859 લોકોની હત્યા

યુએનના રિપોર્ટ અનુસાર, 27 મેથી 31 જુલાઈ દરમિયાન જીએચએફ (ભોજન વિતરણ કેન્દ્રો)માં ઈઝરાયલી સેનાના ગોળીબારમાં કુલ 859 લોકો મોતને ભેટ્યા છે. હજારો લોકો ઘાયલ થયા છે. ઈઝરાયલ હમાસને ઘૂંટણિયે લાવવા ભોજન વિત્તરણ કેન્દ્રોને ટાર્ગેટ બનાવી રહ્યું છે. યુએન સહિત વિવિધ દેશો સીઝફાયર કરવા અપીલ કરી રહ્યા છે. પરંતુ ઈઝરાયલ અને હમાસે આ મુદ્દે હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી.


કરુણ દૃશ્યો: ભોજનની રાહ જોતી ભીડ પર અંધાધૂંધ ગોળીબાર, ગાઝામાં વધુ 23ના મોત 6 - image

Tags :