ગાઝામાં UNએ દુકાળ જાહેર કર્યો, પાંચ લાખ લોકો ભૂખમરાનો શિકાર, ઈઝરાયલે આરોપો નકાર્યા
Gaza Famine : સંયુક્ત રાષ્ટ્રએ શુક્રવારે સત્તાવાર રીતે ગાઝામાં દુકાળની જાહેરાત કરી છે. પશ્ચિમ એશિયામાં આવું પ્રથમ વખત બન્યું છે જ્યારે દુકાળ જાહેર કરવામાં આવ્યો હોય. નિષ્ણાતોના મતે, ગાઝામાં પાંચ લાખથી વધુ લોકો ભયંકર ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. આ પરિસ્થિતિ ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષનું પરિણામ છે.
ચિંતાજનક પરિસ્થિતિ અને ઈઝરાયલ પર આરોપ
સંયુક્ત રાષ્ટ્રના સહાયતા પ્રમુખ ટોમ ફ્લેચરે જણાવ્યું કે, ‘ગાઝાના દુકાળને સંપૂર્ણપણે અટકાવી શકાયો હોત, પરંતુ ઈઝરાયલના અવરોધોને કારણે પેલેસ્ટિનિયન વિસ્તારમાં ખોરાક પહોંચી શક્યો નથી. આ એક એવો દુકાળ છે જેને આપણે રોકી શક્યા હોત.’ બીજી બાજુ ઈઝરાયલે આ આરોપોને નકારી કાઢ્યા છે. ઈઝરાયલના વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, ‘ગાઝામાં કોઈ દુકાળ નથી’" તેમણે રોમના આઈપીસી પેનલના રિપોર્ટની ટીકા કરીને કહ્યું કે, ગાઝામાં દુકાળની વાતો હમાસના જૂઠાણાં પર આધારિત છે.
સંઘર્ષ અને તેની અસરો
ઈઝરાયલ અને હમાસ વચ્ચે સાત ઓક્ટોબર, 2023 થી ચાલી રહેલા યુદ્ધને કારણે ગાઝામાં મોટા પાયે વિનાશ થયો છે. યુદ્ધની શરૂઆત હમાસે ગાઝા પટ્ટીમાંથી ઈઝરાયલ પર હુમલાઓ કરીને કરી હતી. ઈઝરાયલના હવાઈ હુમલાઓમાં ગાઝાને ઘણું નુકસાન થયું છે. આરોપો અનુસાર, ઈઝરાયલે ગાઝામાં ખોરાક, પાણી અને દવા જેવી આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો રોકી રાખ્યો છે, જેના કારણે જીવન અત્યંત મુશ્કેલ બન્યું છે. રેડ ક્રોસ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ ઈઝરાયલને ગાઝાના નાગરિકોની મૂળભૂત જરૂરિયાતો સુનિશ્ચિત કરવા વિનંતી કરી છે.
યુએન રિપોર્ટના તારણો
સંયુક્ત રાષ્ટ્રની એજન્સીઓ ઘણા મહિનાઓથી ગાઝામાં કથળતી માનવીય પરિસ્થિતિ અંગે ચેતવણી આપી રહી હતી. ઈન્ટિગ્રેટેડ ફૂડ સિક્યોરિટી ફેઝ ક્લાસિફિકેશન (IPC)ના તાજેતરના અહેવાલ મુજબ ગાઝા પટ્ટીનો લગભગ 20 ટકા વિસ્તાર દુકાળનો સામનો કરી રહ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 15 ઓગસ્ટ-2025 સુધીમાં ગાઝા શહેર અને તેના પ્રાંતમાં દુકાળ હોવાના પુરાવા છે.
ગાઝાના આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, ઇઝરાયલી હુમલાઓમાં ઓછામાં ઓછા 62,192 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે, જેમાંથી મોટાભાગના નાગરિકો હતા. ગાઝાનું આરોગ્ય મંત્રાલય હમાસ દ્વારા સંચાલિત છે.
ગાઝાના પાંચ લાખ લોકો ભૂખમરામાં હોમાયા
આઈપીસીના અંદાજ મુજબ, 22 મહિનાના સંઘર્ષ પછી પાંચ લાખથી વધુ લોકો ભૂખમરો અને મૃત્યુ જેવી ભયાનક પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છે. એવું અનુમાન છે કે સપ્ટેમ્બરના અંત સુધીમાં આ સંખ્યા વધીને લગભગ 6.41 લાખ સુધી પહોંચી શકે છે. આઈપીસીએ જણાવ્યું કે, ગાઝામાં સ્થાનિક ખાદ્ય પ્રણાલી સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ છે, જેમાં 98% કૃષિ જમીન કાં તો નુકસાન પામી છે અથવા પહોંચની બહાર છે. પશુધનનો નાશ થયો છે અને માછીમારી પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ માનવીય સંકટને પગલે, સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર પ્રમુખે ગાઝાને ભૂખ્યું રાખવાને 'યુદ્ધ અપરાધ' ગણાવ્યો છે.