- હવે યુદ્ધ સમગ્ર મધ્યપૂર્વને આવરી લે તેવી પૂરેપૂરી શંકા
- ઇઝરાયેલ કહે છે તે એરસ્ટ્રાઇક અમે નથી કરી : અમેરિકા કહે છે અમારો તેમાં હાથ નથી : તો પ્રશ્ન તે મિસાઇલ્સ ક્યાંથી આવ્યાં તે પ્રશ્ન અનુત્તર રહે છે
અલ્કાહીરા(કેરો)/દુબાઈ : પેલેસ્ટાઇની નેતા ઇસ્માઈલ હનીયેહની ઇરાનનાં પાટનગર તહેરાનમાં બુધવારે સવારે હત્યા થઇ હતી. આ હત્યાને પગલે હવે ગાઝા યુદ્ધ સમગ્ર મધ્ય પૂર્વને આવરી લેશે તેવી શંકા દ્રઢીભૂત થઇ રહી છે. તેવામાં ઇઝરાયલે જાહેર કર્યું છે કે તે હત્યા અમે કરાવી નથી. તેમ છતાં ઇરાન તરફથી થનારા વળતા પ્રહાર સામે સમગ્ર ઇઝરાયલમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવાયો છે.
ઇઝરાયલ કહે છે કે અમે તે મિસાઇલ્સ વહેતાં મૂક્યાં નથી. અમેરિકા કહે છે કે અમારો તેમાં કશો હાથ નથી. તો પ્રશ્ન છે કે તે મિસાઇલ્સ આવ્યાં ક્યાંથી ?
બીજી તરફ હવે પેલેસ્ટાઇનનાં લશ્કરી જૂથ હમાસે અને ઇરાનના ઇસ્લામિક રીવોલ્યુશનરી ગાર્ડઝે આક્રમણની પૂરી તૈયારીઓ શરૂ કરી દીધી હોવાનું પણ કહેવાય છે. પરિણામે, ગાઝા યુદ્ધ હવે સમગ્ર મધ્ય પૂર્વમાં પ્રસરી જશે તે નિશ્ચિત લાગે છે.
આ દુર્ઘટનાની હકીકત તેમ છે કે ઇરાનના નવા પ્રમુખના શપથ વિધિ સમારોહમાં ભાગ લેવા ગયેલા હનીયાહ, પોતાના ઉતારાનાં સ્થાને શપથ વિધિ પછી પરત આવ્યા ત્યારે તે ઉતારા માટેનાં મહાલય ઉપર એકાએક અનેક મિસાઇલ્સ પડતાં તે મહાલય ધ્વંસ થયું. હનીયાહ અને તેમના અંગરક્ષક પણ શહીદ થયા. આ સાથે ઇજીપ્ત અને કટાર દ્વારા શરૂ કરાયેલી શાંતિ મંત્રણા પણ ધ્વંસ થઇ ગઈ છે.
આ ઘટના અંગે ઘેરૃં દુ:ખ વ્યક્ત કરતાં અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કેને બુધવારે જણાવ્યું હતું કે આ ઘટના અંગે અમોને કોઈ માહિતી જ નથી. અમારો તેમાં કશો હાથ નથી. આ કેમ બન્યું તેનું અનુમાન બાંધવું પણ અતિ મુશ્કેલ છે.
હવે જોઇએ ઇઝરાયલે લખેલો રક્ત રંજિત ઇતિહાસ :
૨૦૧૨ : હમાસની સશસ્ત્ર શાળાના વડા અહમદ ઝબારીની કાર પર એરસ્ટ્રાઇક થતાં તેમનું મૃત્યુ.
૨૦૧૯ : ઇસ્લામિક જેહાદના કમાન્ડર બાહા અબુ અલ આનાનાં ઘર પર એરસ્ટ્રાઇક થતાં તેમનું મૃત્યુ.
૨૦૨૩ : ડીસેમ્બરમાં ઇરાનના ઇસ્લામિક રીવોલ્યુશનરી ગાર્ડના લાંબા સમય સુધી સલાહકાર પદે રહેલા સૈયદ રાઝી મૌસાળનું દમાસ્કસમાં ડ્રોન એટકમાં મૃત્યુ ઇરાને તેનો આક્ષેપ ઇઝરાયલ પર મુક્યો.
૨૦૨૪ : આ વર્ષે જાન્યુઆરી મહિનામાં, બૈરૂત ઉપર થયેલા ઇઝરાયલી ડ્રોન હુમલામાં હમાસના ટોચના અધિકારી સાલેહ અરૌરી માર્યા ગયા.
૨૦૨૪ : એપ્રિલ મહીનામાં, સીરીયા સ્થિત ઇરાનનાં દૂતાવાસ પર ઇઝરાયલી એર સ્ટ્રાઇક થતાં ઇરાનના બે જનરલ્સનાં મૃત્યુ થયાં.
હનીયેહની હત્યા પૂર્વે ૨૪ કલાકે જ લેબેનોનનાં પાટનગર બૈરૂત (બીરૂત)માં હેઝબુલ્લાહના કમાન્ડરને મારી નાખ્યો હોવાની ઇઝરાયલે જાહેરાત કરી હતી. આથી હનીયેહની હત્યા પણ ઇઝરાયલે કરી હોવાની કે કરાવી હોવાની શંકા દ્રઢીભૂત થાય છે. ઇઝરાયલ કે અમેરિકાએ તે હત્યા અંગે હાથ ઉંચા કરી લીધા છે. પરંતુ હવે ઇઝરાયલ હમાસ યુદ્ધ મધ્યપૂર્વમાં પ્રસરવાની પૂરી આશંકા રહેલી છે તેમ જાણકારોનું કહેવું છે. આ સાથે ઇજીપ્ત અને કટાર દ્વારા હાથ ધરાયેલા શાંતિ મંત્રણાના પ્રયાસો પણ ધ્વંસ થયા છે તે નિશ્ચિત છે.


