World

ઇઝરાયલ હમાસ યુદ્ધને બે વર્ષ પૂર્ણ... ટ્રમ્પના શાંતિ પ્રસ્તાવ પર હજુ કેમ છે આશંકા? જાણો તાજેતરની સ્થિતિ

By GS TEAM
7 Oct 20253 mins read
TukuTouch Logo
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ સમાપ્ત કરવા માટે ગાઝા શાંતિ પ્રસ્તાવની પહેલ કરી છે. ઉલ્લેખનીય છે કે 07 ઓકટોબરના રોજ યુદ્ધ શરૂ થયાને મંગળવારે એટલે કે આજે બે વર્ષ પૂરા થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઇઝરાયલ હમાસ યુદ્ધને બે વર્ષ પૂર્ણ... ટ્રમ્પના શાંતિ પ્રસ્તાવ પર હજુ કેમ છે આશંકા? જાણો તાજેતરની સ્થિતિ

Israel Hamas War: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ સમાપ્ત કરવા માટે ગાઝા શાંતિ પ્રસ્તાવની પહેલ કરી છે. ઉલ્લેખનીય છે કે 07 ઓકટોબરના રોજ યુદ્ધ શરૂ થયાને મંગળવારે એટલે કે આજે બે વર્ષ પૂરા થયા છે.

ટ્રમ્પના ગાઝા શાંતિ યોજનાના પ્રસ્તાવને સમર્થન મળ્યા બાદ, ઇઝરાયલ અને હમાસે સોમવારે ઇજિપ્તના શર્મ અલ-શેખ ખાતે અપ્રત્યક્ષ વાટાઘાટો શરૂ કરી છે. આ વાટાઘાટોમાં યુદ્ધવિરામની શરતો નક્કી કરીને, હમાસના બંધકોને ઇઝરાયલના સેંકડો પેલેસ્ટિનિયન કેદીઓના બદલામાં મુક્ત કરવાની યોજના પર ચર્ચા ચાલી રહી છે.

હજારોનો ભોગ લેનાર યુદ્ધના અંતની વાટાઘાટો શરૂ

ડોનાલ્ડ ટ્રમ્પના ગાઝા પીસ પ્લાનને વ્યાપક આંતરરાષ્ટ્રીય સમર્થન મળ્યું છે, જેનાથી બે વર્ષથી ચાલતા વિનાશક યુદ્ધના અંતની આશા જાગી છે. આ યુદ્ધે હજારો પેલેસ્ટિનિયનોનો ભોગ લીધો છે અને ગાઝા પટ્ટીને બરબાદ કરી દીધી છે. યુદ્ધની શરૂઆત 7 ઓક્ટોબર, 2023ના રોજ હમાસના હુમલાથી થઈ હતી, જેમાં 1,200 લોકો માર્યા ગયા અને 251 લોકોનું અપહરણ થયું હતું.

જોકે, આ નવીનતમ શાંતિ યોજનાને લઈને હજુ પણ અનિશ્ચિતતાઓ છે, જેમાં હમાસનું નિઃશસ્ત્રીકરણ અને ગાઝાનું ભવિષ્યનું શાસન મુખ્ય મુદ્દા છે. અમેરિકી વાટાઘાટ ટીમનું નેતૃત્વ દૂત સ્ટીવ વિટકોફ કરી રહ્યા છે. રિપોર્ટ્સ મુજબ, વિટકોફ અને ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનર વાટાઘાટો માટે ઇજિપ્ત પહોંચી ચૂક્યા છે.

બંને પક્ષો વચ્ચે વાતચીતની પહેલ

હમાસે જણાવ્યું છે કે તેના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ મુખ્ય વાટાઘાટકાર ખલીલ અલ-હય્યા કરશે. બીજી તરફ, ઇઝરાયલે કહ્યું છે કે તેના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વડા પ્રધાન નેતન્યાહૂના વિશ્વાસુ અને ટોચના વાટાઘાટકાર રોન ડર્મર કરશે (જોકે તેમની હાજરી અસ્પષ્ટ છે). નેતન્યાહૂની ઓફિસ મુજબ, વિદેશ નીતિ સલાહકાર ઓફિર ફૉક પણ ઇઝરાયલ વતી વાટાઘાટોમાં હાજર રહેશે. આ વાટાઘાટો કેટલો સમય ચાલશે તે હજી સ્પષ્ટ થયું નથી.

બંને પક્ષો બંધકોની કરશે રિહાઈ

ઇઝરાયલના પીએમ નેતન્યાહૂએ વાટાઘાટો વધુમાં વધુ થોડા દિવસો પૂરતી સીમિત રહેશે તેમ કહ્યું છે, જ્યારે ટ્રમ્પે હમાસને ઝડપી પગલાં લેવાની ચેતવણી આપી છે. જોકે, હમાસના અધિકારીઓએ બંધકોના મૃતદેહો શોધવામાં વધુ સમય લાગવાની શક્યતા દર્શાવી છે.

બંધકોની મુક્તિ અને યુદ્ધવિરામની શરતો:

સૈદ્ધાંતિક કરાર મુજબ, બંને પક્ષો વચ્ચેના ઝઘડા તરત સમાપ્ત થશે. આ હેઠળ...

- હમાસ 72 કલાકની અંદર તેના તમામ 48 બંધકો (જીવિત કે મૃત)ને મુક્ત કરશે (ઇઝરાયલ માને છે કે 20 જીવિત છે).

- ઇઝરાયલ તેની જેલોમાંથી 250 આજીવન કેદીઓ અને યુદ્ધ પછી અટકાયતમાં લેવાયેલા 1,700 લોકો (તમામ મહિલાઓ અને બાળકો)ને મુક્ત કરશે.

- ઇઝરાયલ દરેક મૃત બંધકના બદલામાં 15 પેલેસ્ટિનિયન મૃતદેહો પણ સોંપશે.

- હમાસ શસ્ત્રો મૂકી દે પછી ઇઝરાયલી સૈનિકો ગાઝામાંથી હટી જશે. ત્યારબાદ આ ક્ષેત્રને આંતરરાષ્ટ્રીય શાસન હેઠળ મૂકવામાં આવશે, જેની દેખરેખ ટ્રમ્પ અને ટોની બ્લેર કરશે અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા દળ તૈનાત કરવામાં આવશે.

ટ્રમ્પના શાંતિ પ્રસ્તાવ પર હજુ કેમ છે આશંકા?

ટ્રમ્પના શાંતિ પ્રસ્તાવ મુજબ, પેલેસ્ટિનિયન ટેક્નોક્રેટ્સનું અંતરિમ વહીવટતંત્ર દૈનિક કામકાજ સંભાળશે. હમાસને ગાઝાના વહીવટમાં કોઈ ફાળો નહીં મળે અને સુરંગો સહિત તેનું તમામ લશ્કરી માળખું ધ્વસ્ત કરાશે. શાંતિ ઇચ્છતા સભ્યોને માફી મળશે અને ગાઝા છોડવા ઇચ્છતા લોકો તેમ કરી શકશે. પેલેસ્ટિનિયનોને ગાઝામાંથી બહાર કઢાશે નહીં. મોટી માત્રામાં માનવતાવાદી સહાય યુએન અને રેડ ક્રેસન્ટ જેવી તટસ્થ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા સંચાલિત થશે.

આ પણ વાંચો: 'ICBM બનાવી રહ્યું છે ઈરાન, ટ્રમ્પનું ઘર પણ હશે રેન્જમાં...', નેતન્યાહૂના નવા દાવાથી ફરી વધ્યો તણાવ

હમાસ બંધકોને મુક્ત કરવા અને સત્તા સોંપવા તૈયાર છે, પણ નિઃશસ્ત્રીકરણનો ઉલ્લેખ નથી, જે ઇઝરાયલની મુખ્ય માગ છે. નેતન્યાહૂએ યોજનાના 'પહેલા તબક્કા'ના અમલ માટે તૈયારી બતાવી છે, પણ હમાસે આત્મસમર્પણ અને શસ્ત્રો મૂકવા પડશે તેવા તેમના સિદ્ધાંતો પર અડગ છે. ઇઝરાયલી સેનાને પણ પહેલા તબક્કાની તૈયારીનો નિર્દેશ મળ્યો છે.

મુખ્ય પગલાંના સમય અને હમાસના નિઃશસ્ત્રીકરણ પર હજુ મોટા મતભેદો છે. હમાસના અધિકારીઓએ બંધકોના મૃતદેહો શોધવામાં વધુ સમય લાગવાની ચેતવણી આપી છે. હમાસના વરિષ્ઠ અધિકારી મૂસા અબૂ મરઝૂક શસ્ત્રો ભાવિ પેલેસ્ટિનિયન સંસ્થાને સોંપવા તૈયાર છે, પણ સત્તાવાર નિવેદનમાં ઉલ્લેખ નથી. અન્ય અધિકારી ઓસામા હમદાન વિદેશી વહીવટ અને સૈન્યના પ્રવેશને અસ્વીકાર્ય ગણે છે.

યોજનાના કેટલાક ભાગો હજુ અસ્પષ્ટ છે; જેમ કે હમાસ ઇઝરાયલને સંપૂર્ણ હટાવવા ઇચ્છે છે, જ્યારે યોજનામાં ઇઝરાયલ માટે બફર ઝોન જાળવવાની વાત છે. આ બધા વચ્ચે ગાઝાનું ભવિષ્ય હજી પણ સવાલોના ઘેરામાં છે.