ઈઝરાયલની સેનાએ ગાઝામાં પાણી ભરી રહેલા બાળકો પર મિસાઈલ ઝિંકી, 8 બાળકો સહિત 43ના મોત
Israel-Hamas War : ગાઝામાં ભુખમરાનો સામનો કરી રહેલા નાગરિકો પર ઇઝરાયેલ દ્વારા ખુલ્લેઆમ હુમલા થઇ રહ્યા છે. ઈઝરાયલી સેનાએ રવિવારે (13 જુલાઈ) ગાઝા પટ્ટીમાં શરણાર્થી શિબિરો પર હુમલો કર્યો છે. સેનાએ અહીં પાણી ભરી રહેલા બાળકો પર મિસાઈલ ઝિંકી છે, જેમાં અનેક લોકોના મોત થયા છે. મૃતકોમાં સૌથી વધુ બાળકોનો સમાવેશ થાય છે. બીજીતરપ ઈઝરાયલી સેનાએ શિબિર પર ઝિંકેલી મિસાઈલ અંગે સ્પષ્ટતા આપી છે. સેનાએ કહ્યું કે, ટેકનીકલ ખામીના કારણે આ ભુલ થઈ છે, અમારો ટાર્ગેટ બીજો હતો. અમે જાણી જોઈને આવું કર્યું નથી. ઈમરજન્સી સેવાના અધિકારીઓએ કહ્યું કે, હુમલામાં આઠ બાળકો સહિત 10 લોકોના મોત અને 17 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ગાઝામાં ભોજન-પાણી સંકટ
જ્યારથી ઈઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધ થયું છે, ત્યારથી ગાઝાવાસીઓ ભારે સંકટમાં મુકાઈ ગયા છે. અહીંના લોકો ભોજન-પાણીના સંકટ સામે ઝઝુમી રહ્યા છે. અહીં સિવેજ સિસ્ટમ બંધ થઈ ગઈ છે, જેના કારણે લોકો જાહેર પાણી વિતરણ કેન્દ્ર પર નિર્ભર થઈ ગયા છે અને પાણીના વિકટ સંકટનો સામનો કરી રહ્યા છે.
ઈઝરાયલી હુમલામાં 43ના મોત
ગાઝામાં નાગરિક સુરક્ષા એજન્સીના પ્રવક્તા મહમૂદ બસ્સલે કહ્યું કે, ‘ઈઝરાયેલે રવિવારે કરેલા હુમલામાં ઓછામાં ઓછા 43 લોકોના મોત થયા છે. સેનાએ ગાઝા શહેરના એક માર્કેટમાં પણ હુમલો કર્યો હતો, જેમાં 11 લોકોના મોત થયા છે. જ્યારે મધ્ય ગાઝા સ્થિત નુસેરાત શરણાર્થી શિબિર પર એક પાણી વિતરણ કેન્દ્ર પર હુમલો થતા 10 લોકોના મોત થયા છે.
શનિવારે 54 લોકોના મોત
શનિવારે પણ ગાઝા પટ્ટી પર હવાઈ હુમલો કરાયો હતો, જેમાં ચાર બાળકો સહિત 28 નાગરિકોના મોત નિપજ્યા હતા. જ્યારે ભોજન વિતરણ કેન્દ્ર તરફ જઇ રહેલા નાગરિકો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં 24 લોકોના મોત નિપજ્યા હતા, આમ એક જ દિવસમાં ઇઝરાયેલે 54 જેટલા નાગરિકોનો ભોગ લીધો છે.
ઈઝરાયલની સેનાએ 48 કલાકમાં 250 ટાર્ગેટને નિશાન બનાવ્યા
બીજી તરફ ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલ દ્વારા હજુ પણ સૈન્ય કાર્યવાહી ચાલી રહી છે. ગાઝા પટ્ટીમાં ગત છેલ્લા 48 કલાકમાં 250 ટાર્ગેટને નિશાન બનાવાયા છે. ઇઝરાયેલે દાવો કર્યો છે કે આ તમામ સ્થળો હમાસ સાથે જોડાયેલા છે જેમાં હથિયારો રાખવાનું સ્થળ, એન્ટી ટેન્ક મિસાઇલ, સ્નાઇપર પોસ્ટ્સ, ટનલ વગેરેનો સમાવેશ થાય છે. ઇઝરાયેલના વડા નેતન્યાહુ તાજેતરમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરીને પરત ફર્યા હતા, આ મુલાકાતમાં ગાઝા શાંતિ કરારો પર કોઇ જ વાત બની નથી, તેથી નેતન્યાહુએ ઇઝરાયેલ પરત ફરતાની સાથે જ ગાઝા પર હુમલા શરૂ કરી દીધા છે.
આ પણ વાંચો : અમેરિકામાં ખાલિસ્તાની આતંકવાદી સહિત 8ની ધરપકડ, કિડનેપિંગ સહિત અનેક ગંભીર આરોપ