Get The App

જળસંકટ વચ્ચે પાણી ભરતાં બાળકો પર હવાઈ હુમલો, અનેકના મોત, ઇઝરાયલે કહ્યું - ભૂલ થઈ ગઈ!

Updated: Jul 14th, 2025

GS TEAM

Google News
Google News
Israel Hamas War


Israel Hamas War: રવિવારે ગાઝા પટ્ટીમાં એક શરણાર્થી શિબિર પર ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા મિસાઇલ હુમલામાં ઘણા લોકોના મોત થયા છે. મૃત્યુ પામેલા લોકોમાં મોટાભાગના બાળકો હતા. ઇઝરાયલી સેનાએ આ હુમલાને માનવીય દુર્ઘટના ગણાવતા સ્પષ્ટતા કરી હતી કે, 'આ ટેકનિકલ ખામીને કારણે થયું છે, અમારૂ લક્ષ્ય બીજે ક્યાંક હતું. અમે આ જાણી જોઈને કર્યું નથી.' 

જળસંકટ વચ્ચે પાણી ભરતાં બાળકો પર હવાઈ હુમલો

રવિવારે સેનાએ જણાવ્યું હતું કે, 'આ હુમલો પેલેસ્ટિનિયન ઇસ્લામિક જેહાદ કાર્યકર્તા પર કરવામાં આવ્યો હતો, પરંતુ ગોળાબારીમાં ટેકનિકલ ખામીને કારણે હુમલો નિર્ધારિત લક્ષ્યથી ડઝનેક મીટર દૂર થયો હતો. IDF નિર્દોષ નાગરિકોને ઓછામાં ઓછું નુકસાન પહોંચાડવા માટે તમામ પ્રયાસો કરે છે.'

ચોખ્ખું પાણી ભરવા માટે લગભગ 2 કિલોમીટર દૂર ચાલીને જવું પડે છે 

સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે, 'ઘણા પરિવારો ચોખ્ખું પાણી ભરવા માટે લગભગ 2 કિલોમીટર (1.2 માઇલ) દૂર ચાલીને જાય છે. હુમલા સમયે સ્થળ પર લગભગ 20 બાળકો અને 14 પુખ્ત વયના લોકો હાજર હતા. હવાઈ હુમલો નુસીરાત શરણાર્થી શિબિરમાં થયો હતો, જ્યાં લોકો ચોખ્ખું પાણી ભરવા માટે ભેગા થયા હતા.'

ગાઝાના આરોગ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે, 'ઑક્ટોબર 2023માં ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારથી 58,000થી વધુ લોકો માર્યા ગયા છે, જેમાં છેલ્લા 24 કલાકમાં 139 લોકોના મોત થયા છે. 

આ પણ વાંચો: IMF પાકિસ્તાન પર મહેરબાન! કહ્યું - બાહ્ય પડકારો યથાવત્ પણ સુધારા થઇ રહ્યા છે

ઇઝરાયલી પીએમએ મહત્ત્વપૂર્ણ બેઠક બોલાવી

યુદ્ધવિરામ અને બંધક કરાર અંગે ગાઝામાં ચાલી રહેલી પરોક્ષ વાટાઘાટોમાં કોઈ નોંધપાત્ર પ્રગતિ થઈ નથી. ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ રવિવારે મોડી રાત્રે દોહામાં ચાલી રહેલી વાટાઘાટોમાં નવા વિકાસની ચર્ચા કરવા માટે મંત્રીઓની બેઠક બોલાવી હતી.

ગયા અઠવાડિયે અમેરિકા દ્વારા પ્રસ્તાવિત 60 દિવસના યુદ્ધવિરામ અંગે થોડી આશા હતી, પરંતુ હવે બંને પક્ષો એકબીજા પર હઠીલા વલણ અપનાવવાનો આરોપ લગાવી રહ્યા છે, જેના કારણે યુદ્ધવિરામની શક્યતા ઘટી ગઈ છે.

જળસંકટ વચ્ચે પાણી ભરતાં બાળકો પર હવાઈ હુમલો, અનેકના મોત, ઇઝરાયલે કહ્યું - ભૂલ થઈ ગઈ! 2 - image

Tags :